ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારતમાં ગુરૂ-શિષ્ય પરંપરાને કારણે ગુરૂ પૂર્ણિમાનું મહાત્મય છે. આ દિવસે ગુરૂની પૂજાનું વિશેષ મહત્વ છે હોય છે. આપણા દેશમાં આ પર્વ પ્રતિ વર્ષ અષાઢ મહિનાની પૂનમનાં દિવસે ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે.
જીવનને યોગ્ય માર્ગદર્શન આપનારા સાચા ગુરૂને વિશેષ રીતે સન્માન આપવા ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં ગુરૂપૂર્ણિમાની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણીનાં ભાગરૂપે શાળાઓમાં શિક્ષકોએ બાળકો સમક્ષ જીવનમાં ગુરૂની વિશેષ મહત્તા વિશે વાતો રજૂ કરી હતી. શાળાનાં બાળકોએ શ્રધ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાનાં ગુરૂજનોનું પોતપોતાની આગવી રીતે પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્યતા અનુભવી હતી. ક્લસ્ટરની કમરોલી પ્રાથમિક શાળા સહિત અન્ય શાળાઓમાં આ દિન વિશેષની પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ અને કરંજનાં કેન્દ્રાચાર્યા એવાં શ્રીમતી જાગૃતિ પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે સૌને ગુરૂપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.