ગેરસમજ અને અહંકારથી દૂર રહેનાર જ કુદરતને ઓળખી શકે છે- ડો.મતાઉદ્દીન ચિશ્તી

Contact News Publisher

સમન્વય: ૨૦૨૩નાં ભવ્ય આયોજનમાં તબીબો તથા તેજસ્વી તારલાઓનું સન્માન

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ‘સમન્વય: ૨૦૨૩’માં કડીવાલા સમાજનાં ડોક્ટર્સ તથા તેજસ્વી તારલાઓનું સન્માન, સ્નેહ મિલન અને કારકિર્દી માર્ગદર્શનનું આયોજન હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી એજયુકેશનલ કેમ્પસ, પાલેજ ખાતે કરવામાં આવ્યું હતું. સમાજનાં નવ યુવાનો, વડીલો, માં- બહેનો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ પોતાનાં અભૂતપૂર્વ સહકાર થકી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં શાયાન કડીવાલા દ્વારા તિલાવતે કુરઆનથી કરાઇ હતી તથા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમનાં અધ્યક્ષ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી બાવા સાહેબ તથા હિઝ હોલીનેસ હઝરત ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી બાવા સાહેબનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેહસીન કડીવાલા દ્વારા હાજર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમતી પારુલબેન પટેલ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ પછી બાળકોએ કયા કયા અભ્યાસક્રમમાં એડમીશન લઈ પોતાની કારકિર્દી બનાવી શકે છે તે બાબતે તલસ્પર્શી માહિતી પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. કારકિર્દી માર્ગદર્શક અને કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ઇમ્તીયાઝભાઈ મોદી દ્વારા કારકિર્દી નક્કી કરતા પહેલા કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ તે બાબતે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. એચ.એચ.એફ.એમ.સી.પબ્લિક સ્કૂલનાં આચાર્ય દ્વારા પણ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઇ કડીવાલા દ્વારા પણ હાજર શ્રોતાઓને સંબોધવામાં આવ્યા હતા.
મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉત્તરાધિકારી હિઝ હોલીનેસ હઝરત ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા કડીવાલા ઘાંચી સમાજ અને મોટામિયાં માંગરોલની ગાદીનાં જોડાણ વિશે રુહાનીયત સભર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેઓેએ જણાવ્યું હતું કે સોબત અને સમયસૂચકતા વિદ્યાર્થીઓ સહિત સર્વનાં જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, ગેરસમજ અને અહંકારથી દૂર રહેનાર જ કુદરતને ઓળખી શકે છે. આંબાનાં વૃક્ષનાં ઉદાહરણ થકી નિખાલસતા અને આંતરિક નિષ્ઠાનું મહત્વ સમજાવ્યું હતું. સિરહાનભાઈ કડીવાલા દ્વારા સમાજનાં SSC, HSC, સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સમાજનાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓનાં નામ અને પરિણામ વિશે માહિતી આપી તેઓને બાવા સાહેબ તેમજ હાજર મહેમાનોનાં હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સિરાજભાઈ હારુનભાઈ કડીવાલા (ઝંખવાવ) દ્વારા આ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ઠ પરિણામ મેળવનાર સમાજનાં દરેક વિદ્યાર્થી ભાઇઓ બહેનોને ૨૧૦૦ રૂપિયાનું રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમનું સફળ સંચાલન સમીરાબેન કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું, અંતે સમસ્ત સમાજનાં તમામ લોકોની હાજરી અને સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *