આગામી ૨૧ જુન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩”ની ઉજવણીના પ્રચાર-પ્રસાર અંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને યોજાઈ પત્રકાર પરિષદ
યોગ દિવસની ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તથા યોગને પોતાના જીવનમાં અપનાવી સ્વસ્થ જીવન વ્યતિત કરે, તેવા પ્રયાસોની હિમાયત કરતા -કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ
…………..
માહિતી બ્યુરો તાપી તા. ૧૪: આગામી તા.૨૧મી જુન ૨૦૨૩ ના રોજ નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપક્રમે તાપી જિલ્લામાં યોજાનાર જિલ્લાકક્ષા/તાલુકાકક્ષા/ ગ્રામ્યકક્ષા તથા વિવિધ શાળા, કોલેજ ખાતેની ઉજવણીમાં મહત્તમ લોકો ભાગીદાર થાય તે માટે પ્રિન્ટ મિડિયા તથા ડિજીટલ મિડિયા થકી મહત્તમ પ્રચાર-પ્રસાર થાય તે માટે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદ યોજાઇ હતી.
આ વેળા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ૨૧ મી જુન, નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વ સમસ્તની જેમ સમગ્ર ગુજરાતમાં કરવાનું આયોજન હોવાથી, તાપી જિલ્લામાં પણ ૨૧મી જૂન, ૨૦૨૩ ના રોજ યોજાનાર આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી ભાગરૂપે તાપી જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, શાળા-કોલેજોમાં તથા જિલ્લા વિવિધ વિભાગો દ્વારા ૧૪ તારીખથી શરૂ થતા વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં યોગ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે માટે આ કાર્યક્રમોનું મોટા પ્રમાણમાં આયોજન કરાયું છે. આ કાર્યક્રમોના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે સ્થાનિક પત્રકારો દ્વારા વ્યકિગત અભિરૂચી રાખી, બહોળા પાયે પ્રચાર-પ્રસાર કરવામાં આવે તેવી અપીલ કરતા કલેકટરશ્રીએ લોકો મોટા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાય તથા યોગને પોતાના જિવનમાં અપનાવી સ્વસ્થ જિવન વ્યતિત કરે, તેવા પ્રયાસોની હિમાયત કરી હતી.
કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે, તા. ૨૦મી જુને જિલ્લા સેવા સદન ખાતે સમગ્ર વિભાગોના અધિકારી/કર્મચારીઓ દ્વારા યોગ દિનની ઉજવણી કરવામાં આવશે.
ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહે પત્રકારમિત્રોને જણાવ્યું હતું કે તા.૧૫ થી ૨૧ જુન દરમિયાન તાપી જિલ્લા પંચાયત વિભાગ દ્વારા તમામ ગ્રામ પંચાયતો ખાતે કાર્યક્રમો કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા ૧૭ જુને તમામ શાળાઓ ખાતે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજાશે. તથા આરોગ્ય વિભાગ દ્વારા ૧૬ થી ૨૧ જુન સુધી પીએચસી/સીએચસીની મળી કુલ ૨૪૦ જેટલી ફેકલ્ટીઓ મળી કુલ ૭૨૭૮ જેટલા લોકોને યોગની માહિતી અને તાલીમ આપશે. યોગ બોર્ડ દ્વારા ૧૪ થી ૧૮ જુન દરમિયાન અલગ અલગ સ્થળોએ યોગા ટ્રેનરો દરેક તાલુકાના જે તે સ્થળોએ પહોચી યોગાની તૈયારી કરાવશે, અને નગરપાલિકા સોનગઢ ખાતે ૨૧ જુને કાર્યક્રમ યોજાશે.
વધુમાં ૧૬ જુને સાંસદ યોગા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ પણ તેમને વધુ માહિતી આપતા જણાવ્યું હતું.
પત્રકાર પરિસદમાં ઉપસ્થિત નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગ દ્વારા યોગ પ્રત્યે લોકોમાં જાગૃકતા લાવવા પોલિસ જવાનો દ્વારા ૧૮ જુને ૮.૦૦ કલાકે વ્યારા ટાઉન જનક હોસ્પિટલથી સયાજી ગ્રાઉન્ડ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં અવ્યું છે, અને તેમાં પણ લોકો પોતાની ભાગીદારી નોધાવી શકે છે.
જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ચેતન પટેલે લોકો તા.૨૧ મી જુન ૨૦૨૩ ના કાર્યક્રમમાં સ્વયંભૂ સહભાગી થાય, અને મોટા પાયે નવમાં વિશ્વ યોગ દિનનો પ્રચાર પ્રસાર થાય તથા યોગ અંગે લોક જાગૃતિ કેળવાઇ તે માટે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
તાપી જિલ્લા કક્ષાનો તા.૨૧મી જૂન, ૨૦૨૩ “આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ” દિવસની ઉજવણીની વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સવારે ૬:૦૦ કલાકે યોજાશે.
00000