તાપીમાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો 2.38 ટકા, ગર્લ્સ ડ્રોપ-આઉટ રેશિયો 2.41 ટકા
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ૨૦મી શૃંખલા
********
વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતાથી માંડીને માળખાગત અને અદ્યતન તકનીકી સુવિધામાં પણ નોંધપાત્ર વધારો કરાયો.
…………….
તાપી જિલ્લામાં સરકારી શાળાઓમાં છેલ્લાં 20 વર્ષ દરમિયાન કુલ 1458 નવા વર્ગખંડો બનાવવામાં આવ્યા
…………….
તાપી જિલ્લામાં છોકરીઓ માટે 582 જેટલાં શૌચાલય અને છોકરાઓ માટે 438 શૌચાલય અને 407 શૌચાલય વિકલાંગ બાળકો માટેનાં છે.
…………….
અહેવાલ : વૈશાલી પરમાર
માહિતી બ્યુરો તાપી. તા.૦૯: ‘સૌ ભણે, સૌ આગળ વધે’ એવા ઉમદા આશયથી રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2002-03માં ‘શાળા પ્રવેશોત્સવ’ સહિતના કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક પરંપરાને રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે. જેમના નેતૃત્વમાં આગામી સપ્તાહે રાજ્યમાં ૨૦મા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દીર્ઘદૃષ્ટિપૂર્વક શરૂ કરવામાં આવેલાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાન માધ્યમથી રાજ્યના શિક્ષણદરમાં તો નોંધપાત્ર સુધારો થયો જ છે, સાથોસાથ અધૂરો અભ્યાસ છોડીને શાળા છોડી જનારા બાળકોની સંખ્યામાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતાથી માંડીને માળખાગત અને અદ્યતન તકનીકી સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં જ્યાં વિદ્યાર્થીઓ માટે નવા 1,40,860 જેટલા વર્ગખંડો બનાવવામાં આવ્યા છે, તો વર્ષ 2021-22 દરમિયાન કુલ 10,52,042 વિદ્યાર્થીઓએ ધોરણ-1 માં પ્રવેશ મેળવ્યો હતો. છેલ્લાં 20 વર્ષમાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો 20.5 ટકાથી ઘટીને 1.23 ટકા થયો છે. જેમાં તાપી જિલ્લાની વાત કરીએ તો તાપીમાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો 2.38 ટકા થયો છે.
રાજ્યનો સાક્ષરતા દર વધે તેમજ રાજ્યનાં બાળકોના શિક્ષણ અને તેમના ઉજ્જવળ ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને તેમનાં માતા-પિતાની સહભાગીદારીથી બાળકોના શિક્ષણની અગત્યતા પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા ઉદ્દેશ સાથે વર્ષ 2002-03માં ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ રાજ્યના દરેક બાળક માટે પ્રાથમિક શિક્ષણની સુલભતા સુનિશ્ચિત કરવાનો છે. તે બાળકોનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં પણ ઘણો અસરકારક છે. આ કાર્યક્રમ અસરકારક શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ સ્થાપિત કરવા સામુદાયિક જોડાણ, જાગૃતિ ઝુંબેશ અને માળખાગત સુવિધાઓના વિકાસ પર ભાર મૂકે છે.
તાપી જિલ્લામાં સરકારી શાળાઓમાં છેલ્લાં 20 વર્ષ દરમિયાન કુલ 1458 નવા વર્ગખંડો બનાવવામાં આવ્યા છે. જે રાજ્યના છેવાડાના જિલ્લાના આદિવાસી વિસ્તારના બાળકોને સુયોગ્ય શિક્ષણની સુવિધા પૂરી પાડે છે.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સમાવેશી શિક્ષણને સક્રીયપણે પ્રોત્સાહન આપે છે, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમુદાયો પર વિશેષ ધ્યાન આપે છે. શાળા પ્રવેશોત્સવ સાથે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કન્યાઓના શિક્ષણ માટે કન્યા કેળવણી રથયાત્રા પણ શરૂ કરી હતી. જેનાથી રાજ્યની બાળકીઓને પણ પ્રાથમિક શિક્ષણની સમાન તક મળે, અને કન્યાઓનું સશક્તીકરણ થાય.
રાજ્ય સરકારના આ પ્રયાસોના પરિણામે બાળકોના શાળાપ્રવેશ દરમાં વધારો થયો છે, અને સમગ્ર રાજ્યમાં કન્યાઓના સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થયો છે.
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં શાળા પ્રવેશોત્સવે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. વર્ષ 2021-22 તાપી જિલ્લાનો ગર્લ્સ ડ્રોપ-આઉટ રેશિયો 2.41 ટકા થયો છે.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શિક્ષકોની તાલીમને પણ પ્રાથમિકતા આપે છે, અને શિક્ષણની એકંદર ગુણવત્તા વધારવા માટે મજબૂત મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. મુખ્યમંત્રીશ્રી, કેબિનેટ મંત્રીઓ અને અધિકારીઓ, રાજ્ય અને જિલ્લાસ્તરના અધિકારીઓ સાથે વાલીઓને તેમનાં બાળકોને શાળામાં દાખલ કરવા માટે પ્રોત્સાહિત કરવા દૂરના ગામડાઓમાં પ્રવાસ કરે છે. જેના પરિણામે બાળકોના માતા-પિતાઓમાં તેમનાં સંતાનોના શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી છે, અને પ્રાથમિક શાળાઓમાં નોંધણીદરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
શાળા પ્રવેશોત્સવની સફળતા પાછળનું એક મુખ્ય પરિબળ એ છે કે તે સમુદાયોને જોડવા અને શિક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા પર ભાર મૂકે છે. આ ઇવેન્ટમાં સરકારી અધિકારીઓ, શિક્ષકો, માતાપિતા અને સ્થાનિક સમુદાયો સહિત વિવિધ હિતધારકોની સક્રીય ભાગીદારી સામેલ છે. રેલીઓ, ડોર ટુ ડોર ઝુંબેશ અને શેરી નાટકો દ્વારા, આ કાર્યક્રમો દૂરના અંતરિયાળ વિસ્તારો અને રાજ્યના છેવાડાના વિસ્તારો અને ત્યાં વસતાં સમુદાયો સુધી શિક્ષણનો સંદેશ ફેલાવે છે.
આ કાર્યક્રમે રાજ્યના છેવાડાના સમુદાયોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લીધી છે. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીઓના નોંધણી દરમાં નોંધપાત્ર વધારો થયો છે. જે ગુણવત્તાયુક્ત શિક્ષણમાં તેમની સહભાગીદારિતાને સુનિશ્ચિત કરે છે.
શાળામાં આવતાં બાળકોને પૂરતી માળખાગત સુવિધાઓ મળી રહે, એ હેતુથી સ્વચ્છતાની જાળવણીની સાથે આ સુવિધાઓમાં પણ વધારો કરવા પર આ કાર્યક્રમમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં છોકરીઓ માટે 582 જેટલાં શૌચાલય અને છોકરાઓ માટે 438 શૌચાલય બનાવવામાં આવ્યા છે. જેમાં 407 શૌચાલય વિકલાંગ બાળકો માટેનાં છે.
૦૦૦૦૦૦૦૦૦