કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ટેરેસ ગાર્ડનીંગ વિષય ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયો
( પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજના આધુનિક યુગમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતાં ઉપયોગના કારણે બજારમાં મળતા મોટાભાગના ફળ અને શાકભાજીમાં તેના અવશેષો રહી જાય છે જે ખાવાથી પશુપક્ષી તેમજ માનવ શરીરની તંદુરસ્તી ઉપર લાંબે ગાળે વિપરીત અસર થાય છે અને અસ્થમા , કેન્સર , ડાયાબીટીસ તેમજ અપંગતા જેવા અનેક રોગોનું કારણ બને છે . આ બાબતને ધ્યાનમાં રાખીને તા . ૨૧ / ૦૧ / ૨૦૨૦નાં રોજ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ , ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી – નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ટેરેસ ગાર્ડનીંગ વિષય ઉપર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ ( નવસારી વિભાગ ) , વ્યારા શહેરની કુલ ૨૭ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો . કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ . સી . ડી . પંડયાએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ કાર્યક્રમના મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે હાલના સમયમાં રસાયણયુકત ખાતરો અને જંતુનાશક દવાઓમાં વધુ પડતા ઉપયોગને કારણે માનવ સ્વાસ્થ ઉપર તેની માઠી અસર થાય છે . આથી શહેરીજનોને ઘરઆંગણે તેમજ ટેરેસ ઉપર ફળ અને શાકભાજી ઉગાડીને શુધ્ધ તેમજ તાજું ઝેરમુકત ફળ અને શાકભાજી ખાવા માટે હાંકલ કરી હતી . ડૉ . ધર્મિષ્ઠા પટેલ , વૈજ્ઞાનિક ( બાગાયત ) દ્વારા ટેરેસ ગાર્ડનીંગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી . જેમાં ટેરેસ ગાર્ડનીંગ માટે ઋતુ પ્રમાણે થતા શાકભાજીનું વાવેતર , ઉપયોગમાં લેવાતા કુંડા , મોટી પ્લાસ્ટિક બેગ , જુદા – જુદા પ્રકારના મીડીયા તેમજ તેના ફાયદાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી . આ સાથે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ના કરતા જૈવિક અને સેન્દ્રિય ખાતરોનાં ઉપયોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો . વધુમાં જંતુનાશક દવાના વધુ પડતા વપરાશના કારણે માનવજીવન પર થતી આડઅસર અંગે ફિલ્મ શો દ્વારા પણ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . ત્યારબાદ તાલીમાર્થીઓએ ટેરેસ ગાર્ડન ડેમોસ્ટ્રેશન યુનિટની મુલાકાત લીધી હતી . વધુમાં અન્ય ડેમોસ્ટ્રેશન યુનિટ જેવાં કે પ્લગ ટ્રે નર્સરી , વર્મીકમ્પોસ્ટ યુનિટ , મધમાખી પાલન , મત્સ્યપાલન તેમજ મશરૂમ યુનિટની પણ મુલાકાત લેવામાં આવી હતી . સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ . ધર્મિષ્ઠા પટેલ , વૈજ્ઞાનિક ( બાગાયત ) દ્વારા કરવામાં આવ્યું હતું .