ઓલપાડની સાયણ સુગર ફેકટરી પ્રાથમિક શાળાનાં આચાર્ય જગદીશચંદ્ર પ્રજાપતિનો મુંબઈમાં ડંકો
‘કોરોના નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ’ વિષય પર યોજાયેલ નિબંધ સ્પર્ધામાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે વિજેતા
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તાજેતરમાં મુંબઈનાં એક પ્રતિષ્ઠિત અખબાર દ્વારા ‘કોરોના નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ’ એ વિષય ઉપર એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરનાં ગુજરાતી સ્પર્ધકો સહિત સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની સાયણ સુગર ફેકટરી પ્રાથમિક શાળાનાં આચાર્ય જગદીશચંદ્ર પરસોત્તમભાઈ પ્રજાપતિ (મૂળ વતન- હાંસોટ જિ.ભરૂચ) એ સહર્ષ ભાગ લીધો હતો. તેમણે તમામ સ્પર્ધકોને પાછળ છોડી સ્પર્ધામાં અવ્વલ સ્થાન મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી હતી. શહેરનાં ઘાટકોપર વિસ્તારનાં ઝવેરબેન સભાગૃહમાં જાણીતા કવિ શોભિત દેસાઈ, ગૌરાંગ ઠાકર, ભાવેશ ભટ્ટ અને હર્ષવી પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ સન્માન સમારોહમાં આ બહુમુખી પ્રતિભા ધરાવતાં શિક્ષક જગદીશ પ્રજાપતિને સન્માનિત કરી રૂપિયા 11,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ સંદર્ભે એક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે સ્પર્ધામાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિત ભારતનાં અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓએ ભાગ લીધો હતો. આ વચ્ચે પ્રથમ ક્રમાંક મેળવવાની ક્ષણ મારા જીવનની ખૂબ જ ગૌરવપ્રદ અને અવિસ્મરણીય ક્ષણ બની રહેશે. તેમણે ગુજરાતી ભાષાને જીવતી રાખવા અને તેને ગૌરવ અપાવતાં આવા કાર્યક્રમો યોજનાર આયોજકો અને નિબંધ સ્પર્ધાનાં નિષ્પક્ષ નિર્ણાયકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
દેશભરનાં સ્પર્ધકો વચ્ચે સુરત જિલ્લા સહિત રાજ્યભરમાં ઓલપાડ તાલુકાનું નામ રોશન કરનાર આ ગૌરવશાળી પ્રતિભા જગદીશ પ્રજાપતિને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સાયણ સુગર ફેક્ટરીનાં પ્રમુખ રાકેશ પટેલ, સાયણ ગામનાં સરપંચ શ્રીમતી જીજ્ઞાસા ઠક્કર, સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેશ પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિ, હાંસોટ તાલુકા મિત્ર મંડળ સહિત સમસ્ત પ્રજાપતિ સમાજે અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.