બુથ લેવલ ઓફિસર તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર જ્યોતિ પટેલ સન્માનિત
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ચૂંટણીપંચ અને ચૂંટણીતંત્રને મતદાર સાથે જોડતી મહત્વની કડી એટલે બુથ લેવલ ઓફિસર. રાજ્યમાં મોટેભાગે શિક્ષકોને મતદાન મથક કક્ષાનાં આ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે જે પોતાની સરકારી ફરજોની સાથે વખતોવખત ચૂંટણીતંત્ર દ્વારા મતદારયાદી અને ચૂંટણી વિષયક સોંપવામાં આવતી વિવિધ ફરજો નિષ્ઠાપૂર્વક બજાવે છે. જે અંતર્ગત 155 ઓલપાડ વિધાનસભામાં ભાગ નંબર 22 કમરોલીનાં બી.એલ.ઓ. શ્રીમતી જ્યોતિ મગનભાઈ પટેલે આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે લિંક કરવાની કામગીરીને 100 % સિધ્ધ કરેલ છે. જે બદલ તેમને ઓલપાડનાં પ્રાંત અધિકારી સી.જે.ઉંધાડ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કરંજનાં કેન્દ્રાચાર્યા શ્રીમતી જાગૃતિ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા કમરોલી શાળાનાં મુખ્યશિક્ષિકા શ્રીમતી હેમલતા પટેલે તેમની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.