તાપી જિલ્લામાં “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ યોજાઇ
સ્વચ્છતા રેલી, શેરી નાટક, જાહેર સ્થળો- ધાર્મિક સ્થળોની સાફ-સફાઇ, સ્વચ્છતા સંવાદ, વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો
………….
66 ગામોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે નાચતે-ગાજતે લાભાર્થીઓએ 147 આવાસોમાં પ્રવેશ કર્યો
………….
માહિતી બ્યુરો,તાપી.તા.૧૨: તાપી જિલ્લામાં વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 13681 આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમાંથી આજરોજ “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લાના ૬૬ ગામોમાં 147 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે તાપી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જનજાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારે પ્રભાત ફેરી /સ્વચ્છતા રેલી સ્વચ્છતા સંદેશની પ્રવૃતિઓ, ગામના વિવિધ વિસ્તારોની સાફસફાઇ જેમાં જાહેર સ્થળો જેવા કે પંચાયતઘર, પોસ્ટ ઓફિસ, બેન્ક, શાળા, આંગણવાડી, સબસેન્ટર(PHC), પશુદવાખાના, દૂધ સહકારી મંડળી વગેરેની સાફસફાઇ, ધાર્મિક સ્થળોની સફાઈ, નદી, તળાવો વગેરે જેવા જળાશયોની આસપાસ વૃક્ષારોપણ, સ્વચ્છતા જાળવવા અંગે શપથ, શેરી નાટક, પ્રાકૃતિક ખેતી અંગે વાર્તાલાપ, ભજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી પ્રવૃતિઓ વિવિધ ગામો ખાતે કરવામાં આવી હતી.
આ સાથે જિલ્લાના 66 ગામોમાં લોકાર્પણ થયેલા 147 આવાસોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં આદિવાસી નૃત્ય, ભજન, ઢોલ નગારા વગાડી સમગ્ર ગામોમાં લગ્ન જેવો માહોલ સર્જાયો હતો. અને લાભાર્થીઓએ હર્ષ ઉલ્લાસ સાથે નાચતે-ગાજતે નવા આવાસમાં પ્રવેશ મેળવ્યો હતો.
000000000