ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ સાથે ત્રિવિધ કાર્યક્રમ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળામાં સુરત જિલ્લા ભાજપા મહામંત્રી યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વેકેશનની પૂર્વ સંધ્યાએ ધોરણ-૮ માં અભ્યાસ કરતાં બાળકોને વિદાયમાન, શાળાનાં તેજસ્વી તારલાઓનું સન્માન તથા વાર્ષિકોત્સવની ઉજવણી સહિતનાં ત્રિવિધ કાર્યક્રમનું રંગેચંગે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શોભા વધારવા ઓલપાડ તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી સરલાબેન પટેલ, માજી તાલુકા પંચાયત સદસ્ય બળવંતભાઈ પટેલ, ગામનાં સરપંચ શ્રીમતી તેજલબેન પટેલ તથા ગ્રામ પંચાયત સભ્યો, સામાજિક અગ્રણી હરિભાઈ પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, વાલીજનો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે સમારંભનાં અધ્યક્ષ યોગેશભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશાં શિક્ષણનાં માર્ગે આગળ વધવા અને પ્રગતિ કરવા માટે આહવાન કર્યું હતું. આપણે આપણામાં રહેલી ક્ષમતા થકી ભવિષ્યનું આયોજન કરી તેમાં ઝળહળતી સફળતા મેળવી માં-બાપ અને ગામનું નામ રોશન કરવાનું છે એમ જણાવી તેમણે સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. આ તકે વિદાય લેતાં બાળકોએ વારાફરતી પોતાનાં સ્વાનુભવો તથા સંસ્મરણો ભીની આંખે વાગોળ્યા હતાં. શાળાનાં આચાર્ય શ્રીમતી પ્રીતિબેન પટેલે વિદ્યાર્થીઓને આ શાળા છોડ્યા પછી પણ પોતાનાં અભ્યાસાર્થે કોઈપણ પ્રકારની જરૂર પડે તો મદદની ખાતરી આપી હતી. શાળાનાં ઉપશિક્ષકો મનોજ પટેલ, જીતેન્દ્ર પટેલ, કલ્પના પટેલ તથા કામિની પટેલે વિદાય લેતાં બાળકોને આશીર્વચનો પાઠવ્યા હતાં.
આ સાથે પરીક્ષામાં ૧ થી ૩ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા તમામ ધોરણનાં તેજસ્વી તારલાઓ સહિત વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં તેજસ્વીતા દાખવનારા વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્રિવિધ કાર્યક્રમનાં અંતિમ ચરણમાં શાળાનાં વાર્ષિકોત્સવની ઉજવણીનાં ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાનાં બાળકોએ રાસ ગરબા, આદિવાસી નૃત્ય સહિતની એક થી એક ચડિયાતી કૃતિઓ રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. શાળાનાં ઉપશિક્ષક મનોજ પટેલે આભારવિધિ આટોપી હતી. અંતમાં પ્રિતિ ભોજનનો આસ્વાદ માણી સૌએ એકમેકને વેકેશનની શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.