છેલ્લા ૨૦ વર્ષથી નાગરીકોના પ્રશ્નોનું નિવારણ લાવવા માટેની ખાસ પધ્ધતિ એટલે “સ્વાગત કાર્યક્રમ”
ચાલો સમજીએ સ્વાગત કાર્યક્રમ શું છે?
………………
નાગરીકોના પ્રશ્નોનું સુખદ અને પરીણામલક્ષી નિવારણ એટલે સ્વાગત કાર્યક્રમ
………………
જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી, સરળ અને સકારાત્મક ઉકેલની દિશામાં સરકારશ્રીના મક્કમ પગલાંની ઝાંખી
…………….
આલેખન-વૈશાલી પરમાર, સંગીતા ચૌધરી
માહિતી બ્યુરો, તાપી, તા.૨૬: આ દેશના નાગરીકો પોતાના સામાન્ય પ્રશ્નોનું ઝડપી, સુખદ તેમજ હકારાત્મક નિવારણ આવે તે હંમેશા ઇચ્છતા હોય છે. બીજી તરફ રાજ્યની સરકાર પણ છેલ્લા ૨૦ વર્ષથી નાગરીકોના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે ખાસ પધ્ધતિ અમલમાં મુકી છે જેનું નામ છે-“સ્વાગત કાર્યક્રમ”. આ કાર્યક્રમમાં ગ્રામ્ય કક્ષાએ થી લઇને છેક રાજ્ય કક્ષા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના પ્રશ્નોનું તત્કાલ સમાધાન કરવામાં આવે છે. સ્વાગત કાર્યક્રમ થકી જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી, સરળતાથી અને સકારાત્મક રીતે ઉકેલ આવે એ જ સુશાસનની પરિભાષા કહી શકાય. આ મંત્રને ચરિતાર્થ કરવાની દિશામાં ૨૪ માર્ચ ૨૦૦૩થી રાજયના નાગરિકો રાજયના વડાને સરળતાથી રજૂઆત કરી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત”ની વધુ અસરકારક પધ્ધતિ અમલમાં મુકી છે.
સ્વાગત કાર્યક્રમ થકી લોકોના પ્રશ્નો કે ફરીયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે ચાર તબક્કા પર કામ કરવામાં આવે છે. આ તમામ કાર્યક્રમોનું ઓનલાઇન મોનીટરીંગ મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત આ તમામ પ્લેટફોર્મ પર મળેલા પ્રશ્નો કે પછી ફરિયાદોમાં થયેલી કાર્યવાહી કે કાર્યની પ્રગતિની વિગતો ઓનલાઇન જોઇ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે
જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી, સરળ અને સકારાત્મક ઉકેલની દિશામાં સરકારશ્રીના મક્કમ પગલાંની ઝાંખી
પ્રથમ સોપાન એટલે ગ્રામ સ્વાગત
ગ્રામજનોએ ગામના તલાટી – મંત્રીશ્રીને સંબોધીને દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં તેમની રજૂઆત આપવાની રહે છે. 10 તારીખ બાદ મળેલી રજૂઆતો બીજા મહિનાના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મોકલવામાં આવે છે.
બીજુ સોપાન એટલે તાલુકા સ્વાગત
પ્રતિ માસ ચોથા બુધવારે સવારે ૧૧ વાગ્યાથી વર્ગ-૧ કક્ષાના અધિકારીના અધ્યક્ષપદે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં સંબંધિત મામલતદાર કચેરીમાં રજૂઆતો આપવાની રહે છે.
ત્રીજુ સોપાન એટલે જિલ્લા સ્વાગત
પ્રતિ માસ ચોથા ગુરૂવારે સવારે ૧૧.૦૦ વાગ્યાથી ૦૧.૦૦ વાગ્યા સુધી જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં રજૂઆતો આપવાની રહે છે.
ચોથુ સોપાન રાજ્ય સ્વાગત
પ્રતિ માસ ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીશ્રી સ્વયં મુલાકાતીને રૂબરૂ સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે રૂબરૂમાં કે વીડિયો કોન્ફરન્સીંગથી ચર્ચા વિચારણા કરી જનતાના પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટેની જરૂરી સૂચનાઓ આપે છે.
જનસંપર્ક એકમ મારફતે ઓનલાઇન કામગીરી
WTC (રાઇટ ટુ સી.એમ.)
રાજ્યના નાગરિકો ઇન્ટરનેટના માધ્યમથી ઘરે બેઠા cmogujarat.gov.in પોર્ટલ પર WTC (Write to CM) અંતર્ગત રજૂઆત કરી શકે છે. આ પ્રકારની રજૂઆતો સ્વાગત પોર્ટલના માધ્યમથી સંબંધિત અધિકારીઓને ઓનલાઇન મોકલવામાં આવે છે. રજૂઆતકર્તા નાગરિકને ઇ-મેઇલથી એની જાણ કરવામાં આવે છે. તેમજ સંબંધિત કચેરી દ્વારા થયેલી કાર્યવાહીની વિગતો નાગરિકો સ્વાગત પોર્ટલ પર ઓનલાઇન જોઇ પણ શકે છે.
લોક ફરિયાદઃ
ગુજરાતના નાગરિકો મુખ્યમંત્રીશ્રીને કોઇપણ સમયે રજૂઆત કરી શકે એ માટે જનસંપર્ક એકમની રચના કરવામાં આવી છે. નાગરિકોના પ્રશ્નો સાંભળી ઉકેલ માટેની તાકીદની કાર્યવાહી કરે છે. રોજ-બરોજ મળતી રજૂઆતો અને ફરિયાદો સ્કેન કરીને સંબંધિત અધિકારીઓને તેમના યુઝર એકાઉન્ટમાં ઓનલાઇન મોકલીને તાકીદની કાર્યવાહી માટે જરૂરી સૂચના આપવામાં આવે છે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીને અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવ્યા સિવાય રૂબરૂમાં મળવા આવતા નાગરિકોની રજૂઆત કે ફરિયાદ પણ જરૂરી આધાર-પુરાવાઓ રૂબરૂમાં મેળવી તાકીદની કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને ઓનલાઇન તથા ઇ-મેઇલ, ફેક્ષથી મોકલવામાં આવે છે. તેની પહોંચ સંબંધિત નાગરિકોને રૂબરૂમાં આપવામાં આવે છે. આ પહોંચમાં નાગરિકોની રજૂઆત પરત્વે શું કાર્યવાહી થઇ તેની ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન જોવા માટે જાણકારી આપવામાં આવે છે. આ પધ્ધતિ ૭ જાન્યુઆરી, ૨૦૦૯ થી અમલમાં મુકવામાં આવી છે.
વોટસએપ બોટઃ
ગુજરાત રાજ્યના નાગરિકો સ્વાગત કાર્યક્રમ, રાઇટ ટુ સી.એમ.ઓ., લોક ફરિયાદ, મુખ્યમંત્રી રાહત ફંડ જેવી બાબતોમાં સરળતાથી માહિતી મેળવી શકે તે હેતુથી ૭૦૩-૦૯૩૦-૩૪૪ વોટસએપ બોટ નંબર ૧ જાન્યુઆરી, ૨૦૨૩ થી શરૂ કરવામાં આવ્યો છે. આ વોટસઅપ બોટ નંબર નાગરિક મોબાઇલના કોન્ટેકટમાં સેવ કરી વોટસએપ પર “Hi” મેસેજ ટાઇપ કરવાથી સ્વાગત કાર્યક્રમ, રાઇટ ટુ સી.એમ.ઓ., મુખ્યમંત્રી રાહત ફંડ વિશે યોગ્ય માહિતી મેળવી શકાય છે. નાગરિકો પોતાની રજૂઆત કે સુચનો અંગે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સાથે ઇન્ટરનેટના માધ્યમથી સીધો સંપર્ક પણ સાધી શકે છે.
આમ, સ્વાગત કાર્યક્રમ લોકોના પ્રશ્નોના સુખદ સમાધાન લાવવામાં છેલ્લા ૨૦ વર્ષમાં પરીણામલક્ષી આયોજન સાબિત થયું છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાતમાં શરૂ કરવામાં આવેલા સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. જેને લોકોએ દિલથી વધાવ્યું છે. આગામી સમયમાં પણ આ આયોજન આજ રીતે નાગરીકોના પ્રશ્નો અને ફરીયાદોનું નિરાકરણ લાવીને આશાનો ઉજાસ પાથરતું રહેશે તેમાં શંકાને સ્થાન નથી.
હાલે સમગ્ર રાજ્યમાં સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતાં નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યા છે જેના સુખદ પરિણામો સામે આવી રહ્યા છે અને નાગરિકોના પ્રાણ પ્રશ્નો સરળતાથી ઉકેલ આવી રહ્યો છે.
૦૦૦૦૦૦