વ્યારાના કટાસવાણ ગામે ડામર રસ્તાનાં નિર્માણ કાર્યમાં ગોબાચારીની ગંધ આવતા ગ્રામજનોની ઉચ્ચસ્તરીય તપાસની માંગ !!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાના કટાસવાણ ગામે અમાસી ફળિયા થી ખુશાલપુરા-ભાનાવાડી ગામના મુખ્ય રસ્તાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં હતો. ગામજોનોની હાડમારી દૂર કરવા તાલુકા કક્ષાથી ૧૫માં નાણાપંચમાં અને તાલુકા સ્વભંડોળ આમ અલગ અલગ પાંચ પાંચ લાખ રૂપિયા માર્ગ નિર્માણ માટે ફાળવવામાં આવ્યા હતા. કટાસવાણ ગામે આ માર્ગ નિર્માણ કાર્ય બાદ માત્ર એક માસમાં માર્ગ વચ્ચેથી ધોવાઈ જવા પામ્યો હતો જેથી ગામજનોમાં માર્ગ નિર્માણમાં થયેલી ગોબાચાળી પ્રકાશમાં આવતા આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. આ મામલાને થાળે પાડવા ધમપછાડા કરી આ માર્ગને ઠીંગણા મારી મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કટાસવાણ ગામના આ વિવાદિત વાદળોના ઘેરાયેલા રસ્તાના કામમાં નકરી વેઠ ઉતારવામાં આવી હોય, આ માર્ગ બનાવવામાં ડામર સહિત નિર્ધારિત મટીરીયલ વાપરવામાં આવેલ છે કે કેમ ? તાલુકા પંચાયત કક્ષાથી આ માર્ગ નિરીક્ષણ કરવામાં અધિક મદદનીશ ઇજનેર કે ટેકનીકલ બાબતથી વાકેફ હોય એવા કર્મચારીએ આ માર્ગ બાબતે જરૂરી સૂચનો કર્યા છે કે કેમ ?
માર્ગ નિર્માણ બાબતે સ્વાર્થી રોટલા શેકાયા હોવાની ગંઘ આવી રહી છે તેવા સમયે તાલુકા પંચાયત સ્વભંડોળમાંથી ચુકવણું થયું હોવાની ચર્ચાએ હવા પકડી છે. કટાસવાણ ગામે માર્ગ નિર્માણમાં ટેસ્ટીંગ રિપોર્ટ રજૂ કરવાનો થતો હોય, નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ × મકાન પેટા વિભાગના અધિકારીએ આ માર્ગની વિઝીટ લીધી છે કે કેમ ? જો લીધી હોય, ટેસ્ટિંગ રિપોર્ટના આધારે આ માર્ગના સેમ્પલ લઈ ટેસ્ટીંગમાં મોકલવામાં આવે તો જવાબદાર અધિકારીઓની સ્વાર્થી નીતિ ખુલ્લી થવા પામે તેમ છે. તાલુકા કક્ષાના જવાબદાર અધિકારીઓએ શું રસ્તાની મુલાકાત લીધા વગર જ બિલો લખી દીધા હશે ? જેવા પ્રશ્નો ઉપસ્થિત થવા પામ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અખબારમાં સમાચાર પ્રસિદ્ધ થવા બાદ પણ અધિકારીઓ માર્ગની પરિસ્થિતિની ખરાઈ કરવા સ્થળ પર ફરક્યા સુધ્ધા ન હોય ત્યારે આ માર્ગના નિર્માણકાર્યની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવાની તૈયારીઓ ગ્રામજનોએ આરંભી છે.