જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, તાપી દ્વારા હેતુલક્ષી સ્પર્ધાત્મક તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી,વ્યારા–તાપી આયોજિત નવજાગૃતિ સેવા ટ્રસ્ટ, વ્યારા દ્વારા માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલમાં અનુસૂચિત જનજાતિનાં શિક્ષિત બેરોજગાર યુવકો–યુવતિઓ માટે હેતુલક્ષી સ્પર્ધાત્મક તાલીમ યોજાઈ. જેમાં વ્યારા, સોનગઢ, વાલોડ, ડોલવણ તાલુકાનાં ૭૮ યુવકયુવતીઓએ ભાગ લીધો હતો. તાલીમાર્થીઓને મેદાન પર ફિઝિકલ તાલીમ ઉપરાંત હેતુલક્ષી તાલીમમાં કાયદો, બંધારણ, ભૂગોળ, ઇતિહાસ, ગણિત–રિઝનીંગ, ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાનનાં વિષયો ભણાવવામાં આવ્યા હતા. જેની તાલીમ જુદા—જુદા વિષય નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમ્યાન વિધાર્થીઓને નાસ્તા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તાલીમાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક આ તાલીમમાં ભાગ લીધો હતો. કાકરાપાર પોલીસ મથકનાં મહિલા પોલીસ કર્મીઓ દ્વારા મહિલાઓને સ્વરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.