પાલેજ મુકામે હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) :: મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પર વર્ષ 1957 થી 2001 સુધીના દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદાનશીન- ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) નો વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલેજ મુકામે 27 મી રમઝાનનાં પવિત્ર દિવસે ઉજવાય છે અને ઇફતારીનું આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે.
હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજા (રહ.) પછી હિઝ હોલીનેસ ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયાં ચિશ્તી ગાદી પર આવ્યા ત્યારબાદ વંશ પરંપરાગત વિશેષ પરંપરા, અલૌકિક આજ્ઞા અને રુહાનિ ઇલ્હામ મુજબ વર્ષ 1957માં હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) સૌની વિશેષ હાજરીમાં વિધિવત્ રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા. તેમણે સાદગીભર્યું સમગ્ર જીવન નિરાધારોની સેવામાં પસાર કરી ગાદીનાં માનવીય સિદ્ધાંતો, માનવતા અને એકતાનો સંદેશ દેશ સહિત વિદેશમાં પહોંચાડ્યો. તેમણે ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય વિવિધ ભાષા ઉપર અનોખું પ્રભુત્વ ધરાવતા હતાં. દરગાહ પરિસરમાં સંદલ શરીફની વિધિ બાદ ફુલ ચાદર પેશ કરી પુત્ર – જાનશીન અને મોટામિયાં માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી દ્વારા દેશમાં શાંતિ ભાઈચારો બની રહે એ માટે આ પવિત્ર દિવસે ખાસ દુઆ કરવામાં આવી હતી. તેઓની સાથે તેઓનાં સુપુત્ર – અનુગામી ડો. મતાઉદીન ચિશ્તી તેમજ કુટુંબીજનો હાજર રહ્યા હતાં. સાંજે ઇફતારીનું પણ ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.