ગરમાળા અને જરુલનાં વૃક્ષો ઉપર રંગ બે રંગી ફૂલો ખીલતા રમણીય બન્યું તાપી જિલ્લા સેવાસદન
ગરમાળાના ફૂલ ખીલતા જિલ્લા સેવાસદનનું ગાર્ડન બન્યું ગોલ્ડન
……………
ગરમાળો રે ગરમાળો, સોનલ વર્ણો ગરમાળો! રૂડો રૂપાળો ગરમાળો! ગુણોથી ભરેલો ગરમાળો! રસથી ભરેલો ગરમાળો! રંગરંગીલો ગરમાળો! ગરમાળો રે ગરમાળો.
……………
તાપી જિલ્લા સેવાસદનના કેમપ્સમાં આયોજન બધ્ધ રીતે વાવેલા વિવિધ વૃક્ષો અને છોડ સેવાસદનની શોભામાં વધારો કરી રહ્યા છે
……………
આલેખન- સંગીતા ચૌધરી, વૈશાલી પરમાર
માહિતી બ્યુરો તાપી તા.૨૦ ભારતમાં વસંત, શરદ, શીશીર, ગ્રીષ્મ, અને હેમંત એમ કુલ છ ઋતુઓ છે આ છ ઋતુમાં પાનખર ઋતુ (વસંત)નું વિશેષ મહત્વ છે, કારણ પાનખર ઋતુમાં પર્ણના અલગ અલગ રંગથી પ્રકૃતિને સોળે કળાએ ખીલેલી માણી શકાય છે. પાનખર ઋતુ ગુજરાતી પંચાગ પ્રમાણે માહ અને ફાગણ માહિનામાં આવે છે. પાનખર ઋતુ બાદ વસંતમાં નવા પર્ણ ફુટે છે. પાનખરની ઋતુમાં સૂકાં થઈ ગયેલાં વૃક્ષો ગ્રીષ્મની ઋતુમાં રંગ બે રંગી ફૂલોથી શોભી રહ્યાં છે. રંગીન ફૂલોથી લહેરાતાં વૃક્ષો રમણીય વાતાવરણ સર્જી રહ્યાં છે.
ત્યારે ખાસ કરીને મનમોહક અને લોકોની નજરોને લુભાવનાર ગરમાળા અને જરુલનાં વૃક્ષો પીળાં અને જાંબલી ફૂલોથી ગ્રીષ્મની મોસમને શોભાવી રહ્યા છે. તાપી જિલ્લામાં પણ વિવિધ રંગી ફૂલોથી લહેરાતાં વૃક્ષો રમણીય વાતાવરણ સર્જી રહ્યાં છે. પાનખરની ઋતુમાં ગરમાળો અને જરુલ સહિતનાં વિવિધ વૃક્ષો પરથી પાંદડાં ખરી પડતા પર્ણ અને ફૂલ વિના જાણે સૂકાં વનો ઊગી નીકળ્યાં હોય તેવાં દ્રશ્યો જોવા મળતા હતાં. પરંતુ તાજેતરમાં વૃક્ષો ઉપર લીલા પર્ણ અને વિવિધ ફુલો આવી ગયા છે.
વાત કરીયે હાલ ગ્રીષ્મની મોસમમાં તાપી જિલ્લા સેવાસદનને શોભાવિંત કરતા ગરમાળા અને જરુલના વૃક્ષોની, તો એક તરફ ગરમાળાના પીળાં ફૂલોના ગુચ્છેદાર વૃક્ષો અને બીજી બાજુ જરુલના જાંબલી ફુલોથી ગ્રીસ્મની ઋતુમાં જાણે તાપી જિલ્લા સેવાસદને નવું આવરણ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.
પાંદડાં ખરવાની અને નવાં પર્ણો તથા ફૂલો ઊગવાની પ્રક્રિયા કુદરતી છે. પાનખરમાં વૃક્ષોનાં તમામ પાંદડાં અને ફૂલો ખરી પડતાં હોય છે.પાનખર પછી ગ્રીષ્મ ઋતુનું આગમન થાય છે. ગ્રીષ્મમાં વૃક્ષોમાં નવાં પાંદડાં-ફૂલો ઊગે છે.ત્યારે તાપી જિલ્લા સેવા સદનમાં આયોજન બદ્દ્ ઉગાડવામાં આવેલા ગરમાળા અને જરુલનાં વૃક્ષોમાં નવાં પાંદડાં અને ફૂલો આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.ગરમાળાનાં વૃક્ષો પર પીળા ફૂલોનાં ગુચ્છે-ગુચ્છા ઝુલી રહ્યાં છે. આ ફૂલો ખીલ્યા પછી શિંગો લાગશે.પીળા રંગનાં ફૂલોથી મહોરેલાં ગરમાળાના વૃક્ષોને કારણે સેવાસદન જાણે સોનાની નગરી હોય એવો અહેસાસ અપાવી રહ્યું છે.તો બીજી તરફ જરુલના ફુલોથી વાતાવણ ગુલાબી ગુલાબી બની ગયું છે. આ ફુલોને જોઇ સૌ કોઇ તેનો ફોટો લેવા માટે આકર્ષાય રહ્યા છે.
ગરમાળો રે ગરમાળો, સોનલ વર્ણો ગરમાળો! રૂડો રૂપાળો ગરમાળો! ગુણોથી ભરેલો ગરમાળો! રસથી ભરેલો ગરમાળો! રંગરંગીલો ગરમાળો! ગરમાળો રે ગરમાળો.
ગરમાળો-(ગોલ્ડન સાવર)એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું પીળાં ફૂલોવાળું એક વૃક્ષ છે, જે ઔષધિય ઉપયોગ માટે પણ જાણીતું છે. લેટિનમાં કૈસિયા ફિસ્ચલા કહેવાય છે. ભારતના લગભગ બધાજ વિસ્તારમાં આ વૃક્ષ જોવા મળે છે. થડ જાડું હોય છે પણ ઉંચાઈ મધ્યમ હોય છે. શિયાળામાં આ વૃક્ષ ઉપર એક થી સવા હાથ જેટલી લાંબી શીંગો બેસે છે, જેમાં કાળા રંગનો માવાદાર પદાર્થ ભરેલો હોય છે, જેને ગરમાળાનો ગોળ કહે છે. આની શીંગોમાંથી મધુર, ગંધયુક્ત, પીળા રંગનું ઉડનશીલ તેલ મળે છે.
ગરમાળાને પીળા ગુચ્છાદાર ફૂલો થાય છે. વસંત ઋતુમાં ઝાડ આખું પીળા સોનેરી રંગના ફ્લોથી છવાયેલું અત્યંત આકર્ષક લાગે છે. તેના પર એક હાથ લાંબી સીંગો આવે છે. તેનામાં ચીકણો ગર્ભ કાળા રંગનો હોય છે તે દવામાં ઉપયોગ થાય છે. ખાસ બાળક, સગર્ભા સ્ત્રી વગેરે નાજુક પ્રકૃતિ વાળાને હલકો પણ સારો જુલાબ લાવી પેટ સાફ કરે છે. કાકડા વધીને દુ:ખાવો થાય ત્યારે તેની છાલને પાણીમાં ઉકાળી તેના કોગળા કરવાથી આરામ થાય છે.ગરમાળાની છાલ, મૂળ, અને ખાસ કરીને તેની સીંગો ઉપયોગી ભાગ તરીકે વાપરવામાં આવે છે.આમ ગરમાળો શોભા વધારવાની સાથે સાથે ઔષધિ તરીકે પણ ઉપયોગી અને લાભદાયી છે.
જરુલ –(પ્રાઇડ ઓફ ઇન્ડિયા)
જરુલ અથવા લેજરેસ્ટ્રોમિયા સ્પેસિઓસા (જે પ્રાઇડ ઓફ ઇન્ડિયા )તરીકે પણ ઓળખાય છે.એ લેજસ્ટ્રોમિયાની એક પ્રજાતિ છે, જે ઉષ્ણકટિબંધીય દક્ષિણ એશિયામાં જોવા મળે છે.. જરુલને ભારતના મહારાષ્ટ્રના રાજ્ય ફૂલ તરીકે ઓળખવામાં આવે છે. જરુલ નાના-મધ્યમ કદનું હોય છે, લીસી છાલ ધરાવે છે.તેના ફૂલ સફેદ-જાંબલી ભાગ ધરાવે છે.ફૂલ ઉનાળાના સમયે વર્ષમાં એક વાર જ ખીલે છે.
તે દક્ષિણ પૂર્વ એશિયા, ભારત અને ફીલીપાઈન્સમાં ઉગાડવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય અને સમઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં સુશોભન છોડ તરીકે પણ તેનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. તેના પાંદડા અને અન્ય ભાગો ચા તૈયાર કરવામાં ફિલિપાઇન્સ, તાઇવાન અને જાપાનમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. ફિલીપાઇન્સના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ (ડીઓએચ) દ્વારા તેને ૬૯ હર્બલ વનસ્પતિઓની યાદીમાં મૂકવામાં આવ્યું છે. વિયેતનામમાં છોડના નાના પાંદડા શાકભાજી તરીકે ખાવામાં આવે છે, અને તેના જૂના પાંદડા અને પરિપક્વ ફળ લોહીમાં શર્કરા ઘટાડવા માટે પરંપરાગત દવાઓમાં વપરાય છે.
સમગ્ર ગુજરાતમાં તાપી જિલ્લાનું સેવા સદન તેના બાધકામ માટે વખાણાય છે તથા ગ્રીન ઝોન તરીકે વખાણાય છે.ત્યાતે તાપી જિલ્લા સેવાસદનના કેમપ્સમાં આયોજન બધ્ધ રીતે વાવેલા વિવિધ વૃક્ષો જેમા ગરમાળા અને જરુલ સહિત ચંપો,સપ્તપર્ણી,ગુલમહોર,બાદામના વૃક્ષો, સોપારી અને ગુલાબ,બારમાસી,જાસ્મીન સહિત વિવિધ સુશોભનના છોડ સેવાસદનની શોભામાં વધારો કરી રહ્યા છે, જિલ્લા સેવાસદનમાં પ્રવેશતા જ વૃક્ષો નજરે નિહાળી શકાય છે, પરંતુ આ વૃક્ષો ઉપર ખીલેલા ફુલોને કારણે આજે કાંઇક અલગ નજારો નજરે પડી રહ્યો છે.
00000