સાયણ પ્રાથમિક શાળાનો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એક્ઝામમાં ડંકો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સાયણ પ્રાથમિક ધોરણ-૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઓમપ્રકાશ ચંદ્રમોહન બિંડ, ધૃવ જીતેન્દ્રભાઇ વરુ તથા દ્રષ્ટિ દિપકભાઇ ખંદારેએ સદર કેન્દ્ર સરકાર પ્રેરિત નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (એન.એમ.એમ.એસ.) પરીક્ષામાં ઉત્તિર્ણ થવા સાથે સમગ્ર ઓલપાડ તાલુકામાં અનુક્રમે પ્રથમ, ચોથા અને પાંચમાં ક્રમે મેરીટમાં સ્થાન મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે.
વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ શાળાનાં ઉપશિક્ષક અનિલ રાઠોડ છેલ્લાં છ માસથી વિદ્યાર્થીઓને આ સ્પર્ધાત્મક પરીક્ષાની નિઃસ્વાર્થભાવે વિશેષ તૈયારી કરાવતાં હતાં. જેમની અથાગ મહેનત તથા સતત માર્ગદર્શનનાં પરિપાકરૂપે વિદ્યાર્થીઓએ અપેક્ષિત સફળતા પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે જે ગૌરવની બાબત છે. આ વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 પ્રતિ વર્ષ ₹ 12,000 શિષ્યવૃત્તિની રકમ મેળવવા હક્કદાર બનેલ છે.
શાળાનાં વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેશ પટેલ, શાળાનાં આચાર્ય સેજલ રાઠોડ તથા શાળા પરિવાર તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિએ સૌને અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.