સ્વાસ્થ્ય અને સુખાકારીનાં ઉદ્દેશ્ય સાથે વલસાડ રેસર્સ ગૃપ દ્વારા પારનેરા પરિક્રમા યોજવામાં આવી
પરિક્રમામાં દેગામની સરકારી પ્રાથમિક શાળાનાં બાળકો અને વાલીઓ જોડાયા
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : પવિત્ર ચૈત્ર માસનું મહાત્મય ધ્યાને લઇ સૌની સુખાકારી માટે જાગૃતતા ફેલાવતી ટીમ વલસાડ રેસર્સ ગૃપ દ્વારા પારનેરા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રારંભે માતાજીનાં જયકાર સાથે ટીમ અગ્રણી અને સુકાની ડો. કલ્પેશ જોશી તેમજ ટીમે સૌને પરિક્રમા સંબંધિત જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સૂર્યોદય થતાં જ ખુશનુમા વાતાવરણમાં શરૂ થયેલ આ પરિક્રમામાં રજિસ્ટ્રેશન થયેલ વિવિધ ગૃપનાં સભ્યો, ટીમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ, જિલ્લાનાં વિવિધ તાલુકાનાં એકવીસ શિક્ષકો સહિત દેગામ પ્રાથમિક શાળાનાં દસ વિદ્યાર્થીઓ તેમનાં શિક્ષક અશ્વિન ટંડેલનાં માર્ગદર્શન હેઠળ વાલીઓ સહિત જોડાયા હતાં.
પરિક્રમા દરમિયાન ટીમ વી.આર.જી. સંચાલિત નેચર ફોટોગ્રાફી કોન્ટેસ્ટ માટે સભ્યો પ્રકૃતિને પોતાનાં કેમેરામાં કેદ કરવામાં વ્યસ્ત જોવા મળ્યાં હતાં. આ પ્રસંગે વલસાડ રેસર્સ ગૃપ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનાં સંદેશ સાથે કાપડની થેલી સ્મૃતિચિહ્નરૂપે આપવામાં આવી હતી. ટીમ ગો ગ્રીન ઇન્ડિયા અને પારનેરા યુવક મંડળનાં સભ્યોએ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી.