તાપી જિલ્લામાં સરકારની યોજનાઓના પ્રચાર-પ્રસારની શ્રેષ્ઠ કામગીરી માટે ટીમ માહિતીને બિરદાવતા સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૯- સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને તમામ નાગરિકોનો સર્વાંગીણ વિકાસ થાય તે માટે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કામગીરી કરવામાં આવે છે. તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ વ્યારા(કલેકટર કચેરી સભાખંડ) ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, કલેકટર સુશ્રી ભાર્ગવી દવે,ઈ.ચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીની ઉપસ્થિતિમાં યોજાયેલ દિશાની બેઠકમાં કેન્દ્ર સરકારની યોજનાઓના પ્રચાર-પ્રસારની શ્રેષ્ઠ કામગીરી માટે તાપી માહિતી વિભાગની કામગીરીને સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા સહિત મહાનુભાવોએ માહિતી ટીમને પ્રશસ્તિપત્ર આપી કામગીરીને બિરદાવી હતી.
સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજનાઓ પહોંચે તે માટે માહિતી વિભાગની ટીમ ખૂબ જ સુંદર કામગીરી કરે છે. જનહિતલક્ષી સમાચારની સાથે સાથે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનાઓ સમાજ સમક્ષ મુકીને પ્રજા અને સરકાર વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા તેમજ સોશ્યલ મીડિયા જેવા વિવિધ માધ્યમો સાથે સુચારૂ સંકલનથી માહિતી વિભાગ ઉમદા કામગીરી કરે છે. જે ખૂબ જ પ્રશંસનિય અને પ્રેરક છે.
સહાયક માહિતી નિયામકશ્રી નિનેશકુમાર ભાભોરે સાંસદશ્રીનો ઋણ સ્વિકાર સાથે જણાવ્યું હતું કે અમારી માહિતી ટીમ પરસ્પર સંકલન કરીને તાપી જિલ્લાને અગ્રેસર બનાવવાના ધ્યેય સાથે કામ કરે છે. ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ કરી, જિલ્લાના તમામ લોકો સાથે એકતાની ભાવના સાથે અમો એક બનીને તાપી જિલ્લાને શ્રેષ્ઠ બનાવવા કટીબધ્ધ છીએ.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦