વિશ્વ મહિલા દિન નિમિત્તે હંગાતી ટ્રસ્ટ તરફથી માંડળ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજે હંગાતી ટ્રસ્ટ તરફથી વિશ્વ મહિલા દિન નિમિત્તે રંગારંગ કાર્યક્રમ સોનગઢ તાલુકાના માંડલ ખાતે, દર વર્ષની જેમ ઉજવવામાં આવ્યો. જેમાં સોનગઢ તાલુકાના 35 ગામોની 5000 થી વધુ મહિલાઓ રંગબેરંગી પોશાક અને ઘરેણાં પહેરીને વાજીંત્રોની સાથે ગાતા નૃત્ય કરતી ઉપસ્થિત રહી હતી. વાજીંત્રો ના સુર સાથે, નૃત્ય સાથે મહિલાઓએ મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું
આ કાર્યક્રમમાં પૂજ્ય સંઘમિત્રાજ઼ી, આનંદી સંસ્થા દાહોદના સંચાલક, વિવિધ સેવાકીય સંસ્થાના આગેવાનો, બહાદુર મહિલા સરપંચ શ્રીમતી આનંદીબેન, ટ્રસ્ટના હોદ્દેદારો, આદિવાસી યુવાન અને પ્રેરણારૂપ મિત્રો તેમજ અતિથિ વિશેષ તરીકે કૃષિ યુનિવર્સિટી નવસારીના ડાઇરેક્ટર એક્સટેન્શન ર્ડો ચૌહાણ તેમજ પૂર્વ કલેકટર તાપી અને નિવૃત્તિ પછી પણ પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી માટે સતત મથામણ કરતાં શ્રી આર. જે. પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ આદિવાસી નૃત્યો રજૂ કરવામાં આવેલ જેમાં વૃદ્ધ મહીંલાઓનો ઉત્સાહ જોઈ સૌ દંગ રહી ગયા હતા. વિવિધ વક્તાઓએ નારી શક્તિ ઉજાગર કરવા પ્રેરણાદાયક પ્રવચનો આપ્યા હતા.
અતિથિ વિશેષ તરીકે શ્રી આર. જે. પટેલના વક્તવ્યથી સૌ ભાવ વિભોર થઇ ગયા હતા. તેઓએ મહિલા દિન પાછળના શુભ હેતુઓ વિસ્તારથી સમજાવ્યા હતા. વધુમાં જણાવેલ કે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા જ આ વિશ્વના પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન કરી શકશે. ક્લાઈમેટ ચૈન્જ અને ગ્લોબલ વોર્મિંગની અસરો દૂર કરવા વિશ્વમાં અનેક સંમેલનો થાય છે પણ ક્હેવાતા વિકાસ પાછળ આંધળી દોટ મુકનારાઓ આ વૈશ્વિક સળગતા સવાલનું સમાધાન આણી શકે એમ લાગતું નથી. ત્યારે આદિવાસી મહિલાઓ જ ચિપકો આંદોલનો કરીને પર્યાવરણ નું રક્ષણ કરી શકશે. પરંપરાગત, પ્રાકૃતિક ખેતી થકી જ પ્રજાની રોગ પ્રતિકાર શક્તિ વધારી શકાશે. વળી આદ. રાજ્યપાલ મહોદય પણ આ બાબતે ખુબ જહેમત ઉઠાવી રહયાનું જણાવ્યું.
તેઓએ જણાવ્યું કે એક શ્રમિક આદિવાસી પરિવારમાં વૃક્ષ નીચે તેઓ જન્મ્યા હતા અને કઠોર પરિશ્રમ થકી વલસાડ જિલ્લાના તેઓ પ્રથમ અને હાલમાં પણ એક માત્ર આઈ.એ.એસ. સેવક થયા, તેઓએ ચાર આદિવાસી જિલ્લાઓના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવીને હજારો સખી મંડલોને સહયોગ કર્યો છે અને વિકાસના ઈચ્છીત પરિણામો મેળવ્યા છે તેનો તેઓને ગર્વ છે. નિવૃત્તિ પછી પણ મોભાવાળી જગ્યાનો મોહ ત્યાગી બે પાયરી નીચેનો હોદ્દો સ્વીકારી એકલવ્ય એજ્યુકેશન સોસાયટી, ગુજરાત રાજ્યમાં ફરજ બજાવી રાજ્યમાં ગુણવત્તાયુક્ત, શિક્ષણ માટે યજ્ઞકાર્ય કર્યાનો સંતોષ છે. મહિલાઓને આ દેશમાં બંધારણની જોગવાઈ કરી ને પુરુષ ની સમોવડી બનાવનાર મહામાનવ, સિમ્બોલ ઓફ નોલેજ ર્ડો બાબા સાહેબની ભૂમિકાની યાદ દેવડાવી હતી.
તેઓએ સેવા કરતી સંસ્થાઓને તાકીદ કરતાં જણાવ્યું કે આદિવાસીનો મૂળ ધર્મ પ્રકૃતિની પૂજા છે તેઓને કોઈ લાલચ આપીને કોઈ ધર્મનું લેબલ લગાવશો નહીં, નામદાર સુપ્રીમ કોર્ટ નો 2011 નો, જસ્ટિસ માર્કંડેય કાટઝુ અને જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રની ખંડ પીઠના ઐતિહાસિક ચુકાદાનું વિવરણ કરતાં જણાવ્યું કે આદિવાસી ઓ જ આ દેશ ના મૂળ માલિકોછે તેથી સમાનતા, બંધુતા , પ્રામાણિકતા, રાષ્ટ્ર્રભક્તિ અને માનવીય ગુણો ને ટકાવી રાખી આ મહાન રાષ્ટ્ર્રના વિકાસમાં આ દિવ્ય અને મહાન ગુણોને ઉજાગર કરવા આહવાન કર્યું હતું. તેઓની જોરદાર અને અનુભવલક્ષી વાણીથી સૌ કોઈ મંત્ર મુગ્ધ થયા હતા.
એક ખુબ મહત્વની બાબત એ હતી કે, પોતે ભાડુ ખર્ચીને, તથા ભોજનનો ખર્ચ પણ જાતે ભોગવી સંસ્થાને એક રૂપિયો પણ ખર્ચ કરવા દીધો નથી.
ખરેખર 6 કરોડ રૂપિયાની બચત કરી જૂજ વ્યાજથી એક જ દિવસમાં નાની નાની લોન મંજુર કરી શાહુકારોના શોષણથી બચાવવાનું ભગીરથ કાર્ય આ મહિલા સંસ્થા કરી રહી છે જે સમગ્ર ગુજરાતના મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રંના આદિવાસી વિસ્તાર માટે પ્રેરણ રૂપ છે.