તાપી જિલ્લાને ગૌરવ અપાવનાર કે.કે.કદમ કન્યા વિદ્યાલયના ગૌરવશાળી આચાર્યા સંગીતાબહેન ચૌધરી

Contact News Publisher

તાપી જિલ્લાને ગૌરવ અપાવનાર કે.કે.કદમ કન્યા વિદ્યાલયના ગૌરવશાળી આચાર્યા સંગીતાબહેન ચૌધરી
……………….
શિક્ષણની સાથે સાથે અનેક પડકારોનો સામનો કરીને તાપીને નવી ઉંચાઈએ પહોંચાડનાર જાંબાઝ મહિલા
………………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૭ઃ આજે મહિલાઓના સન્માનનો દિવસ એટલે આંતરરાષ્ટ્રિય વિશ્વ મહિલા દિવસ. પ્રાચીન કાળથી ભારતમાં નારીશક્તિને શક્તિ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. સ્ત્રી-પુરૂષની સમાનતાથી દરેક સમાજ સફળતાની ટોચ પર બિરાજમાન થઈ શકે છે. જગતમાં મોટાભાગની સફળતાઓના મૂળમાં જોઈએ તો શક્તિ સ્વરૂપાનો ફાળો અમૂલ્ય છે. છત્રપતિ શિવાજી મહારાજના માતા જીજાબાઈ હોય કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ગાથાઓ અમર કહાની બની ગઈ છે. આધુનિક યુગમાં વૈજ્ઞાનિક ડો.કલ્પના ચાવલા,મેડમ ક્યુરી સહિત અનેક મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. ત્યારે આજે તાપી જિલ્લાના વિકાસમાં શ્રેષ્ઠફાળો આપનાર મહિલાને યાદ કરવા જોઈએ.
શિક્ષક એટલે માનવ સંસ્કૃતિનું મઘમઘતુ માનવપુષ્પ.પોતાની જાત પ્રત્યે,પરિવાર પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર નાગરિકોના સર્જન થકી શિક્ષક ભવ્ય સંસ્કૃતિનું નિર્માણ કરે છે. જે દેશનો શિક્ષક ઉત્કૃષ્ઠ તે દેશનું ભાવી અતિ ઉજ્જવળ.વિશ્વ મહિલા દિનની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે તાપી જિલ્લાને શૈક્ષણિક, સામાજીક ક્ષેત્રે અવ્વલ નંબરે પહોંચાડનાર શ્રીમતિ કે.કે.કદમ કન્યા વિદ્યાલયના ગૌરવશાળી મહિલા આચાર્યા સંગીતાબહેન ચૌધરીના કાર્યોની નોંધ અચૂક લેવી પડે. પછાત વિસ્તાર ધરાવતો તાપી જિલ્લો વિકાસની હરણફાળમાં આગળ વધી રહ્યો છે. ત્યારે અનેક સમસ્યાઓની રાહમાં સફળતાની કેડી કંડારવી ખૂબ જ કઠીન કહી શકાય. પરંતુ મજબૂત ઈરાદા ધરાવનાર વ્યક્તિ કોઈ પણ પડકારને આસાનીથી ઝીલી શકે છે.
તાપી જિલ્લાના વ્યારાના સંગીતાબેન એન.ચૌધરી આદિવાસી મહિલા છે. અંગ્રેજી વિષય સાથે એમ.એ. બી.એઙ ની ડીગ્રી મેળવી તેઓ શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલયમાં આચાર્યા તરીકે ફરજ બજાવે છે. છેલ્લા ૩૨ વર્ષથી શૈક્ષણિક અને સામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાઈને સંગીતાબહેન પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી તાપી જિલ્લાને ગૌરવ અપાવી રહ્યા છે.
તેમની શૈક્ષણિક- સામાજીક પ્રવૃત્તિઓ ઉપર એકનજર કરીએ તો વર્ષ ૨૦૦૩ થી અંગ્રેજી વિષયના કી રીસોર્સ પર્સન, ૨૦૦૭માં શ્રીમદ રાજચંદ્ર તથા નોલેજ ફાઉન્ડેશન માં ભાગ લઈ ૫૨૬ વિદ્યાર્થીઓને અંગ્રેજી લખવા-બોલવાની તાલીમ આપી બેસ્ટ સ્કુલ એવોર્ડ અને બેસ્ટ પબ્લિક સ્પીકર એવોર્ડ,તાપી જિલ્લામાં ૭૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો ,આચાર્યો તથા રોજગાર કચેરીના તાલીમાર્થીઓને સરકારશ્રીના સ્કોપ કાર્યક્રમ હેઠળ Master Trainer તરીકે ભૂમિકા અદા કરી. Bisag Studio Gandhinagar ના માધ્યમથી ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીના પાઠ આપ્યા જેનો સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓએ લાભ લીધો. B.Ed ના તાલીમાર્થીઓ માટે કાઉન્સિલર તરીકે વર્ષોથી સેવા આપી અંગ્રેજી વિષયમાં માર્ગદર્શન આપી રહ્યા છે. ટ્રાઈબલ ડેવલોપમેન્ટ,ગુજરાતમાં English Language Mela કાર્યક્રમમાં જજની ફરજ બજાવી, Design for change કાર્યક્રમ અંતર્ગત Say No To Sickle Cell Anemia હેઠળ ટ્રાઈબલ એરિયામાં સિકલસેલ એનિમિયા જાગૃતિ કેળવી, ૨૦૧૫માં શ્રેષ્ઠ રાજ્ય શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સોનગઢ તાલુકાની ખડકા ચીખલી પ્રાથમિક શાળા,કે.કે.કદમ કન્યા વિદ્યાલયે ભેગા મળી તાજેતરમાં જી.સી.ઈ.આર.ટી.પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ઈડર આયોજીત “રાજ્ય કક્ષાનો ઈનોવેશનલ ફેસ્ટિવલ-૨૦૨૩” માં ભાગ લઈ પ્રતિનિધિત્વ કરી આદિવાસી વિસ્તારમાં સિકલસેલ એનિમિયા જાગૃતિ, સારવાર, તકેદારી વિષયે પ્રોજેક્ટ રજુ કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સંગીતાબહેન દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના બાજીપુરા સુમુલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં Interpriter (English) તરીકે ફરજ બજાવી તેમજ માજી મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અંગ્રેજી અનુવાદક તરીકે બખુબી ફરજ નિભાવી પ્રશસ્તિપત્રના હકદાર બન્યા હતા. Cultural Diversity પ્રોગ્રામ ગૌહાટી-આસામ ખાતે ભાગ લઈ તાપીનું ગૌરવ વધાર્યું હતું.Balsrishna Pratishthan Maharashtra દ્વારા International Distinguished Teacher Award-2023 પ્રાપ્ત કરી તાપીની શાન વધારી છે. મોકળા મન કાર્યક્રમ હેઠળ સમગ્ર તાપી જિલ્લામાંથી એકમાત્ર સંગીતાબહેને મુખ્યમંત્રીશ્રી સાથે વાર્તાલાપ કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ખાસ લેખઃ-નિનેશકુમાર ભાભોર,સહાયક માહિતી નિયામક,વ્યારા-તાપી
00000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other