તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે જન ઔષધી દિવસની ભવ્ય ઉજવણી
ગરીબ-મધ્યમવર્ગ માટે આશિર્વાદરૂપ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રઃ -જિલ્લાપંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા
…………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૭ઃ તાપી જિલ્લાના છેવાડાના તાલુકા મથક કુકરમુંડા ખાતે જન ઔષધી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કલેકટર સુશ્રી ભાર્ગવી દવે,પ્રાંત અધિકારી જયકુમાર રાવલ,મામલતદારશ્રીઓ કુકરમુંડા એમ.બી.ભાવસાર,વ્યારા મામલતદાર હિમાંશુ સોલંકી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો હતો.
નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે જન ઔષધી સસ્તી ભી અચ્છી ભી થીમ આધારિત જેનરિક દવાઓને પ્રોત્સાહન આપતા પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને મધ્યમવર્ગ માટે આશિર્વાદરૂપ જન ઔષધી પરિયોજના શરૂ કરી છે. અને જન ઔષધી કેન્દ્રો શરૂ કર્યા છે.બજારમાં દવાઓ ખૂબ મોંઘી મળે છે ત્યારે વડાપ્રધાનશ્રીની વેદના સમજી શકાય છે. ગંભીર બિમારીઓ સામે આયુષમાન યોજનાથી વગર પૈસે વિકાસ થાય છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરોગ્યની યોજના માટે રૂપિયા પાંચ લાખથી વધારી રૂપિયા ૧૦ લાખ વધારો કરી ગંભીર બિમારી સામે રક્ષણ આપ્યું છે.
કલેકટરસુશ્રી ભાર્ગવી દવેએ તમામ લોકોને હોળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણે અનિષ્ઠ તત્વોનું દહન કર્યું છે ત્યારે આપણાં આરોગ્યની સુખાકારી માટે સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવો જોઈએ.જેનરિક દવાઓ ૫૦ થી ૯૦ ટકા સસ્તી હોય છે.કોઈ આડઅસર થતી નથી. આ જન ઔષધી સ્ટોરમાં અંદાજીત બે હજાર જેટલી દવાઓ ઉપલબ્ધ છે.સાથે આ કેન્દ્રો ઉપર સર્જીકલના સાધનો પણ મળવાના છે.આરોગ્ય ક્ષેત્રે મોટુ નામ કરવા બદલ કલેકટરશ્રી દવેએ આરોગ્ય પરિવારની કામગીરી બિરદાવી હતી.
ડો.પાઉલ વસાવાએ સૌને આવકારી દવાઓની જાણકારી આપી દવાઓનો ઉપયોગ કરી સમાજને ઉપયોગી બનવા આહવાન કર્યું હતું. જિલ્લા પંચાયત દંડકશ્રી રાહુલભાઈ ચૌધરીએ જેનરિક દવાઓનો ઉપયોગ કરી ગરીબીમાંથી બહાર આવવા અપીલ કરી હતી. આ વેળાએ જન ઔષધી મિત્ર પ્રહલાદ પટેલ,કુકરમુંડા ફાર્માસિસ્ટ જન ઔષધી કેન્દ્રના સર્વશ્રેષ્ઠ નંદલાલ પટેલ, ડોલવણ ફાર્માસિસ્ટ જન ઔષધી સર્વશ્રેષ્ઠ કૃપાલીબેન રમેશભાઈ ચૌધરી તથા જીવન જ્યોતી એવોર્ડ ખુશ્બુબેન પટેલનું સન્માન કરાયું હતું.સૌએ પ્રધાનમંત્રીશ્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય વર્ષાબેન,APMC ના ઘનશ્યામભાઈ, અગ્રણી અજીતભાઈ, લાભાર્થીઓ સદુભાઈ મરાઠે, મોહનભાઈ ચૌધરી સહિત આરોગ્ય પરિવાર અને કુકરમુંડા ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.
000000000000