સી.આર.સી. કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં હોળી-ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારતભરમાં ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે ઉજવાતાં હોળીનાં પરંપરાગત તહેવારની ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ કરંજ, પારડીઝાંખરી, મંદરોઈ, નઘોઈ, જીણોદ, કમરોલી, મીંઢી, મોરમુખ્ય, મોરબ્રાન્ચ, ભગવા અને મીરજાપોરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણીનાં ભાગરૂપે દરેક પ્રાથમિક શાળાઓમાં મુખ્યશિક્ષકો દ્વારા બાળકોને હોળી પર્વનું મહાત્મય સમજાવવામાં આવ્યું હતું. આ સાથે બાળકોને પર્યાવરણ જતન સંદર્ભ પણ જાગૃત કરવામાં આવ્યા હતાં. તેમને ઇકો ફ્રેન્ડલી હોળી-ધૂળેટી ઉજવવા હાકલ કરવામાં આવી હતી.
આ તકે બાળકો તથા શિક્ષક ભાઈ-બહેનોએ એકબીજા ઉપર પ્રાકૃતિક રંગોની છોળો ઉડાડી રંગોત્સવનો ભરપૂર આનંદ લૂંટ્યો હતો. બાળકોએ આ પ્રસંગે ધાણી, ચણા, મમરા, ખજૂર, કોપરાની લિજ્જત માણી હતી. કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે સૌને આ પાવન પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.