સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પલસાણા તાલુકો ચેમ્પિયન
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત જિલ્લામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બારડોલી તાલુકાનાં અલ્લુ બોરીયા સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. સદર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓલપાડ, બારડોલી, માંગરોલ, માંડવી, કામરેજ, પલસાણા, મહુવા અને ચોર્યાસી એમ આઠ તાલુકાની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટનાં ઉદઘાટક એવાં સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિનાં અધ્યક્ષ રોહિત પટેલે પ્રસંગે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે શાળામાં શિક્ષણની સાથે પોતાનાં બાળકોને રમત ક્ષેત્રે નવી દિશા ચીંધવાનાં શુભ આશય સાથેનું શિક્ષક સંગઠનનું આ આગવું આયોજન ખૂબજ સરાહનીય કાર્ય છે. આ તકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે પોતાનાં વકતવ્યમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રમતનો શિક્ષણ સાથે અનુબંધ સાધવા હાકલ કરી હતી.
ટુર્નામેન્ટની તમામ લીગ મેચ બાદ પ્રથમ સેમી ફાઇનલ કામરેજ અને માંગરોલ તાલુકા વચ્ચે રમાઈ હતી. જેમાં કામરેજ તાલુકાનો વિજય થયો હતો. જયારે બીજી સેમી ફાઈનલ પલસાણા અને બારડોલી તાલુકા વચ્ચે રમાઈ હતી. જેમાં પલસાણા તાલુકાનો વિજય થયો હતો. ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં પલસાણા અને કામરેજ તાલુકાની ટીમો ટકરાઈ હતી. પલસાણા તાલુકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૮ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૭૭ રન કર્યા હતાં. કામરેજ તાલુકાની ટીમ આ લક્ષ્યાંકનો પીછો કરતાં નિર્ધારિત ૮ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ફક્ત ૫૬ રન બનાવી શકી હતી. આમ આ મેચ પલસાણા તાલુકાની ટીમ ૨૧ રને જીતી ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટનાં અંતે કડોદરા પ્રાથમિક શાળાનાં શિક્ષક દિવ્યેશ પટેલ ‘મેન ઓફ ધ મેચ’ તરીકે અને મોરથાણા પ્રાથમિક શાળાનાં શિક્ષક વિજય પટેલ ‘બેસ્ટ બોલર’ તરીકે જાહેર થયા હતાં. જ્યારે એસ.આર.પી.વાવ પ્રાથમિક શાળાનાં શિક્ષક ગોવિંદ પટેલ ‘બેસ્ટ બેટસમેન’ તેમજ ‘મેન ઓફ ધી સિરિઝ’ ઘોષિત થયા હતાં.
અંતમાં મહાનુભાવોનાં હસ્તે વિજેતાઓને ચેમ્પિયન ટ્રોફીઓ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બારડોલીનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહર દેશાઇ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદ ચૌધરી સહિત જિલ્લા અને તાલુકા ઘટક સંઘનાં હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકગણે આ ટુર્નામેન્ટ મન ભરીને માણી હતી. ટુર્નામેન્ટને સફળ બનાવવા બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળવંત પટેલ તથા હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ શૈલેષ પટેલે કરી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.