પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ ૨૦૨૩-૨૪ના વાર્ષિક આયોજન અંગે બેઠક યોજાઇ
પ્રગતિ હેઠળના કામો કઇ સ્થિતીએ પેન્ડીંગ છે તે જાણવા સ્વયં મુલાકાત લઇ રીપોર્ટ કરવા સુચન આપતા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
……………..
કોઇ પણ કામનો હેતું ફેર ન થાય જેથી કોઇ ગેરરીતી કે કામ બેવડાવા જેવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય: વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
……………..
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.20- તાપી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા આયોજન મંડળ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વાર્ષિક આયોજન માટેની બેઠક રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશ ભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્યશ્રી મોહન કોંકણી, ધારાસભ્યશ્રીઓ મોહનભાઈ ઢોડિયા સહિત વિવિધ તાલુકા પ્રમુખશ્રીઓની ઉપિસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં વ્યારા, સોનગઢ, વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નિઝર તથા કુકરમુંડા તાલુકા પંચાયત દ્વારા તાલુકા આયોજન સમિતિના ઠરાવ સહિત વ્યારા અને સોનગઢ નગરપાલિકા દ્વારા કારોબારી સમિતિના ઠરાવ અંતર્ગત વર્ષ: ૨૦૨૩-૨૪ માટેનું આયોજન મળી કુલ રૂ.૯૦૦ લાખની જોગવાઈઓના કુલ-૪૦૦ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા તેઓને પ્રગતિ હેઠળના કામો કઇ સ્થિતીએ પેન્ડીંગ છે તે જાણવા સ્વયં મુલાકાત લઇ રીપોર્ટ આપવા જણાવ્યું હતું. તેમણે તમામ કામો સમયમર્યાદામાં પુર્ણ થાય તેની તકેદારી રાખવા અને પ્રગતિ હેઠળના કામોની સમ્યાંતરે ચકાસણી કરવા તાકીદ કરી હતી. તેમણે તાલુકાના ભૌગોલીક, આર્થીક પરિસ્થિતીના અનુસાર વિવિધ કામો મંજુર કરવા સુચનો આપ્યા હતા. જેથી નાગરિકોની જરૂરિયાત સંતોષાય એમ ખાસ ભાર મુક્યો હતો. અંતે તેમણે ઉપસ્થિત તમામને ખાસ સુચન આપ્યુ હતું કે, કોઇ પણ કામનો હેતું ફેર ન થાય જેથી કોઇ ગેરરીતી કે કામ બેવડાવા જેવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય.
બેઠકના ઉપાધ્યક્ષ અને કલેકટરસુશ્રી ભાર્ગવી દવેએ જણાવ્યું હતું કે, સરકારશ્રીના નાણાંનો વ્યય ન થાય તે માટે આયોજન પહેલા તાલુકા કક્ષાએ જરૂરી તપાસ બાદ જ આયોજન મંજુર કરાવવા સલાહ આપી હતી. તેમણે જિલ્લામાં કોઇ પણ કામનું રીપીટેશન ન થાય તે માટે જરૂરી પ્રમાણપત્રો આપવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને સુચનો કર્યા હતા.
જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.લેઉવાએ પ્રેઝનટેશનના માધ્યમથી સમગ્ર બેઠકનુ સંચાલન અને માહિતી રજુ કરી હતી.
આ બેઠકમાં ઇંચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જે.વલવી, પ્રાયોજના વહિવટદારશ્રી અંકિતા પરમાર, ડી.સી.-1 તૃપ્તિ પટેલ,ગાંધીનગરથી ખાસ નિયુક્ત કરવામાં આવેલ નિરીક્ષક અધિકારીશ્રી નવસારી જિલ્લા આયોજન અધિકારીશ્રી ડી.એન. પટેલ, પ્રાંત અધિકારી વ્યારા,નિઝર,તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લા/તાલુકાના પદાધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦