બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે UDISE અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓનાં આચાર્યોની બેઠક યોજવામાં આવી
તાલુકાની તમામ સરકારી, પ્રાઇવેટ તથા ગ્રાન્ટેડ શાળાઓનાં આચાર્યોની બેઠકમાં બેઝિક ઇન્ફોર્મેશન, નિપુણ ભારત સહિતનાં મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : શૈક્ષણિક સંસ્થાઓની યુનિફાઇડ ડિસ્ટ્રિકટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની તમામ સરકારી, પ્રાઇવેટ તથા ગ્રાન્ટેડ શાળાઓનાં આચાર્યોની એક બેઠકનું આયોજન અત્રેનાં બી.આર.સી. ભવન ખાતે કરવામાં આવ્યું હતું.
યુનિફાઈડ ડિસ્ટ્રિકટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ હેઠળની આ બેઠકમાં બ્લોક એમ.આઇ.એસ. કો-ઓર્ડિનેટર સંજય રાવળે નિયત ફોર્મ કેવી રીતે ભરવું એ અંગે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તદ્ઉપરાંત રાઇટ ટુ એજયુકેશન એક્ટ વેરિફિકેશન તથા શાળાનાં બાળકો અને શિક્ષકોની હાજરીની નિયમિતતા બાબતે સૌને માર્ગદર્શિત કર્યા હતાં. સદર ફોર્મ સંદર્ભેની શાળાની બેઝિક ઇન્ફોર્મેશન અને શિક્ષકોની સંપૂર્ણ માહિતીને પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે યુ-ડાયસ પ્લસ શાળાનું દર્પણ છે. શાળાની સંપૂર્ણ માહિતી એમાં તાદૃશ્ય થાય છે. તેમણે રાઇટ ટુ એજ્યુકેશન, સ્કૂલ સેફ્ટી, નિપુણ ભારત અંતર્ગત બાળકોનું વાંચન-ગણન-લેખન તેમજ સ્કૂલ ઓફ એક્સેલેન્સ સહિતનાં મહત્વનાં ક્ષેત્રોની, મુદ્દાઓની સવિસ્તર છણાવટ કરી હતી.
આ સાથે સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેનાં અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનાં અંતિમ ચરણમાં શાળાનાં શૈક્ષણિક તથા વહીવટી પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.