ટીચકપુરા ગામના વિધવાબહેનના પરિવારની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી
દિવ્યાંગ દિકરીની મદદે નર્મદાથી નેચરોપેથી ડોકટર આવ્યા અને પ્રાકૃતિક પધ્ધતિથી વિનામૂલ્યે સારવાર કરવા માટે ખાતરી આપી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૧- તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા ગામના વિધવા ઈલાબહેન ખોયાભાઈ ગામીતના પરિવારની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી ડી કાપડિયાએ લીધી હતી. ખૂબ જ ગરીબીમાં જીવન ગુજારતા ઈલાબહેનની નિલમ નામની ૩૨ વર્ષની એક દિકરી દિવ્યાંગ અને પથારીવશ છે. નાનપણથી જ જન્મજાત ખોડખાપણ ધરાવતી દિકરી નિલમની વિગતો આપતા ઈલાબહેને જણાવ્યું હતું કે જન્મ સમયે દિકરીનું માથુ મોટુ હતું અને પાણી કઢાવવુ પડ્યું હતું. ત્યારથી જ તેણી પથારીવશ છે. છતા આશ્ચર્યજનક સારી રીતે વાતચીત કરી શકે છે. અનેક ઉપચાર કરાવવા છતા તેની હાલતમાં સુધારો થઈ શક્યો નથી.
નર્મદા જિલ્લાના પોઈચા સેન્ટર ખાતે પ્રાકૃતિક સારવારના નિષ્ણાંત વૈદ્ય ડો.ગણપતસિંહ સોલંકીએ આ દિકરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને નાડી તપાસી વિનામૂલ્યે હઠીલાદર્દની નેચરોપેથી સારવાર કરવા માટે ખાતરી આપી હતી. આ ચિકિત્સા પધ્ધતિ ચોક્કસ પરિણામ આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાપડિયાએ ઈલાબહેનને શક્ય એટલી યોજનાકિય મદદ કરવા કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. આ બહેનને મદદ કરનાર સેવાભાવી નિતિનભાઈ જાનીના કાર્યને બિરદાવ્યું હતું. આ મુલાકાત વેળાએ સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર,તલાટી કમ મંત્રી સ્મિતાબહેન, સરપંચ પારૂલબહેન ગામીત, ગામના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦