વઘઇ ખાતે પુરી આન, બાન અને શાન સાથે યોજાયો ડાંગ જિલ્લાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ

Contact News Publisher

ડાંગ કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે કરાયુ ધ્વજવંદન

પ્રજાસત્તાક પર્વની શુભકામના સાથે રાજ્ય અને દેશના વિકાસમાં ભાગિદારી નોંધાવવા માટે સૌને કરાયુ આહ્વાન :
—-
જિલ્લાને ગૌરવ અપાવનારા વ્યક્તિ વિશેષોના સન્માન સહિત સેવાભાવીઓનું પણ કરાયુ અભિવાદન :

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, શિસ્તબદ્ધ પરેડ, અને માહિતીપ્રદ ટેબ્લોઝની કરાઇ રજુઆત :

(અર્જુન જાધવ દ્વારા, વધઈ): તાઃ ૨૬ઃ રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને વઘઇ આહવાના ફલક માં લહેરાવી, બા અદબ સલામી આપ્યા બાદ ડાંગ કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ તેમના પ્રજાજોગ સંબોધનમાં, ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકાર વતી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી, ઉજ્જવળ ભવિષ્યના આશીષ પાઠવ્યા હતા.

ડાંગ જિલ્લાની તથા રાજ્ય સરકારની વિકાસગાથા વર્ણવતા કલેક્ટરશ્રીએ મૃદુ અને મક્કમ રાજ્ય સરકાર દ્વારા પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના કરાયેલા સૂપેરે અમલ થકી, જિલ્લાએ હાંસલ કરેલી લક્ષ સિદ્ધિઓ વર્ણવી હતી. ડાંગ જિલ્લાના પ્રજાજનો હંમેશા સુખી અને સમૃદ્ધ રહે તેવા આશીષ સાથે શ્રી જાડેજાએ, વિકાસની અવિરત દોડમાં સૌને સહભાગી થવાની પણ હાંકલ કરી હતી. આગામી દિવસોમાં ડાંગ જિલ્લામાં હાથ ધરાનારા કાર્યક્રમો, વિકાસકામોની પણ તેમણે વિગતો રજુ કરી હતી.

શિસ્તબદ્ધ પરેડ
વઘઇ સ્થિત ખેતીવાડી માધ્યમિક શાળા ખાતે આયોજિત ૭૪માં ગણતંત્ર દિવસ ઉજવણીના કાર્યક્રમમાં શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ પ્રસ્તુત કરવામાં આવી હતી. પરેડ કમાન્ડર શ્રીમતી એલ. એમ.ચૌધરીની આગેવાની હેઠળ વઘઇ ખાતે પોલીસ (હથિયારી/બિન હથિયારી)ની પ્લાટુન સહિત વનપાલ સહાયક (મહિલા/પુરૂષ), પોલીસ બેન્ડના જવાનો, હોમગાર્ડ્‍ઝ યુનિટ અને ગ્રામ રક્ષક દળ, તથા એસ.પી.સી. કેડેટ્સ દ્વારા પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે આકર્ષક પરેડ રજુ કરવામાં આવી હતી. જેમાં ચુનંદા યુવક/યુવતિઓ, જવાનોએ જોમ અને જુસ્સા સાથે ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ ક્રમે આવેલી પ્લાટુનને મહાનુભાવોના હસ્તે પારિતોષિકો પણ એનાયત કરાયા હતા. કલેક્ટરશ્રીએ ખુલ્લી જીપમાં ફરીને પરેડનું નિરીક્ષણ કરી, સૌનું અભિવાદન પણ ઝીલ્યુ હતું.

માહિતીપ્રદ ટેબ્લોઝ
પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે અહીં જિલ્લાની જુદી જુદી કચેરીઓ દ્વારા માહિતીપ્રદ ટેબ્લોઝ પણ રજુ કરાયા હતા. જેમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંકલિત ડેરી વિકાસ યોજના તથા પશુપાલનની વિવિધ યોજનાઓની રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મહિલા સશક્તિકરણ. અને મનરેગા., આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ વેક્સીનેસન, આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી, જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા જલ જીવન મિશન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓર્ગેનિક અને નેચર ફાર્મિંગ, પશુપાલન દ્વારા વૈજ્ઞાનિક ઢબે કરાતા પશુપાલન, વન વિભાગ દ્વારા વન અને વન્ય પ્રાણીઓ સાથે સ્થાનિક લોકોનો વિકાસ, ડાંગ પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા ટ્રાફિક અવેરનેસ, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ સ્કૂલ ઓફ એક્સલન્સ અને સર્વ શિક્ષા અભિયાન, આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા બાળ વિકાસની સેવાઓ, લીડ બેન્ક દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંગે જાગૃતિ, તથા વઘઇની મોક્ષ રથ સેવા દ્વારા ઉપલબ્ધ સાધન સેવાઓની ઝાંખી રજુ કરવામાં આવી હતી. પ્રથમ ત્રણ ક્રમે રહેલા માહિતીપ્રદ ટેબ્લોઝને પણ પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા.

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો
ફૂલગુલાબી ઠંડીમા વઘઇના ખેતીવાડી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે પ્રાથમિક શાળા-ઝાવડા, આદર્શ નિવાસી શાળા-વઘઇ, માધ્યમિક શાળા-રંભાસ, તાલુકા શાળા-વઘઇ, અને ખેતીવાડી માધ્યમિક શાળા-વઘઇ જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના બાળકોએ દેશભક્તિ ગીતો રજુ કર્યા હતા. જોશભેર રજુ થયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળ કલાકારોએ તેમનામાં રહેલી કળાના દર્શન કરાવ્યા હતા. મહાનુભાવોએ તેમની આ કળાકૃતિઓને બિરદાવતા રોકડ પારિતોષિકોથી નવાજ્યા હતા. પ્રથમ ત્રણ ક્રમે આવનારી શાળાઓને ઇનામોનું પણ વિતરણ કરાયુ હતું.

ચેક, ટ્રોફિ, પારિતોષિકો અને સન્માનપત્રોનું વિતરણ
ધ્વજવંદનના મુખ્ય કાર્યક્રમ બાદ કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને વઘઇ તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો.

આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે ૧૦૮ની ઇમરજન્સી સેવાના કર્મયોગીઓને સન્માનવા સાથે, ગત દિવસો દરમિયાન આયોજિત કરાયેલી વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓના વિજેતાઓ, આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓ, શ્રેષ્ઠ રમતવીરો, અને અકસ્માત સમયે પ્રશસ્ય બચાવ રાહત કામગીરી કરનારા સેવાભાવીઓનું પણ વિશેષ અભિવાદન કરાયુ હતું.

રંગારંગ પ્રભાતફેરી
વઘઇ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના મુખ્ય કાર્યક્રમ પૂર્વે, વઘઇના ગાંધી ઉઘાન (સર્કલ) ખાતેથી બસ સ્ટેન્ડ સુધી આયોજિત રંગારંગ પ્રભાતફેરીમાં અંદાજીત એકાદ હજારથી વધુ લોકો જોડાયા હતા.

મહાનુભાવોની ઉપસ્થિતિ
વઘઇ ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વ ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, તાલુકા પંચાયતોના પ્રમુખશ્રીઓ, રાજવીશ્રીઓ, સમાજિક અગ્રણીઓ, ગોલ્ડન ગર્લ કુ.સરિતા ગાયકવાડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલ,, નાયબ વન સંરક્ષકો શ્રી દિનેશ રબારી, નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિત, પ્રાયોજના વહીવટીદાર શ્રી જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબીયાડ સહિતના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણીઓ, પ્રજાજનો, વિઘાર્થીઓ, શિક્ષકો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

કાર્યક્રમના ઉદ્‍ધોષક તરીકે સર્વશ્રી વિજયભાઈ ખાંભુ અને છનાભાઇ ગાયકવાડએ સેવા આપી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *