વ્યારા ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા ‘વાર્તાલાપ’- રૂરલ મીડિયા વર્કશૉપ યોજાયો

Contact News Publisher

વિષય નિષ્ણાત વક્તાઓએ માધ્યમ કર્મીઓ સાથે ‘વાર્તાલાપ’ યોજીને માર્ગદર્શન આપ્યું
કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓએ પણ અનુભવો શેર કર્યા
પત્રકારો ફેક્ટ ફાઈન્ડિંગ માટે છે, ફૉલ્ટ ફાઇન્ડિંગ માટે નહીં: તાપી જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે
ત્રીજી આંખ તરીકે મીડિયાની નજર વ્યવસ્થાતંત્ર પર હોય છે: જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ કાપડીયા
ચોતરફ અંધકારના વાદળો વચ્ચે પત્રકારે પારસમણિ થવાનું છે: શ્રી મનોજભાઇ મિસ્ત્રી
કોવિડ સમયે મીડિયા અને સરકારી તંત્રએ સામૂહિક જવાબદારી સુપેરે અદા કરી અપ્રચાર ખાળ્યો: શ્રી ફયસલ બકિલી
(માહિતી બ્યુરો વ્યારા) તા. 25 જાન્યુઆરી 2023
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પીઆઇબી-પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે રૂરલ મીડિયા વર્કશૉપ-વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિષય નિષ્ણાત અનુભવી વક્તાઓએ મીડિયા કર્મીઓ સાથે ‘વાર્તાલાપ’ યોજીને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત તાપી જિલ્લાનાં કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ કહ્યું હતું કે પત્રકારોએ જાણ્યે-અજાણ્યે આપણાં જેવાં ઘણાંનું ઘડતર કર્યું છે. પત્રકારો અને મીડિયા એ ફેક્ટ ફાઈન્ડિંગ માટે છે, ફોલ્ટ ફાઈન્ડિંગ માટે નહીં. તેઓ આંગળી ચીંધે છે એટલે તંત્રએ એમને રચનાત્મક અભિગમથી જોવા રહ્યા. તેમણે આશા વ્યક્ત કરી કે આવી રહેલી વસંત ઋતુની જેમ આપણે સૌ જૂના વિચારો ત્યજીને વિકસિત જિલ્લો બનાવવાની યાત્રામાં સૌ સહભાગી થઈએ.
આ પ્રસંગે સંબોધન કરતા તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશભાઇ કાપડીયાએ કહ્યું કે ત્રીજી આંખ તરીકે મીડિયાની ભૂમિકા રહી છે અને તેની નજર વ્યવસ્થાતંત્ર પર રહેતી હોય છે. તે સમાજના સૌ હિતધારકોનું ધ્યાન રાખે છે. તેમણે તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત, સેવા સેતુ જેવી સરકારની વિવિધ પહેલની માહિતી આપી હતી અને કહ્યું કે આવી જ એક પહેલ પ્રશાસન ગાંવ કી ઓર દ્વારા વિકાસ યોજનાઓ અને એ સંબંધી જાગૃતિ લાવવામાં, આયોજન કરવાનું સરળ થયું છે. મિની વિધાનસભાની જેમ ગ્રામસભાઓનું આયોજન થાય છે. તેમણે જી20નાં ભારતનાં પ્રમુખપદનો પણ ગર્વભેર ઉલ્લેખ કરીને કાર્યક્રમોની માહિતી આપી હતી.
સુરતના વરિષ્ઠ પત્રકાર શ્રી ફયસલ બકિલીએ સમાજમાં જાગૃતિ સર્જવામાં પત્રકારની ભૂમિકા પર બોલતા નારદથી લઈને કવિ નર્મદ સુધીના પત્રકારત્વના ભવ્ય વારસાને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે સ્વતંત્રતા ચળવળમાં પત્રકારત્વ મિશન હતું, પછી આપણે રાષ્ટ્ર-સમાજ ઘડતર તરફ વળ્યા. પત્રકારે સેતુનું કામ કરવાનું છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે કોવિડ કટોકટી દરમ્યાન મીડિયા અને સરકારી તંત્રએ સામૂહિક જવાબદારી સુપેરે અદા કરીને સોશિયલ મીડિયા પરના અપ્રચાર-ભ્રામકતાને સમયસર ખાળ્યો હતો.
‘ગુજરાત ગાર્ડિયન’ના તંત્રી અને પીઢ પત્રકાર શ્રી મનોજભાઇ મિસ્ત્રીએ ગ્રામીણ વિકાસ અને પત્રકારત્વ પર પોતાના પ્રેરક વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે એક સમયે ચોથો સ્તંભ ગણાતા પત્રકારત્વનું આજે મુલ્ય ઘટી રહ્યું છે અને એ માટે મીડિયા સહિત સૌ જવાબદાર છે. તેમણે જણાવ્યુંકે પત્રકારની પાયાની જરૂરિયાતોની ઉપેક્ષા થઈ રહી છે. જૂના અને હાલના પત્રકારત્વને યાદ કરી તેમણે કહ્યું કે ચારે તરફ અંધકારના વાદળો વચ્ચે પત્રકારે પારસમણિ બનવાનું છે. તમામ પડકારોની વચ્ચે આપણે અડીખમ યોદ્ધા તરીકે જીવવું પડશે. તેમણે કહ્યું કે મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહીએ તો પત્રકારનું ભાવિ ઉજ્જવળ છે.
આ પ્રસંગે ઉપસ્થિત લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પોતાને મળેલા લાભોના અનુભવો વર્ણવ્યા હતા. ઊપસ્થિત પત્રકારોએ સાથે પોતાને પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
પીઆઇબી, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી યોગેશભાઇ પંડ્યાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે તાપી જિલ્લા સહાયક માહિતી નિયામક શ્રી નિનેશ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી યોજનાઓના લાભાર્થીઓએ સ્વાનુભવો વર્ણવ્યા
પી. આઈ.બી. અમદાવાદના નાયબ નિયામક શ્રી યોગેશ પંડ્યાએ કહ્યું કે આજના વાર્તાલાપ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓએ પણ તેમના સ્વાનુભવો વર્ણવ્યા હતા.
પટેલ મોહિનીબેન, પ્રતીક્ષાબેન ચૌધરી, પ્રિયંકાબેન જાદવ જેવા લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની યોજનાઓનો સમયસર લાભ મળવાથી તેમનાં જીવનમાં આવેલા પરિવર્તનની વાત કરી હતી. મહિલા લાભાર્થીઓએ પીએમ માતૃ વંદના યોજનાથી પોષણ મળ્યું અને સ્વસ્થ પસૂતિ થઈ એની વાત કરી હતી.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other