અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોનમાં રન એન્ડ રાઇડર 13 નાં દોડવીર અશ્વિન ટંડેલની સિદ્ધિ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : અંકલેશ્વર ખાતે ડી.એ.આનંદપરાની યાદમાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં 3500 જેટલાં દોડવીરોએ 21, 10, 5 અને 3 કિમી દોડમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અંકલેશ્વર-હાંસોટનાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને આંતરરાષ્ટ્રીય ટ્રાયથ્લેટ અને મૂળ અંકલેશ્વર નિવાસી પ્રજ્ઞા મોહન (એશિયન ગેમ્સ એન્ડ કોમનવેલ્થ ગેમ્સ પ્લેયર) સહિત મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી ક્રમશઃ દરેક અંતરની દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સવારની ઠંડકસભર વાતાવરણમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકો, એન.સી.સી. કેડેટસ્, કોલેજીયન યુવક-યુવતીઓ, વડીલો ઉપરાંત મહિલાઓએ આ દોડમાં ખૂબજ ઉત્સાહભેર જોડાયા હતાં.
દર વખતની જેમ આ વખતે પણ સુરત રન એન્ડ રાઇડર 13 તેમજ વલસાડનાં દોડવીર અશ્વિન ટંડેલ અને તેજસ પટેલને શિરે આયોજક હાર્દિક પુરોહિત દ્વારા 10 કિમી દોડમાં શાળાનાં બાળકોની સહભાગિતાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જવાબદારીને તેમણે બખૂબી નિભાવી હોય એમ દોડમાં જોડાયેલ શાળાની બાળાઓએ આ અંતર અવિરત પગલે પૂર્ણ કર્યું હતું. દરેકને પ્રોત્સાહક મેડલ પ્રાપ્ત થયાં. સૌએ કેન્યાથી આવેલ દોડવીર જોના સાથે મુલાકાત કરી એમનાં અનુભવો જાણ્યા હતા.
આજની યુવાપેઢીને હોસ્પિટલ કે દવાખાને જવું પડે ન પડે તે માટે નિયમિત વ્યાયામ, દોડ કે સાયકલિંગનું સમયપત્રક બનાવી આરોગ્યપ્રદ ટેવો પાળવી જરૂરી છે ત્યારે શાળા કક્ષાએથી જ બાળકોને સ્વાસ્થ્યનાં પાઠ ભણાવવાની દિશામાં કામ કરતી આ શિક્ષક બેલડીએ પણ વિદ્યાર્થીનીઓ સાથે 10 કિમી દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી મેડલ પ્રાપ્ત કર્યા હતાં. તેમની આ બાળકેન્દ્રી પ્રવૃત્તિને બિરદાવી ટીમ સ્ટીરિયો એડવેન્ચર, ભરૂચ રનર, અંકલેશ્વર રનર, સુરત રનર તેમજ વલસાડ રનર ટીમોએ અભિનંદન પાઠવ્યા હતાં.