જુનિયર ક્લાર્ક(વહિવટ/હિસાબ) પરીક્ષા અંગે તાપી જિલ્લાના પરીક્ષાર્થી જોગ માર્ગદર્શક સુચનાઓ
મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન, સ્માર્ટ વોચ, બ્લ્યુટુથ, કેલ્ક્યુલેટર,સ્માર્ટ કી કે કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લાવવા ઉપર કડક પ્રતિબંધ
……………….
માહિતી બ્યુરો વ્યારા તાપી તા. 23: આગામી તા.29-01-2023 રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્ક(વહિવટ/હિસાબ) જાહેરાત ક્રમાંક-12/201222 પરીક્ષા અંગે પરિક્ષાર્થીઓને માટે મહત્વની સુચનાઓ આપવામાં આવેલ છે. જેના અનુસાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્ક(વહિવટ/હિસાબ) પરીક્ષા આગામી તા.29-01-2023 રવિવારના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન યોજાનાર છે. તાપી જિલ્લામાં 36 કેન્દ્રો અને 11,649 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. આપ સૌ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર એક કલાક પહેલા વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે.
દરેક મહિલા પરીક્ષાર્થીને મહિલા પોલીસ કર્મી દ્વારા અને દરેક પુરુષ પરીક્ષાર્થીને પુરુષ પોલીસ કર્મી દ્વારા ચેકિંગ કરવામાં આવશે. જેમાં તમામે સહકાર આપવા વિનંતી છે.
દરેક પરીક્ષાર્થી પરીક્ષા સેન્ટર ઉપર સવારે 9:30 કલાક સુધીમાં હાજર થવાનું રહેશે. તથા તેમની સાથે પાણીની બોટલ, બેગ, પુસ્તકો કે અન્ય સાહિત્યને કેન્દ્રની બહાર નિયત થયેલ બોક્સમાં પોતાના નામ-સરનામાં લખીને બહાર જ મૂકવાના રહેશે. અત્રે નોંધનિય છે કે, આપ સાથે સાહિત્ય ન લાવો તે વધારે ઇચ્છનીય છે.
કોઈપણ ઉમેદવારે મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન, સ્માર્ટ વોચ, બ્લ્યુટુથ, કેલ્ક્યુલેટર,સ્માર્ટ કી કે કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લાવવા ઉપર કડક પ્રતિબંધ છે.
સમગ્ર પરીક્ષા દરમિયાન આપ સૌ સીસીટીવીની નજરમાં છો. એ ધ્યાને લઈ તમામ નિયમોનું ચુસ્ત પ્રમાણે પાલન કરવા વિનંતી છે.
પરીક્ષા કેન્દ્રમાં એક કલાક પહેલા એક લાંબો બેલ વાગશે. ત્યાં સુધીમાં દરેક પરીક્ષાર્થી એ પોતાના વર્ગખંડમાં પોતાના કોલ લેટરના નંબર પ્રમાણે સ્થાન ગ્રહણ કરવાનું રહેશે.
પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ પહેલા પ્રથમ વોર્નિંગ બેલ વગાડવામાં આવશે. પરીક્ષા શરૂ થવાના પાંચ મિનિટ પહેલા બીજો વોર્નિંગ બેલ વગાડવામાં આવશે તથા પરીક્ષા શરૂ થવાના સમયે ફરી વોર્નિંગ બેલ વગાડવામાં આવશે. પરીક્ષા પૂરી થવાની દસ મિનિટ પહેલા વોર્નિંગ બેલ વગાડવામાં આવશે આમ આપને દરેક સમયે બેલ દ્વારા સાવધાન કરવામાં આવશે.
પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારે https://gpssb.gujarat.gov.in/ વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરેલ કોલ લેટર કમ પ્રવેશ પત્રમાં પોતાના કલર ફોટો ચોંટાડી સાથે અચૂક લાવવાનો રહેશે અન્યથા આ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં ઓનલાઇન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલો હોય તદ્દન તેવો જ ફોટો હાજરી પત્રકમાં ચોટાડવાનો ફરજિયાત છે.
પરીક્ષામાં હાજરી આપતી વખતે ઉમેદવારને ઓળખ માટે ઇલેક્શન કાર્ડ/ ડ્રાઇવિંગ લાઇસન્સ/પાનકાર્ડ અથવા આધાર કાર્ડ પૈકી કોઈ પણ એક ફોટો ઓળખ પત્ર અસલમાં ઉમેદવારે સાથે લાવવાનું રહેશે જે વર્ગ નિરીક્ષક માંગે ત્યારે બતાવવાનું રહેશે.
ઉમેદવારને પરીક્ષા ખંડમાં જે જવાબ પત્ર આપવામાં આવશે. તેની ઉપર નિયત કરેલ જગ્યાએ ઉમેદવારે સહી ઉપરાંત પોતાના ડાબા હાથના અંગૂઠાનો નિશાન ફરજિયાત પણે લગાવવાનો રહેશે.
અત્રે ખાસ નોંધનિય છે કે, આપને ફાળવેલા પરીક્ષા કેન્દ્રના મુખ્ય પ્રવેશ દ્વાર ખાતે પરીક્ષાના દિવસે સવારે 9:30 કલાકે ઉપસ્થિત થવાનું રહેશે અને આપને ફાળવેલ વર્ગખંડમાં આપની બેઠક ઉપર 10:15 કલાકે હાજર થવાનું રહેશે. પરીક્ષા શરૂ થયા પછી કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળી શકશે નહીં. પરીક્ષા સંદર્ભે કોઇ પણ મુંઝવણ હોય માટે જિલ્લાની હેલ્પલાઇન નંબર 02626-221624 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે. કોલ લેટરની તમામ સૂચનાઓનો અક્ષર સહપાલન કરવાનો રહેશે.
આ પરીક્ષામાં આપ સૌને જવલંત સફળતા મળે તે માટે તાપી જિલ્લા તંત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
00000000000