પ્રાકૃતિક ખેતી અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા યોજાઈ તાલીમ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો તરીકે જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકાર અને ગુજરાત
સરકાર પણ પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. આ વિષય અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,નવસારી
કૃષિ યુનોવર્સીટી, વઘઈ(ડાંગ) દ્વારા સુબીર તાલુકાના સાજુપાડા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક બે દિવસીય તાલીમ
યોજવામાં આવી હતી.
આ બે દિવસની તાલીમમાં ખેડૂત ભાઈઓ-બહેનોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક
ખેતીના મહત્વના આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન વાફસા અને જંતુનાશક અસ્ત્રોનો ઉપયોગ કરીને
જમીનની તંદુરસ્તી સુધારવાની સાથે સાથે જંતુનાશક મુક્ત તાજા શાકભાજી તથા ફળફળાદી ઉત્પાદન કરવા જણાવ્યું હતું.
આ તાલીમમાં ખેડૂતોને જીવામૃત તથા અગ્નિસ્ત્ર પ્રત્યક્ષ બનાવીને બતાવવામાં આવ્યું હતું.
આ તાલીમમાં બાગાયતના વૈજ્ઞાનિક ડૉ. હર્ષદભાઈ પ્રજાપતિ દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા ખર્ચ ઘટાડવાની
વિવિધ પદ્ધતિઓ સમજાવી હતી. કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે.બી. ડોબરીયા દ્વારા ખેતીના આધુનિક
તાંત્રિકતા અપનાવી ખેતીમાં આત્મનિર્ભર બનવા માટે ખેડૂતોને હાકલ કરી હતી. કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. પ્રતિકભાઈ જાવિયા,
ડૉ. સાગરભાઈ પટેલ અને કશ્યપભાઈ પટેલ દ્વારા કૃષિ પશુપાલન, કૃષિ વનીકરણ વગેરે વિષયો પર તલસ્પર્શી માહિતી
ખેડૂતોને આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં કિસાન ગોષ્ઠી અને કૃષિ પ્રદર્શન જેવી પ્રવુતી દ્વારા ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું સ્થાનિક સ્તરે સમાધાન કર્યું હતું. આ
કાર્યક્રમમાં કૃષિ પ્રાકૃતિક ફોલ્ડર વિતરણ અને પ્રાકૃતિક બેનર ગોઠવીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ખર્ચ ઘટાડવા
પર જાગૃતતા લાવવા પ્રયાસ હાથ ધરાયો હતો. આ તાલીમથી ખેડૂતો જાતે ખાતર અને દવા ઘરબેઠા બનાવતા શીખ્યા
હતા.
સાજુપાડા ગામના ૬૫ થી વધારે ખેડૂતોએ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રાકૃતિક
ખેતીના સિદ્ધાંતો ખેતીમાં વાપરવા માટે કટિબદ્ધ થયા હતા.