આગામી તા.૨૦મી જાન્યુઆરીએ ડોલવણ ગ્રાઉન્ડ ખાતે દ્વિતિય આયુષ મેળાનું આયોજન
સાંધાના દુખાવા, કમરના દુખાવા, પગની કપાસી, સાયટીકાના ઉપચાર માટે આયુર્વેદની અગ્નિકર્મ ચિકિત્સા માટે રજીસ્ટ્રેશન કરાવવા મો.૮૧૫૪૮૭૭૪૯૭નો સંપર્ક કરવો
……………………….
માહિતી બ્યુરો વ્યારા-તાપી તા. ૧૮: છેવાડાના માનવી સુધી આયુષની સેવાઓ પહોંચી શકે અને તે થકી પ્રજાજનોને સુખાયુ અને દિર્ધાયુ પ્રાપ્ત થાય તે હેતુથી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરીત અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાપીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, તાપી દ્વારા આગામી તા:20/01/2023 ને શુક્રવારના રોજ સવારે 10-00 થી બપોરે 4-00 કલાક દરમિયાન તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગ્રાઉન્ડ, સી.એચ.સી-સરકારી હોસ્પિટલની બાજુમાં, ડોલવણ ખાતે બીજા આયુષમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાબતે તાપી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય જયશ્રીબેન ચૌધરી એ જણાવ્યું કે, આયુષમેળા અંતર્ગત મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં આયુર્વેદ અને હોમિયોપેથી પધ્ધતીના તજજ્ઞો દ્વારા સારવાર આપવામાં આવશે. સાથે-સાથે અગ્નિકર્મ અને મર્મ ચિકિત્સા દ્વારા પેઈન મેનેજમેન્ટ એટલે કે દુ:ખાવાની ગોળી ગળ્યા વગર દુ:ખાવો મટાડવાની સારવાર, ઘટીયંત્ર ચિકિત્સા એક અતિવિશેષ પ્રકારની દુ:ખાવો મટાડવા માટેની ચિકિત્સા પધ્ધતી છે જેનું આયુષમેળામાં પ્રત્યક્ષ નિદર્શન (લાઈવ ડેમોસ્ટ્રેશન) કરવામાં આવશે જેને નિહાળી આપ પણ આ ચિકિત્સા પધ્ધતીથી જરૂર પ્રભાવિત થશો. પૌષ્ટિક વાનગીઓના સ્ટોલનું પ્રદર્શન, ઔષધિય વનસ્પતિ અને રસોડાના ઔષધનું પ્રદર્શન, ઋતુચર્યા, દિનચર્યા અને યોગ અંગે પણ વિશેષ માહિતી અને સેવાઓ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લાનો પ્રથમ આયુષ મેળો સોનગઢ ખાતે યોજાયેલ હતો જેમાં બહોળા પ્રમાણમાં નાગરિકોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. ડોલવણ ખાતેના આયુષમેળામાં સાંધાના દુખાવા, કમરના દુખાવા, પગની કપાસી., સાયટીકા માટે આયુર્વેદની અગ્નિકર્મ ચિકિત્સાના રજીસ્ટ્રેશન માટે મો.૮૧૫૪૮૭૭૪૯૭ નો સંપર્ક કરવો. તાપી જિલ્લાના વધુમાં વધુ નાગરીકો આ આયુષમેળાનો લાભ લે તે માટે તાપી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય જયશ્રીબેન ચૌધરીની અખબારી યાદીમાં અપીલ કરવામાં આવી છે.
000000000000000