તાપી જીલ્લામાં ‘‘કોવિડ વેક્સિનેશન’’ કામગીરી પુનઃ કાર્યરત
તાપી જિલ્લાની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે કોવિડ રસીકરણ સેવા ઉપલબ્ધ
…………
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.18: તાજેતરમાં અન્ય પડોશી દેશોમાં કોવિડ-૧૯ ના નવા વેરીયન્ટના કેસોમાં વધારો થઈ રહેલ છે તેમજ ભારતમાં પણ કોવિડ-૧૯ નવા વેરીયન્ટના કેસો નોંધાયેલ છે. ઉક્ત પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ અટકાયતી પગલાંના ભાગરૂપે કોવિડ રસીકરણ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે. ૧૮ વર્ષથી વધુ વયજુથમાં પ્રથમ અને બીજા ડોઝમાં ૧૦૦ ટકા સિધ્ધિ હાંસલ કરેલ છે. પરંતુ પ્રિકોશન ડોઝમાં ૬૫ ટકા વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવેલ છે. રાજ્યકક્ષાએથી મળેલ સુચના અન્વયે ૨ માસ માટે કોવિડ રસીકરણ બંધ કરવામાં આવ્યું હતુ. તાજેતરમાં રાજ્યકક્ષાએથી મળેલ સુચના અન્વયે કોવિડ રસીકરણ તા.૧૭-૦૧-૨૦૨૩ થી પુનઃ શરૂ કરવામાં આવેલ છે.
જે અંતર્ગત તાપી જિલ્લાની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે કોવિડ રસીકરણ સેવા ઉપલબ્ધ છે. જેથી તાપી જિલ્લાની જાહેર જનતાને અનુરોધ છે કે, ૧૮ વર્ષથી વધુ વય જૂથ પૈકી જેમનો પણ પ્રિકોશન ડોઝ મેળવવાનો બાકી હોય તેઓ વહેલી તકે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી પ્રિકોશન ડોઝ મેળવી લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તાપીની અખબારી યાદી દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
0000000000000