સુરત સહિત દક્ષિણ ગુજરાતનું ગૌરવ : રાજ્ય કક્ષાનાં કલા મહોત્સવમાં તિરંગા ગાન સ્પર્ધામાં સમીહા મુલતાની ઝળકી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ તથા જી.સી.ઈ.આર.ટી,ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર જી.સાબરકાંઠા આયોજિત રાજ્ય કક્ષાની તિરંગા ગાન સ્પર્ધા ઇડર ખાતે યોજવામાં આવી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આયોજિત આ સ્પર્ધામાં રાજ્યનાં તમામ ઝોનનાં વિજેતા કલાકારોએ ભાગ લીધો. જેમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી દીકરી સમીહા યાસીન મુલતાનીએ સમગ્ર ગુજરાતનાં તમામ ઝોનમાંથી આવેલ કલાકારોની સાથે ખૂબ સરસ પર્ફોમન્સ આપી રાજ્ય કક્ષાએ તૃતિય ક્રમે વિજેતા બની કુટુંબ, સમાજ અને સમગ્ર સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
કામરેજ તાલુકાનાં ખ્યાતનામ સંગીતકાર અને શિક્ષક એવાં મુકેશભાઈ સાખીયાએ સમીહાની કૃતિ તૈયાર કરવામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા શિક્ષક પરિવારનાં સૌ સભ્યોએ તેણીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે સમીહાનાં પિતા યાસીનભાઈ મુલતાની કે જેઓ કામરેજ તાલુકાની કોસમાડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને સાથે જ તેઓ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સક્રિય કારોબારી સભ્ય પણ છે. જેઓ એક ઉમદા એન્કર પણ છે અને મુખ્યમંત્રીનાં કાર્યક્ર્મ સહિતનાં અનેકવિધ કાર્યક્રમોનું સફળ એન્કરિંગ કરી ચૂક્યા છે.