તાપી જિલ્લામાં આયુષ મેળો યોજાયો : 3858 નાગરિકોએ આયુષ મેળાનો લાભ લીધો
“આયુર્વેદએ કોઈ દવા નથી જીવન જીવવાની શૈલી છે.”-જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
મકરસંક્રાતિના તહેવાર માટે તૈયાર કરવામાં આવેલ તલના લાડુ-ચીકીની પોષણ કીટ બાળકોને વિતરણ કરવામાં આવ્યા
……………..
કલેક્ટરશ્રીએ પોતાના હાથે બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવ્યા
……………..
સોનગઢ ખાતેના આયુષ મેળામાં બહોળી સંખ્યામાં લોકોએ પ્રદશર્નીને નિહાળી આયુર્વેદ વિશે જાણકારી મેળવી, સારવાર અને ઉપચારનો લાભ લીધો :
……………..
માહિતી બ્યુરો, તાપી, તા.13: આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા સોનગઢ સ્થિત કુમાર શાળા ખાતે આયુષ મેળો યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રી ભાર્ગવી દવે આરોગ્યલક્ષી કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે,આયુર્વેદએ કોઈ દવા નથી જીવન જીવવાની શૈલી છે. દરેક વ્યક્તિએ પોતાની પ્રાકૃતિ પરીક્ષણ કરાવવું જ જોઈએ. અને પ્રાકૃતિક અનુસાર ખાનપાન અને શારીરિક કાળજી રાખેતો સ્વસ્થ રહી શકાય છે. તેમણે સૌને દરરોજ સૂર્યનમસ્કાર કરવા સલાહ આપી હતી. આ ઉપરાંત તેમણે પોતાના જીવનનાં સ્મરણો અને અનુભવો દ્વારા રોગોનાં કાયમી નિકાલ માટે આયુર્વેદ આપનાવવા સૌને અપીલ કરી હતી. ઉપરાંત તેમણે ગર્ભસંસ્કારનું મહત્વ સમજાવી આઇસીડીએસ વિભાગની વિવિધ યોજાનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, આયુર્વેદનું મહત્વ કોરોના કાળમાં સમગ્ર વિશ્વનાં લોકો સમજયા છે. આયુર્વેદની તમામ દવાઓ વનસ્પતિ અને ફાળફાળાદીમાંથી મળી રહે છે. ત્યારે તેને જીવનનો એક ભાગ બનાવવાથી અનેક રોગથી બચી શકાય છે. બિમારીથી કેમ બચી શકાય તે જીવનશૈલી આયુર્વેદ જણાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકોની જીંદગી અમુલ્ય છે તે માટે સરકાર આયુષ મેળાના માધ્યમથી આયુર્વેદના ઘર-ઘર સુધી પ્રચાર-પ્રસાર થાય તે સક્રીય રીતે કામગીરી કરી રહી છે. તેમણે લોકોને પણ આવા આયોજનોનો લાભ લેવા અપીલ કરી પ્રદર્શનમાં દર્શાવેલ માહિતીને દરેક નાગરિકને જાણ કરવા આપીલ કરી હતી.
ડૉ. પિનાકીન પંડ્યાએ સૌને આયુર્વેદનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, આયુર્વેદ સ્વાસ્થ્ય રીતે જીવવાની કાળા શીખવે છે. જેને ગુજરાત સરકારનાં આયુષ વિભાગ દ્વારા સારી રીતે આગળ ધપાવી રહયા છે.
આ પ્રસંગે યોગ ઇન્સ્ટ્રાક્ટરશ્રી ખુશ્બુબેન દ્વારા યોગના આસનો પ્રદર્શિત કરીને યોગ કરવા લોકોને અપીલ કરી હતી. આ સાથે આઇસીડીએસ વિભાગ દ્વારા પોષ્ટિક આહારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોના હસ્તે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા ખાસ મકરસંક્રાતિના તહેવાર માટે તૈયાર કરવામાં આવેલ તલના લાડુ-ચીકીની પોષણ કીટ બાળકોને વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત કલેક્ટરશ્રીએ પોતાના હાથે બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવ્યા હતા.
*બોક્ષ:-1*
અત્રે ઉલ્લેખનિય છે કે, સોનગઢ ખાતે આયોજીત આપ આયુષ મેળામાં કૂલ-3858 નાગરિકોઓ વિવિધ સારવાર અને ઉપચારનો લાભ લીધો હતો. જેમાં આયુર્વેદ નિદાન સારવાર હેઠળ 482 નાગરિકોએ, હોમિયોપેથી નિદાન સારવારમાં 144, અગ્નિકર્મ ચિકિત્સામાં 128, ઘંટીયંત્રમાં 41, સુવર્ણપ્રાશનમાં 75, પ્રકૃતિ પરિક્ષણ 72, મર્મ ચિકિત્સા-56, Ars AIB-30 વિતરણ-230, આયુર્વેદ અમૃત પાનક-810 તથા પ્રદર્શનના લાભાર્થીઓ 950 અને આયુર્વેદ પ્રચાર-પ્રસાર 870 લાભાર્થીઓ મળી કૂલ-3858 જાહેરજનતાએ આયુષ મેળાનો લાભ લીધો હતો.
*બોક્ષ:-2*
*તાપી જિલ્લાનાં આયુષ મેળાની વિશેષતાઓ* :-
આયુર્વેદના નિષ્ણાંત વૈદ્યો દ્વારા પ્રકૃતિ પરિક્ષણ કરી સારવાર આપવામાં આવી, જૂના સાંધા અને સ્નાયુના રોગોમાં તુરંત લાભકારક પંચકર્મ, અગ્નિકર્મ અને મર્મ ચિકિત્સાનું માર્ગદર્શન, ચામડી તથા કાન, નાક, ગળાના રોગો, સિકલસેલમાં હોમિયોપેથીક સારવાર આપવામાં આવી, બી.પી. ડાયાબીટીસ, થાઈરોઈડ, ઓબેસીટી–સ્થુળતા જેવા લાઈફ સ્ટાઈલને લગતા રોગો તેમજ માનીસીક રોગો માટે યોગ નિષ્ણાંત દ્વારા યોગ માર્ગદર્શન આપવામાં આવ્યું, વૃધ્ધાવસ્થાજન્ય રોગોની વિશેષ સારવાર આપી, રસોડાના ઔષધો તથા ઘરગથ્થુ ઉપચાર, લીલી વનસ્પતિઓ વિશે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન, આયુષની જીવન પધ્ધતિ અપનાવવા બાબતે દિનચર્યા-ૠતુચર્યા વગેરેનું ચાર્ટ પ્રદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય જયશ્રી ચૌધરીએ સ્વાગત પ્રવચન તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું.
આયુષમેળામાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી સોનલ પાડવી, આરોગ્ય વિભાગનાં ક્યુ.એમ.ઓ. ડૉ. કે.ટી. ચૌધરી, પ્રોગ્રામ ઓફિસરશ્રી તનવી પટેલ, મામલતદાર સોનગઢ શ્રી ઢીમ્મર, ઇન્ચા. પ્રાંત વ્યારા હિમાંશુ સોલંકી, સોં. પિનાકીન પંડ્યા, ડૉ. નીલમ, ડૉ. નિલેશ, ડૉ. દર્શના સહીત અન્ય આયુર્વેદીક ડોકટરોની ટીમ ,મેડીકલ સ્ટાફ, આંગણવાડીની બહેનો તથા મોટી સંખ્યામાં નગરજનો અને આગણવાડીનાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવસભર ચાલેલા પ્રદર્શન-મેળાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
00000000