વ્યારા અને સોનગઢ ખાતે પતંગોત્સવની ઉજવણી

Contact News Publisher

ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ઋતુચક્ર મુજબ અનેરૂ મહત્વ છે જેને અનુસરીએ સાથે ચાઈનીઝ દોરા અને તુક્કલનો ઉપયોગ ન કરવા અપીલ કરતાઃ કલેકટર સુશ્રી ભાર્ગવી દવે
……………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૨- તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા(સયાજી ગ્રાઉન્ડ) અને સોનગઢ સરકારી વિનયન કોલેજ ખાતે કલેકટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને વ્યારા અને સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિમાં પતંગોત્સવ-૨૦૨૩ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
કલેકટર સુશ્રી ભાર્ગવી દવેએ પતંગ રસિયાઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપણાં ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ઋતુચક્ર મુજબ અનેરૂ મહત્વ છે. શિયાળામાં સૂર્યપ્રકાશ મેળવવા માટે આપણે જતા નથી પરંતુ ઉત્તરાયણ નિમિત્તે આપણને સૂર્યપ્રકાશ મળી રહે છે. એટલે કે આપણાં તહેવારો પણ એ રીતે જ આવે છે. આપણે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. સુરતી માંજો જગવિખ્યાત છે. આપણા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે, એક હજાર કરોડનો પતંગ ઉદ્યોગ છે અને આપણાં અર્થતંત્રને વેગવાન બનાવવાનું છે. ત્યારે આપણે સૌએ ચાઈનીઝ દોરો વાપરવો નહીં અને તુક્કલનો પણ ઉપયોગ કરવાનો નથી. સૌએ સંકલ્પ લેવાનો છે કે, ચાઈનીઝ દોરો અને તુક્કલનો ત્યાગ કરીશું. પતંગ લૂંટવાનો આનંદ અનેરો છે. પરંતુ વીજતારથી સુરક્ષિત રહેવુ જોઈએ. આપણાં અબોલ પશુ-પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને કરૂણા અભિયાનમાં પણ સૌએ સહભાગી થવાનું છે.
વ્યારા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે, ભારત દેશ બિનસાંપ્રદાયિક છે. દરેક ધર્મના લોકો સાથે ભેગા મળી ઉત્સવો મનાવે ત્યારે તેમની ભાવના જોડાયલી હોય છે. આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે ત્યારે પતંગોત્સવની સાથે ઉચ્ચ વિચારોથી ઉંચી દિશામાં પ્રયાણ કરી શકાય છે. આપણાં જીવનમાં પણ પતંગનું યોગદાન છે. સમગ્ર દેશમાં ચાઈનીઝ દોરાનો ત્યાગ કરીએ અને પશુ-પક્ષી ઘાયલ થાય તો તેને યોગ્ય સારવાર આપીએ. આ પર્વને રંગેચંગે ઉજવવા નગરપાલિકા સહિત તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું.
સોનગઢ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નિઝર ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતે જણાવ્યું હતું કે, સરકારી વાણિજ્ય, વિનિયન કોલેજ અને સાયન્સ કોલેજ, સોનગઢ ખાતે જ્યારથી હુ કોલેજમા ભણતો હતો ત્યારથી કોલેજના સીઆર તરીકેની ચૂંટણીમાં ભાગ લેતો હતો. આજે ધારાસભ્ય તરીકે આ કોલેજમાં આમંત્રિત તથા ખુશી અનુભવું છું. તમામ વિદ્યાર્થીઓને તેમણે પતંગ ઉત્સવ માણવાની સાથે સાથે વિજતાર કે ધાબા ઉપર પતંગ ચગાવતી વખતે ખાસ કાળજી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સુર્યોદય અને સુર્યાસ્તના સમયે પક્ષીઓ પોતાના માળામાં જતા-આવતા હોય તે સમયે પતંગ ન ચગાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે વ્યારા નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણા,ઈ.ચા.પ્રાંત અને મામલતદાર એચ.જે.સોલંકી, સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી ટપુભાઈ ભરવાડ, હેતલભાઈ મેહતા, સોનગઢ મામલતદારશ્રી ડી. જે ઢીમ્મર, વ્યારાનગર ઉપપ્રમુખ સુધીર ચૌહાણ,કારોબારી અધ્યક્ષ કુલીન પ્રધાન,માજી પ્રમુખ રાકેશ કાચવાલા સહિત નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ સહિત પતંગ રસિયાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
0000000000

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other