તાપી જિલ્લામાં આયુષ વિભાગ ધ્વારા સોનગઢ ખાતે આગામી ૧૩મી જાન્યુઆરી પ્રથમ આયુષ મેળો યોજાશે
(માહિતી બ્યુરો તાપી) તા. ૧૦ ગુજરાત રાજ્યના છેવાડાના માનવી સુધી આયુષની સેવાઓ પહોંચી શકે અને તે થકી પ્રજાજનોને સુખાયુ અને દિર્ઘાયુ પ્રાપ્ત થાય તે હેતુથી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરીત અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાપીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, તાપી દ્વારા આગામી તા:13/01/2023 ને શુક્રવારના રોજ સવારે 9-00 થી બપોરે 3-00 કલાક દરમિયાન તાપી જિલ્લા ખાતેના પ્રથમ આયુષમેળાનું આયોજન કુમાર શાળા, સોનગઢ ખાતે કરવામાં આવશે.
આ આયુષમેળા અંતર્ગત મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં આયુર્વેદ અને હોમિયોપેથી પધ્ધતિના તજજ્ઞો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ વડે પ્રકૃતિનું નિર્ધારણ, આયુર્વેદની બે મુખ્ય સારવાર પધ્ધતિ શમન અને શોધન ચિકિત્સામાં પંચકર્મ જેવી વિશેષ ચિકિત્સા પધ્ધતિથી પણ લોકોને અવગત કરાવવામાં આવશે.સાથે-સાથે અગ્નિકર્મ અને મર્મ ચિકિત્સા દ્વારા પેઈન મેનેજમેન્ટ એટલે કે દુ:ખાવાની ગોળી ગળ્યા વગર દુ:ખાવો મટાડવાની સારવાર, ઘટિયંત્ર ચિકિત્સા એક અતિવિશેષ પ્રકારનો દુ:ખાવો મટાડવા માટેની ચિકિત્સા પધ્ધતિ છે જેનું આયુષમેળામાં પ્રત્યક્ષ નિદર્શન (લાઈવ ડેમોસ્ટ્રેશન) કરવામાં આવશે જેને નિહાળી સર્વે આ ચિકિત્સા પધ્ધતીથી જરૂર પ્રભાવિત થશે . આયુર્વેદનું વેક્સિનેશન એટલે સુવર્ણપ્રાશન સંસ્કાર – જેનાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે સાથે-સાથે તેમની ધિ-દ્રુતિ-સ્મૃતિ (ધિ એટલે બુધ્ધિશક્તિ, દ્રુતિ એટલે ધૈર્યશક્તિ અને સ્મૃતિ એટલે સ્મરણશક્તિ) ગર્ભિણી પરિચર્યા પ્રદર્શન એટલે માસાનુમાસિક ગર્ભની વૃધ્ધિની સાથે-સાથે માતાએ કેવો ખોરાક લેવો, કેવી કાળજી રાખવી ટુંકમાં માતાએ ગર્ભાવસ્થા દરમિયાન શું કરવું તથા શું ન કરવું તેની તમામ માહિતી તથા ઔષધિય વાનગીઓના સ્ટોલનું પ્રદર્શન, ઔષધિય વનસ્પતિ અને રસોડાના ઔષધનું પ્રદર્શન, ઋતુચર્યા, દિનચર્યા અને યોગ અંગે પણ વિશેષ માહિતી અને સેવાઓ આપવામાં આવશે. તાપી જિલ્લાના વધુમાં વધુ નાગરીકો આ આયુષમેળાનો લાભ લે એવી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય જયશ્રીબેન ચૌધરીએ અપીલ કરી છે.
000000