તાપી જિલ્લાના બોરખડી ખાતે હેલ્થ એન્ડ ન્યુટ્રીશન કાર્યક્રમ યોજાયો
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય બોરખડી ખાતે શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટ ગાંધીનગરના સહયોગથી હેલ્થ એન્ડ ન્યુટ્રીશન પ્રોગ્રામ યોજાયો
………………………..
“આપણા બાળકો કુપોષણ મુક્ત હોય તે આપણું સામાજિક ઉત્તર દાયિત્વ છે:” -જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા
………………………..
બાળકોના જતનમાં કોઇ કચાસ ન રહે તે અંગે સૌ વાલીઓ અને આંગણવાડીના બહેનોને અપીલ કરતા ડી.ડી.ઓશ્રી ડી.ડી. કાપડિયા
………………………..
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા: 06: ગાંધીનગરની શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડિયાના અધ્યક્ષસ્થાને ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય બોરખડી ખાતે હેલ્થ એન્ડ ન્યુટ્રીશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ ઉપસ્થિત સૌને પોષણનું મહત્વ સમજાવતા જણાવ્યુ હતું કે, તંદુરસ્ત સમાજના નિર્માણમાં મહિલાઓનો સિંહ ફાળો છે. મહિલાઓ સ્વસ્થ હશે તો જ આવનાર બાળક સ્વસ્થ જન્મ લેશે. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થિનીઓને પોતાના ભોજનમાં લીલા શાકભાજી, ફળફળાદી અને વિવિધ અનાજ લેવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે સૌ બાળકોને મન મુકી પોતાને મનગમતી કલા વિકસાવવા અનુરોધ કર્યો હતો. આ સાથે સ્વચ્છતા અંગે પણ સભાનતા કેળવી હાઇજીન પ્રેક્ટીસને અપનાવવા જણાવ્યું હતું.
ડી.ડી.ઓશ્રીએ તાપી જિલ્લાની પહેલ “પોષક વાલી પ્રોજેક્ટ” અંતર્ગત તાપી જિલ્લાના વર્ગ-1 અને 2ના અધિકારીઓએ આંગણવાડીઓ દત્તક લીધી છે એમ જણાવી દરેક અધિકારી જે-તે આંગણવાડી ખાતે સમયાંતરે મુલાકાત લઇ રેડ ઝોનના બાળકોને પોષણ કીટ વિતરણ કરશે. તેઓના વાલીઓને પોષણના મહત્વ અંગે માહિતગાર કરશે છે એમ ખાસ ઉમેર્યું હતું. આ ઉપરાંત આપણા બાળકો કુપોષણ મુક્ત હોય તે આપણું સામાજિક ઉત્તર દાયિત્વ છે એમ જણાવી બાળકોના જતનમાં કોઇ કચાસ ન રહે તે અંગે સૌ વાલીઓ અને આંગણવાડીના બહેનોને અપીલ કરી હતી.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી જસુબેન ગામીતે કિશોરીઓને તેઓના વાલીઓ અને શાળાના શિક્ષિકાઓ તેઓના મિત્ર છે અને એક મિત્ર તરીકે કિશોરીઓને થતી કોઇ પણ સમસ્યા અંગે વાતચીત અને સલાહ સુચન લેવામાં ખચકાવુ ના જોઇએ એમ સમજ કેળવી હતી. તેમણે તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ અને પોષણ અભિયાન હેઠળ આંગણવાડીની બહેનો દ્વારા કરવામા આવતી કામગીરીની સરાહના કરી હતી.
આ પ્રસંગે મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પાઉલ વસાવાએ આરોગ્યના મહત્વ અંગે સમજાવતા સૌને જણાવ્યું હતું કે, આપણા વિસ્તારમાં એનીમિયાથી પીડીત નાગરિકો વધારે છે. એનીમિયા થવા અંગેના કારણો સમજાવતા તેમણે સૌ વિદ્યાર્થિનીઓને આરોગ્ય વિભાગ દ્વારા દર બુધવારે આપવામાં આવતી ફોલિક એસીડની દવા નિયમિત લેવા તથા ભોજન લેવામાં આળસ ન કરવા સમજ આપી હતી.
ઇંચા.પ્રોગ્રામ ઓફિસર નયન્તિકાબેને આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા કાર્યરત યોજનાઓ અંગે વિગતવર જાણકારી આપી તાપી જિલ્લામાં કુપોષણ નાબુદ કરવા માટે લેવામા આવેલ વિવિધ પગલાઓ અંગે સૌને માહિતગાર કર્યા હતા.
શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી પ્રિતી પટેલે સ્વાગત પ્રવચન કરતા શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લામાં કરવામા આવેલ કામગીરી અંગે જાણકારી આપી હતી. તેમણે ઉમેર્યું કે, શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં 1.5 લાખ બાળકીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. જે અન્વયે તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના 10 ગામોમાં બાળકીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. આ કામગીરીમાં ગ્રામજનો અને બાળકોઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટ અને પોષણ અભિયાન હેઠળ તમામ બાલીકાઓને પોષણ કીટનું વિતરણ કરવામા આવ્યું હતું. આ ઉપરાંત ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય, પ્રાથમિક શાળા અને પીટીસી કોલેજની વિવિધ વિદ્યાર્થિનીઓ જેમણે રમત ગમતમાં વિજેતા બન્યા હોય તેઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. પોષણ અભિયાન હેઠળ વાનગી પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનિય છે કે, શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટ, ગાંધીનગર મારફતે લોકઉપયોગી વિવિધ સેવાના કાર્યો કરવામા આવી રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માયપુર, ભાટપુર, અંધારવાડી, પનીયારી, કોહલી, ખુશાલપુરા, બોરખડી, લોટરવા અને ટીચકપુરા ગામમાં “સ્પોટર્સ તાલીમ, આત્મ-રક્ષણ(સેલ્ફ-ડીફેન્સ) તાલીમ તેમજ પોષણ વૃદ્ધી કાર્યક્રમ” કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૦૪૯ બહેનોએ ભાગ લીધો હતો. આજના હેલ્થ અને ન્યુટ્રીશન કાર્યક્રમ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ જેમાં હિમોગ્લોબીન અને સિકલસેલનો રિપોર્ટ કરવામાં આવ્યા હતા. રીપોર્ટના આધારે વિદ્યાર્થીઓ અને વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રોજેક્ટમાં સમાવેશ થતા ગામડાઓની શાળા, આંગણવાડીની દર અઠવાડિયે મુલાકાત લઈ ‘Healthy Food Habit’ વિશે સમજ કેળવી હતી. દરેક વિદ્યાર્થીનીનું BMI, HEIGHT, WEIGHT, FAT માપવામાં આવ્યું હતું. વિડિયો અને PPT દ્વારા હિમોગ્લોબીન કઈ રીતે વધારવું તેની સમજ તથા વિટામીનનું શરીરમાં મહત્વ, પૌષ્ટિક આહાર જેવા કે, તલ-ગોળના લાડુ, બિસ્કીટ, નાનખટાઈ, જ્યુસ, ફળ, ખજુરપાકના લાડુ, સુખડી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું અને તેને યોગ્ય રીતે બનાવવાની રીત વિશે સમજાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બોરખડી, પ્રાથમિક શાળા, માયપુર અને આંગણવાડી કેન્દ્ર, ભાટપુર ખાતે કિચન ગાર્ડનનું નિર્માણ કરવાની સાથે ગ્રામજ્નોને પોતાના ઘરે પણ કિચન ગાર્ડન બનાવવા માર્ગદર્શન અને ટ્રેનીંગ આપવામાં આવી હતી.
000000000000