અયોધ્યા ખાતે “શ્રી રામ જન્મભૂમિ” એ દર્શનાર્થે જતાં ગુજરાતના અનુસૂચિત જનજાતિ-વનવાસી યાત્રાળુઓને “માં શબરીની” સ્મૃતિમાં યાત્રા સહાય આપવા બાબત
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા: 05: ભારતની અને દુનિયાની સંસ્કૃતિમાં તીર્થયાત્રા ખાસ મહત્વ ધરાવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન અયોધ્યા ખાતે આવેલ “શ્રી રામ જન્મભૂમિ” ના દર્શન કરવાની ઇચ્છા રાખતા હોય છે. પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઇચ્છા પૂરી કરી શકતા નથી. આ બાબત ધ્યાનમાં રાખીને ખાસ કરીને ગુજરાત રાજ્યની અનુસૂચિત જનજાતિ – વનવાસી પ્રજા માટે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ખાતે ભગવાન “શ્રી રામ”ના દર્શન કરવાની શ્રેષ્ઠ તક ઉપલબ્ધ કરાવેલ છે. “ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા “શ્રી રામ જન્મભૂમિ શબરી સ્મૃતિ યાત્રા યોજના” કાર્યરત છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં અયોધ્યા ખાતે “શ્રી રામ જન્મભૂમિ” એ દર્શનાર્થે જતાં ગુજરાતમાં વસતા અનુસૂચિત જનજાતિ-વનવાસી પ્રજા માટે “શ્રી રામ જન્મભૂમિ શબરી સ્મૃતિ યાત્રા સહાય યોજના” હેઠળ ૫૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પૂરા)ની પ્રોત્સાહક રકમ આર્થિક સહાય તરીકે કેટલીક શરતોને આધીન આપવામાં આવશે એમ નાયબ સચિવ ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગાંધીનગર દ્વારા અખબારીયાદીમાં જણાવાયું છે.
આ શરતો અનુસાર (૧) ગુજરાત રાજ્યમાં વસવાટ કરતાં ૧૨ વર્ષ કે તેથી વધુ વયના અનુસૂચિત જનજાતિ-વનવાસી નાગરિકોને જ લાભ મળવાપાત્ર રહેશે. (2) એક વ્યક્તિને જીવનકાળ દરમિયાન એકવાર (જીવનમાં એકવાર) લાભ મળવાપાત્ર રહેશે. (૩) ગુજરાતમાં વસતાં પ્રથમ ૧૫૦૦ (એક હજાર પાંચસો) અનુસૂચિત જનજાતિ- વનવાસીઓ જ સહાયનો લાભ મેળવી શકશે. (૪) શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યાની યાત્રા પૂરતો જ આ લાભ મળવાપાત્ર થશે. (૫) અરજીમાં યાત્રાની તારીખ, યાત્રાળુઓની સંખ્યા, યાત્રાની શરૂઆત તથા પૂર્ણ થયાનું સ્થળ, અરજી તારીખ, અરજી કરનારની સહી, ફોન/ મોબાઈલ નંબર, E-mail Id (ઉપલબ્ધ હોય તો) તેની સ્પષ્ટતા કરવાની રહેશે. (૬) અરજી સાથે પુરાવા તરીકે આધારકાર્ડ, ખરાઈ કરેલ જાતિ પ્રમાણપત્ર/ Leaving Certificate, બેંકની ડિટેલ (પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ)ની “સ્વપ્રમાણિત નકલ” જોડવાની રહેશે. (૭) અરજીમાં જે વ્યક્તિઓના નામ દર્શાવેલ હોય તે વ્યક્તિઓ જ યાત્રા કરી શકશે. તે પોતાની સાથે અરજી ન કરી હોય તેવી બીજી કોઇ વ્યક્તિને સાથે લઈ જઈ શકશે નહીં. ગ્રુપમાં કરેલ અરજીના દરેક વ્યક્તિઓના ક્રમ (૪) અને (૫) માં દર્શાવેલ દસ્તાવેજની સ્વ-પ્રમાણિત નકલ જોડવાની રહેશે. (૮) અરજી જે પરબીડિયામાં મોકલવામાં આવે તે પરબીડિયા પર “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા વર્ષ માં યાત્રા માટે અરજી” એમ લખવાનું રહેશે. (૯) યાત્રા કરતાં પહેલાં પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ની યાત્રા માટે અરજીઓ સ્વીકારવામાં આવશે અને યાત્રાની મંજૂરી આપવામાં આવશે. અરજી પોસ્ટ દ્વારા પણ સ્વીકારવામાં આવશે. અરજી પ્રવાસની તારીખ પહેલાં ૧૦ (દસ) દિવસ પૂર્વે કરવાની રહેશે. (૧૦) યાત્રાના પુરાવારૂપે સરકારી બસ/ રેલવે/ હવાઈની આવવા-જવાની ટિકીટ, યાત્રાના સ્થળે રોકાણના પૂરાવા/ ધર્માદા કરેલ હોય તો તેની પહોંચો/ અયોધ્યા મંદિર ખાતે મંદિર સહિતના ર થી ૩ રંગીન ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. પૂરાવા યાત્રાપૂર્ણ કર્યાના એક માસમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. (૧૧) અરજી સંપૂર્ણ વિગતો સાથેની નહીં હોય તો તે નામંજૂર કરવામાં આવશે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે. (૧૨) અરજીમાં યાત્રા કયારે કરવા માંગે છે, તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. આ સંદર્ભે મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન અથવા મંજૂરી મળ્યા બાદ એક માસમાં યાત્રા કરવાની રહેશે અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ થયેલી ગણાશે, અને તે પછી યાત્રા કરવાની હોય તો, નવેસરથી મંજૂરી મેળવવાની રહેશે. આવી મંજૂરી મેળવ્યા વિના કરેલ યાત્રા માટે સહાય મળવાપાત્ર થશે નહીં. (૧૩) યાત્રાળુ દહનશીલ પદાર્થ કે કેફી પદાર્થ કે કોઇ પ્રતિબંધિત / ગેરકાયદેસર પદાર્થ યાત્રામાં સાથે લઇ જઇ શકશે નહીં. (૧૪) યાત્રાળુઓએ જે તે તીર્થસ્થાનના નિયમોનું પાલન કરવાનું રહેશે. (૧૫) વખતો-વખત સરકારશ્રીના કોવિડ-૧૯ મહામારીને લગતા પ્રસિદ્ધ થતાં જાહેરનામાની તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.(૧૬) યાત્રા દરમ્યાન થનાર આકસ્મિક દુર્ઘટના માટે રાજ્ય સરકાર કે તેના કોઇ અધિકારી/કર્મચારી જવાબદાર રહેશે નહીં.
અત્રે ઉલ્લેખનિય છે કે, લાભાર્થીએ નિયત બાંહેધરી પત્ર ભરીને આપવાનું ફરજીયાત રહેશે.એમ નાયબ સચિવ ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગાંધીનગર અને ઇંચા.નિવાસી અધિક કલેકટરશ્રી તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
000000000000