તાપી જિલ્લા ખાતે પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને 100 દિવસની કામગીરી અંગેના એક્શન પ્લાન અન્વયે સમિક્ષા બેઠક યોજાઇ
“રસ્તાઓ લોકોને નથી જોડતા લાગણીઓ એક બીજાને જોડે છે. લોકોની સાથે, લોકોની વચ્ચે રહીને કામ કરવામાં આવે તો કામની ગુણવત્તા વધે છે અને લોકો તમારી કામગીરીની નોંધ પણ લે છે.” : તાપી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
…………………
“સરકાર અને પ્રસાશન આપણે સૌએ સાથે મળી તાપી જિલ્લાને વિકાસના પથ ઉપર આગળ લઇ જવાનો છે.”:તાપી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
…………………
“તાપી જિલ્લા દ્વારા આગામી 100 દિવસોમાં નક્કિ કરેલ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની સાથે સાથે દરેક અધિકારી ગ્રામ્ય કક્ષાએ સ્વયં મુલાકાત લેશે”: જિલ્લા કલેકટરસુશ્રી ભાર્ગવી દવે
…………………
“તમામ અધિકારીઓએ યોજનાઓનો લાભ આપવા પુરતુ સિમિત ન રહેતા “આઉટ ઓફ થી બોક્સ“ વિચારસર્ણી કેળવવાની જરૂર”: -જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા
…………………
માહિતી બ્યુરો, તાપી, તા.01: તાપી જિલ્લા ખાતે જિલ્લા પ્રભારી મંત્રી અને રા.ક.મંત્રીશ્રી, વન અને પર્યાવરણ કલાઇમેન્ટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તથા જિ.પં. પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓ મોહનભાઈ કોંકણી,ડૉ. જયરામભાઈ ગામીત, મોહનભાઈ ઢોડિયા, ન.પા.પ્રમુખ સેજલ રાણા સહિત જિલ્લા કલેકટરસુશ્રી ભાર્ગવી દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનનાં સભાખંડ ખાતે વિવિધ વિભાગોની 100 દિવસની કામગીરી અંગેના એક્શન પ્લાન અન્વયે સમિક્ષા બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે તાપી જિલ્લા પ્રભારી મંત્રી અને રા.ક.મંત્રીશ્રી, મુકેશભાઇ પટેલે અધિકારીઓને સંવેદનશીલ બની કામ કરવા પ્રોત્સાહિત કરતાં ઉમેર્યું હતું કે, રસ્તાઓ લોકોને નથી જોડતા લાગણીઓ એક બીજાને જોડે છે. લોકોની સાથે, લોકોની વચ્ચે રહીને કામ કરવામાં આવે તો કામની ગુણવત્તા વધે છે અને લોકો તમારી કામગીરીની નોંધ પણ લે છે. તેમણે જિલ્લાનાં દિવ્યાંગોને રોજગારી મળે તે માટે સક્રિય પ્રસાયો હાથ ધરવા ખાસ તકેદારી રાખવા સંબંધિત અધિકારીશ્રીને જણાવ્યું હતું. આ સાથે તમામ અધિકારીશ્રીઓને સરકારી યોજનાંઓને ફક્ત લાભ આપવા પૂરતી સીમિત ન રાખી તેને ખરેખર જનઉપયોગી બને એ મુજબ યોજના લાગુ કરવા ખાસ હિમાયત કરી હતી. મંત્રીશ્રીએ પ્રયોજના વહીવટદારની કચેરી દ્વારા વેલાવાળા શાકભાજી યોજનાને પ્રોત્સાહન આપવા, આદિજાતીનાં વિદ્યાર્થીઓ માટે કાર્યરત વિવિધ યોજાનાઓ અંગે તેઓને જાગૃત કરવા, તથા વિદેશ અભ્યાસ, સ્વરોજગાર માટે મળતી લોન અંગે વધુમાં વધુ પ્રચાર પ્રસાર સાથે નાગરિકો લાભ લે તેવું આયોજન કરવા સૂચના આપી હતી.
મંત્રીશ્રીએ જિલ્લા ગ્રામ વિકાસની વિવિધ યોજનાં વિશે માહિતી મેળવી હતી. જેમાં ગોબરધન યોજનાંની વિગત મેળવી તેમાં થઇ રહેલ કામગીરીની સરાહનાં કરી હતી.તેમને તમામ તાલુકાઓમાં મિયાવાકી પધ્ધતીથી તૈયાર થતું વન કવચ અને જંગલ વન તૈયાર કરવા વનવિભાગને જણાવ્યું હતું. આ સાથે મંત્રીશ્રી એ ખાસ તાપી જિલ્લાનાં બાળકો પર્યાવરણ જતન, કલાઈમેટચેન્જ, પ્લાસ્ટિક નાબૂદી અને અનાજનો બગાડ ન કરવા અંગે નાનપણથી જાગૃત કરવાની જરૂર છે એમ સમજાવી. આ માટે તાપી જિલ્લાનાં દરેક શાળાનાં બાળકોને જિલ્લાનાં ઇકોટુરિઝમ સ્થળોની મુલાકાત લેવા ટ્રીપ ગોઠવવા અને ટ્રીપ દરમ્યાન આ વિષયો અંગે જાણકારી આપવામાં આવે એ મુજબનું આયોજન કરવા વન વિભાગને જણાવ્યું હતું. આ સાથે વ્યારા સૂગરના પ્રશ્નને 100 દિવસની અંદરના પ્લાનીંગમાં લેવા તથા તેને અવરોધ કરવા કોઇ આવે તો તેના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીને જણાવ્યું હતું.
આ ઉપરાંત વનઅધિકારની પેન્ડીંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા, કોઇ પણ જરૂરીયાતમંદને વિજ કનેકશનમા બાકાત ન રહે તેની ખાસ તકેદારી રાખવા, ઉદ્યોગ વિભાગની વિવિધ યોજના અંગે નાગરિકોને જાગૃત કરવા, સ્વામિત્વ યોજના હેઠળ લોકોને વધુમા વધુ જોડવા જેવા વિવિધ રચનાત્મક સુચનો કર્યા હતા. આ સાથે મંત્રીશ્રીએ જિલ્લાની તમામ વિભાગોની 100 દિવસની કામગીરી અંગે વિસ્તૃત સમિક્ષા કરી હતી. જેમાં પાણીપુરવઠા વિભાગ, જમીન નિરિક્ષણ, સિંચાઇ વિભાગ, જળ સંપત્તિ, સમાજ કલ્યાણ, આયુષ વિભાગ, આઇ.સી.ડી.એસ, ખેતીવાડી, પશુપાલન,માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, આદિજાતી વિભાગ સહિત તમામ વિભાગોના પ્લાનીંગ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અંતે તેમણે પદાધિકારીઓને ગ્રામ્ય કક્ષાએ થતી નાની મોટી તમામ મીટીંગ કે પ્રસંગો કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી લોકોને મોટી યોજનાઓ સહિત નાની યોજનાઓ અંગે પણ વધુમાં વધુ જાણકારી આપવા વિનંતી કરી હતી. તેમણે ખાસ ઉમેર્યું હતૂં કે, આપણે સૌએ સાથે મળી તાપી જિલ્લાને વિકાસના પથ ઉપર લઇ જવાનો છે.
*બોક્ષ:-1*
બેઠકમાં જિલ્લા કલેકટરસુશ્રી ભાર્ગવી દવેએ તાપી જિલ્લા દ્વારા સુશાસન અંતર્ગત “પ્રસાશન ગાંવ કી ઓર”થીમ ઉપર હાથ ધરેલ પહેલ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, તાપી જિલ્લા દ્વારા આગામી 100 દિવસોમાં નક્કિ કરેલ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની સાથે સાથે દરેક અધિકારી ગ્રામ્ય કક્ષાએ સ્વયં મુલાકાત લેશે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લાના 56 જેટલા સંકલન સમિતીના અધિકારીઓ દર અઠવાડિયે એક વાર ગ્રામ્યકક્ષાએ મુલાકાત લઇ સામાન્ય નાગરિકો સાથે બેઠક લેશે. આ મુલાકાત સામાન્ય નહિ પરંતું જનજન સુધી પહોચવાનો પ્રયાસ રૂપે મુલાકાત કરવામાં આવશે. આ મુલાકાતમા અધિકારી દ્વારા નશ્ચિત ફોર્મેટમાં ગ્રામજનોના પ્રશ્નો તેઓની સમસ્યાઓની નોંધ લખવામાં આવશે અને આ તમામ ડેટાનું એનાલીશીસ કરી તેનો ઉકેલ લાવવા તમામ દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે. કલેક્ટરશ્રી એ ખાસ ઉમેર્યું હતુ કે, આ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ તાપી જિલ્લો આ પહેલ અનુસરવા જઇ રહ્યો છે. ત્યારે કલેક્ટરશ્રીએ સૌ અધિકારીઓને એક અધિકારી તરીકે નહિ પરંતુ જનસામાન્ય બની લોકોની સમસ્યાઓને ઓળખવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતું કે, તમામ વિભાગોએ પોતાની કામગીરી એક સેવાકીય પ્રવૃતિ સમજી કરવી જરૂરી છે. તેમણે તમામ અધિકારીઓને યોજનાઓનો લાભ આપવા પુરતુ સિમિત ન રહેતા “આઉટ ઓફ થી બોક્સ“ વિચારસર્ણી કેળવવા અને તેને કામગીરીમાં લાગુ કરવા સમજાવ્યું હતું.
સમગ્ર બેઠકનું સંચાલન નાયબ કલેક્ટર-1શ્રી તૃપ્તિ પટેલે કર્યુ હતું.
આ બેઠકમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રેઝનટેશનના માધ્યમથી વિભાગની કામગીરી અંગે મંત્રીશ્રીઓ સહિત સૌને અવગત કર્યા હતા. તાલુકા પ્રમુખ જસુબેન સહિત વિવિધ પદાધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000