ગિરનારની સાયકલિંગ પરિક્રમા કરતાં સરકારી શાળાનાં રમતવીર શિક્ષક અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધન હેતુથી સાયકલિંગ એસોસિયેશન, જૂનાગઢ દ્વારા ગિરનાર સાયકલિંગ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ રેલવે સ્ટેશન સામેનાં સરદાર દરવાજાથી પિસ્તાલીસ જેટલાં સાયકલવીરોએ જય ગિરનારીનાં નાદ સાથે નિર્ધારિત માર્ગે પરિક્રમા આરંભી હતી. સ્પર્ધક તરીકે જોડાયેલા બાળકો, યુવાઓ, વડીલો અને બહેનોએ ખુશનુમા વાતાવરણ વચ્ચે ધીમા પણ અવિરત પેડલ સાથે પચાસ કિમી જેટલું સરળતાથી સાયકલિંગ કર્યું હતું.
આ આહલાદક અનુભવ સુરત રન એન્ડ રાઇડર 13 નાં સહસંચાલક એવાં વલસાડ જિલ્લાની દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલ અને તેમનાં ચાર વિદ્યાર્થીઓએ લીધો હતો કે જેઓ જૂનાગઢ સ્થિત કાર્યશાળામાં તાલીમ લઈ રહ્યા હતાં. અત્રે નોંધનીય છે કે શિક્ષક અશ્વિન ટંડેલે 75.75 કિમી અંતર સાયકલિંગ કરી આઝાદીનાં અમૃત મહોત્સવની આસ્થાસભર પ્રવૃત્તિ કરી. આ માટે તેમણે જૂનાગઢમાં સાયકલ સુવિધા ઉપલબ્ધ કરાવનાર મિસ્ટર ઓન્લી ઇન્ડિયન એવાં પર્યાવરણપ્રેમી મિત્રનો ગૌરવસહ આભાર વ્યક્ત કર્યો હતો. તેમની સાથેનાં શાળાનાં વિદ્યાર્થીઓએ ક્ષમતા અનુસાર પાંચ કલાકમાં સાયકલિંગ પૂરી કરી હતી.
આ સરકારી શાળાનાં શિક્ષકે અભ્યાસની સાથોસાથ રમતગમત અને સ્વાસ્થ્યવર્ધક અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહી સશક્ત ભારતનાં ઘડતરમાં યોગદાન આપી રાષ્ટ્રભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્રેનાં તાલીમ કેન્દ્રનાં સંચાલકો દ્વારા તેમની બાળકેન્દ્વી પ્રવૃત્તિઓને બિરદાવી આ તકે તેમને પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *