વ્યારાના વિદુષીએ લખેલું વિશિષ્ટ પુસ્તક : નગરના પુસ્તકાલયનો ઇતિહાસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દક્ષિણ ગુજરાતના વ્યારાના વિદ્યાદેવી સમાં વિવેચક, સંપાદક, કવયિત્રી અને ગુજરાતી વિષયના અધ્યાપક દક્ષા વ્યાસનું આજે 82મા જન્મદિને સન્માન થઈ રહ્યું છે.
વ્યારાના શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલયનો જીર્ણોદ્ધાર કરવાનું ખૂબ વંદનીય કામ દક્ષાબહેને 1985થી તેના મંત્રી તરીકેના તેમના 33 વર્ષના કાર્યકાળમાં કર્યુ છે.
પુસ્તકાલયના એક ગ્રંથપાલના દીકરી તરીકે બાળપણથી જ જાણે તેના આંગણે ઉછરનાર દક્ષાબહેન આખી જિંદગી વાચક, સંશોધક અને મંત્રી તરીકે આ પુસ્તકાલય સાથે જોડાયેલાં રહ્યાં છે. એમણે તાદાત્મ્યભાવે લખ્યું છે : ‘ગ્રંથાલય ત્વચાની પેઠે મારા અસ્તિત્વ સાથે જડાઈ ગયેલું છે.’
જાહેર ગ્રંથાલયને જેની કથામાં વણી લેવામાં આવ્યું હોય તેવી એકમાત્ર ગુજરાતી નવલકથા ‘અસૂર્યલોક’ ના લેખક ભગવતીકુમાર શર્મા પુસ્તકાલયની મુલાકાત પોથીમાં 26 સપ્ટેમ્બર 2010 ના દિવસે નોંધે છે : ‘આ પુસ્તકાલયનાં દર્શન કર્યાં તેને હું મારું સદભાગ્ય માનું છું. આ માત્ર કોઈ ચીલાચાલુ સામાન્ય લાયબ્રેરી નથી,પણ દક્ષાબહેનની તપોભૂમિ છે. મુઠ્ઠી હાડકાંની એક સન્નારી પોતાની સાહિત્યપ્રીતિ ઉપરાંત સર્વદેશીય દક્ષતા અને કાર્યનિષ્ઠા વડે કેવાં ચમાત્કારિક પરિણામો સિદ્ધ કરી શકે છે તેનું આ પુસ્તકાલય એક ઉજ્જ્વલ જ્વલંત ઉદાહરણ છે.’
વ્યાંસગી દક્ષાબહેને વ્યારાના ગ્રંથાલયના દોઢસો વર્ષનો ઇતિહાસ ‘શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલય : યાત્રાપથ’ (2018) પુસ્તકમાં લખ્યો છે.
આમ તો દક્ષાબહેનના નામે સર્જન, વિવેચન,સંપાદન,આદિવાસી અભ્યાસ,ચિંતન અને અનુવાદના ત્રીસેક પુસ્તકો છે. તેમાંથી ‘યાત્રાપથ’ નું વિશેષ મહત્વ એ છે કે આ પુસ્તક ગુજરાતી ભાષામાં લાઇબ્રેરી વિશેના પૂરાં કદનાં જે સંભવત: બે જ પુસ્તકો થયાં છે તેમાંનું એક છે.
બીજું પુસ્તક એટલે કળા-સંશોધન-દસ્તાવેજીકરણના નિષ્ણાત ઉષાકાન્ત મહેતાએ લખેલું ‘બાર્ટન લાઇબ્રેરી : ઓગણીસમી સદીની બૌદ્ધિક ઘટના’ (2013).
ગ્રંથાલયો વિશેના અન્ય લખાણોમાં નવસારીના વિખ્યાત ‘શ્રી સયાજીવૈભવ સાર્વજનિક પુસ્તકાલય’ પરની પરિચય પુસ્તિકા (ક્રમાંક 1272,લે.ડૉ. દિનુભાઈ નાયક), અને કેટલીક સ્મરણિકાઓનો સમાવેશ થાય છે. કપડવંજ, પેટલાદ પાટણના પુસ્તકાલયોની જયંતિઓ પર બહાર પાડેલી સ્મરણિકાઓનો ઉલ્લેખ પીઢ ગ્રંથાલયવિદ મણિભાઈ પ્રજાપતિ પાસેથી મળે છે.
‘યાત્રાપથ’ વ્યારાના ગ્રંથાલયના સાર્ધ શતાબ્દી વર્ષના અવસરે 2018માં પ્રસિદ્ધ થયું. પુસ્તકાલયના પ્રમુખ મહેશભાઈ શાહ આરંભે લખે છે : ‘ગ્રંથાલય જ્યારે એનું સાર્ધ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું હોય ત્યારે આટલા દીર્ઘ કાળ પર્યંત સંસ્થાને ટકાવી રાખનારા,સતત વિકસાવનારાં પરિબળોને,પાયાના પથ્થર સમા મહાનુભાવોને જાણવાનો આનંદ અનેરો હોય છે. આ અવસરે ગ્રંથાલયની વિકાસયાત્રાની ઝલક લેવાય એ કદાચ અનિવાર્ય લેખાય. આ સમજણ સાથે અમારા મંત્રી દક્ષાબહેન વ્યાસે ઇતિહાસને ઉકેલવાનું મહેનત માગી લેતું કામ કર્યું.ઘણી બધી માહિતી અપ્રાપ્ય અને અધુરી હોય ત્યારે એમાં પૂર્ણતાની શક્યતા રહેલી નથી.છતાં જેટલું ટકી રહ્યું છે તેને સંઘરી લેવું ને એરીતે એક પ્રકારનું દસ્તાવેજીકરણ કરવું અને એને ગ્રંથસ્થ કરીને એક કાયમી સંભારણું બનાવવાના હેતુથી આ પુસ્તક પ્રકાશિત કરવામાં અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.’
દક્ષાબહેને તેમના નિવેદનમાં લખ્યું છે : ‘… જાગ્યા ત્યારથી સવાર ગણીને આજે આ પર્વ નિમિત્તે ગ્રંથાલયની પ્રવૃત્તિઓનો વિગતે પરિચય થાય તે હેતુથી આ પ્રકલ્પ હાથ ધર્યો. જૂની જર્જરિત નોંધોને આધારે ગ્રંથાલયની વિકાસયાત્રાનો આલેખ અહીં રજૂ કર્યો છે. આ ‘ધૂળધોયાના ધંધા સમું’ કામ છે વિગતોના ખડકલામાંથી હાથમાંથી બટકી જતા કાગળોમાંથી – નીરક્ષીર દૃષ્ટિએ અનિવાર્ય અને શકવર્તી વિગતો તારવવી અને વ્યવસ્થામાં મૂકવી કઠણ કસોટી બની રહે.’
દક્ષાબહેન આગળ લખે છે : ‘આ યાત્રા દરમિયાન ગ્રંથાલયના કાર્યારંભની દૃષ્ટિએ 118 વર્ષના પુરાણા ઇતિહાસને બહુ ધીરજ,ખંત અને મુગ્ધતાથી માણ્યો છે. એના નિષ્ઠાવાન ગ્રંથપાલ મુ. નવનીતકાકાની કડક દેખરેખ હેઠળ સંસ્કારનુ ભાથું સીંચતા પુસ્તકો સાથે હું ઉછરી,એના મૂલ્યવાન ગ્રંથો વાંચી સર્વોચ્ચ ડિગ્રી લીધી. મારા પિતાશ્રીએ દસ વર્ષ એની ગ્રંથપાલ તરીકે કરેલી સેવા જોઈ(તેઓ મોટા ચોપડા ઘરે લાવતા અને રાત્રે બારેક વાગ્યા સુધી કાંઈ લખ્યા કરતા,એ જોઈ અમને ભારે આશ્ચર્ય થતું કે ગ્રંથાલયમાં એવું તે શું કામ રહેતું હશે?)… આ યાત્રાપથ પરથી પસાર થતાં અનેક વાર ભાવાવશ થઈ જવાયું છે અને આંખો આપમેળે વરસી પડી છે.’
દક્ષાબહેને ગ્રંથાલયની તવારીખને અલગ અલગ વર્ષોના જૂથના નવ ‘સ્તબક’ માં વહેંચી છે. જેમ કે, સ્થાપનાથી ઇ.સ. 1915, ઇ.સ. 1915-16 થી 1919-20,ઇ.સ. 1920-21 થી ઇ.સ. 1935-36.દરેક સ્તબકના વર્ષોની સંખ્યા એકસરખી નથી,પણ દરેકમાં વિપુલ વિગતો છે. તેના સ્રોતોમાં જાતભાતનાં દસ્તાવેજો ઉપરાંત વાર્ષિક,પંચવાર્ષિક અહેવાલોનો છે. જમીનપ્રાપ્તિ, બાંધકામ,આવકજાવક,ખરીદવેચાણ, નિમણૂક-પગાર, વિકાસ-વિસ્તાર, દાતાઓ, યોજનાઓ,ઉજવણીઓ,ઠરાવો જેવી ચિક્કાર વિગતો વાંચવા મળે છે.
બે પરિશિષ્ટોમાં ગ્રંથાલયે 1985 પૂર્વે અને તે પછી હાથ ધરેલી 16 પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ છે. ‘મને સાંભરે રે’ વિભાગમાં ગ્રંથાલયના ચાર લાભાર્થીઓએ તેમના ઘડતરમાં ગ્રંથાલયના ફાળાનાં સંસ્મરણો નોંધ્યાં છે. ‘મહાનુભાવોની કલમે’ વિભાગમાં મુલાકાતપોથીમાંથી કેટલાંક અભિપ્રાયો મૂકવામાં આવ્યાં છે.
પુસ્તકમાં મળતી અત્યંત રસપ્રદ વિગતોમાંથી કેટલીક અહીં મૂકી છે.
• હમણાં ત્રણ વર્ષ પહેલાં સુધી, ગ્રંથાલય સરકારી સહાય/અનુદાન વિના માત્ર ટ્રસ્ટીઓ અને નગરજનોએ ઊભાં કરેલાં ભંડોળ તેમ જ સંસાધનોથી ચાલતું
• છેક વીસમી સદીની શરૂઆતમાં આ પુસ્તકાલયમાં મહિલાઓ અને બાળકો માટે અલગ વિભાગ હતો.
•ગ્રંથાલય માટે ભંડોળ એકઠું કરવા ટહેલ નાખવામાં આવતી, નાટકના પ્રયોગ થતાં. એટલું જ નહીં બેસતા વર્ષના દિવસે ગ્રંથાલયના ટ્રસ્ટીઓ, તંત્રવાહકો અને ચાહકો ‘સબરસ’ અને ઝોળી લઈને દાન ઉઘરાવવા નીકળતા.
• ગ્રંથપાલની ગેરહાજરીમાં પુસ્તકોની આપલેનું કામ અટકતું નહીં. કોઈ ટ્રસ્ટી, ગામનો સેવાભાવી વ્યક્તિ કે નવયુવાન ઇશ્યુ કાઉન્ટર સંભાળી લેતા.
• એક વખત 1917-18 ના સ્તબકમાં પુસ્તકો ખોવાયેલાં માલૂમ પડતાં લાઇબ્રેરીયનનો પગાર અટકાવવામાં આવ્યો હતો.
• વ્યારાના પુસ્તકાલયને અનેક રીતે પ્રોત્સાહન આપનાર સયાજીરાવ ગાયકવાડના રાજ્ય અમલની સુવર્ણ જયંતિએ પુસ્તકાલયે 1926 માં યોજેલા કાર્યક્રમ માટે ફાળો આપનારાની યાદીમાં માછી,ખાટકી,દરજી,સુથાર જેવા શ્રમજીવી,કારીગર વર્ગોએ પણ સહયોગ આપ્યો હોવાની વિગતો નોંધાઈ છે.
• એક તબક્કે,આ વિસ્તારના વાચકોની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા મુદતસર પુસ્તકો પાછાં ન આપવા માટેનો દંડ માફ કરવાની નીતિ અપનાવવામાં આવી હતી.
• ગ્રંથપાલ નવનીતરામ જયશંકર દવેએ 1921 થી 1971 સુધી ગ્રંથાલયને પોતાના જીવની જેમ સાચવ્યું હતું તેના અનેક ઉલ્લેખો પુસ્તકમાંથી મળે છે. જોડાયા ત્યારે તેમનો માસિક પગાર વીસ રૂપિયા અને નિવૃત્ત થયા ત્યારે એકસો પાંચ રૂપિયા હતો. તેઓ મોંઘવારી ભથ્થું પણ ન લેતા. એમનો અંગત વ્યવસાય સ્ટૅમ્પવેન્ડરનો હતો.એમાં એમને સરકાર તરફથી જે કમિશન મળતું તેનો એક જ હિસ્સો લઈને બાકીના બે હિસ્સા તે પુસ્તકાલયને સમર્પી દેતા. આ રીતે તેમના કાર્યકાળમાં તેમણે પુસ્તકાલયને કુલ બારસો રૂપિયાનું દાન કર્યું હતું. નવનીતભાઈ ભરબપોરે વ્યારા ગામની શેરીઓમાં પુસ્તકાલયના લવાજમનો રૂપિયો ઉઘરાવવા ધક્કા ખાતા. નવનીતરામે ગ્રંથાલયમાં આવતાં છાપાં અને સામયિકોમાંથી કતરણો કરીને વિવિધ વિષયો પર વીસ ‘આલબમ’ અને લેખોની પાંત્રીસ ‘ફાઇલ’ બનાવી છે. અનેક લાભાર્થીઓએ આ કામને યાદ કર્યું છે, અનેક મુલાકાતીઓએ તેની નોંધ લીધી છે. તેમાં પ્રસિદ્ધ સાહિત્યકાર સુરેશ જોશીએ પણ ‘શ્રી નવનીતરાય દવેએ વિશિષ્ટ દૃષ્ટિથી ચિત્રમંજૂષા બનાવી છે’ તે નોંધ્યું છે.
• મુલાકાતપોથીમાં જાણીતા સમાજશાસ્ત્રી સત્યકામ જોશીએ નોંધ્યું છે : ‘વ્યારાની શિવાજી લાયબ્રેરીનાં પુસ્તકો થકી મારી શૈક્ષણિક કારાકિર્દી ઘડાઈ છે. સાંધ્યગોષ્ઠીનું આયોજન અનન્ય છે. આ લાયબ્રેરીનું ‘મૉડેલ’ સમગ્ર ગુજરાતમાં અપનવવામાં આવે તો ખૂબ મોટી વિચારક્રાંતિ આવી શકે.’
ગ્રંથાલયને બેઠું કરવા ઉપરાંત દક્ષાબહેનનું બીજું સામાજિક કાર્ય તે અનાથ બાળકો,બાળમજૂરો, અપરાધમાં આવેલાં બાળકો અને સેક્સ વર્કર્સના બાળકો માટેનું.
અખિલ હિંદ મહિલા પરિષદના ભગિની સમાજના વ્યારા એકમમાં તેમણે મહિલાઓને બૌદ્ધિક પ્રવૃત્તિ તરફ વાળવાના ઉપક્રમો ચલાવ્યા અને મહિલાઓ માટે નિ:શુલ્ક કાનૂની સહાય કેન્દ્રમાં છ વર્ષમાં છસોથી વધુ કેઇસેસ પર કામ કર્યું.
દક્ષાબહેનના આ પાસા વિશે બારડોલીના અંગ્રેજીના અધ્યાપક અને સાહિત્યના અભ્યાસી સંધ્યા ભટ્ટે લીધેલી અને ઑક્ટોબર 2016 ના ‘શબ્દસૃષ્ટિ’ માં પ્રસિદ્ધ થયેલી તેમની ટૂંકી વાચનીય મુલાકાતમાં જાણવા મળે છે.
એમાં દક્ષાબહેન કહે છે : ‘વ્યારા મારું વતન એટલે એના કણ કણ માટે વહાલ જાગે.એના વિકાસ-રકાસથી આંદોલિત થવાય. આ વતનની લાગણીની માપણી ન થાય.’
અને છેલ્લે, શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલયને એક સખાવત 19 ફેબ્રુઆરી 1944 ના દિવસે મળી. તે કરનાર કાશીબહેનની દુ:ખી જીવનકથા પુસ્તકનાં પાનાં 21-22 પર નોંધાયું છે. આ સખાવત શી હતી ? દક્ષાબહેને પોતાના નિવેદનમાં નોંધ્યું છે : ‘વાસણ માંજતાં કાશીબહેન તો ગ્રંથાલયને પોતાનું આખું ઘર દાનમાં આપી દે છે !’
કોલાજ સૌજન્ય :નીતિન કાપૂરે
આભાર : પ્રા.સંધ્યાબહેન ભટ્ટ, શ્રી પ્રકાશ સી.શાહ
26 ડિસેમ્બર 2022