સ્થાનિક કલાકારોના માધ્યમથી આદિવાસી લોકબોલીમાં મતદાન જાગૃતિના ગીતો દ્વારા છેવાડાના મતદારો સુધી પહોંચી વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટીબદ્ધ
તાપી જિલ્લામાં મતદારોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ* : ગામીત,વસાવા,ચૌધરી લોકબોલીમાં સ્થાનિક લોક કલાકારો દ્વારા નિર્માણ પામેલ મતદાન જાગૃતિના વિડીયો ગીતો દ્વારા મતદાન માટે પ્રેરિત કરતું તાપી જિલ્લા ચૂંટણી તંત્ર
………………
અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા માટે જિલ્લા ચૂંટણી તંત્રનો નવતર અભિગમ:
(માહિતી બ્યુરો વ્યારા)તા.૨૩: તાપી જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવી રીતે મતદારોને મતાધિકારના મહત્વ અંગે જાગૃતતા ફેલાવવાનો સક્રિય પ્રયાસ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહ્યા છે.
આજરોજ તાપી કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવે, વ્યારા પ્રાંત આર.સી.પટેલ,ડોલવણ મામલતદાર હાર્દિકભાઇ,કે.વી.કે વ્યારાના વડા ડૉ.સી.ડી.પંડ્યા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આદિવાસી ચૌધરી,ગામીત,વસાવા ભાષામાં સ્થાનિક કલાકારો દ્વારા લોકબોલીમાં તૈયાર કરેલા ગીતો વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે ફિમેલ પ્રિસાઇડીંગ ઓફિસરની તાલીમ પ્રસંગે લોન્ચ કરવામાં આવ્યા હતા.
પ્રસંગે કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીસુશ્રી ભાર્ગવી દવેએ સૌને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લો હંમેશા પોતાની અવનવી પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે. સમગ્ર ગુજરાતમાં કોઈપણ કોલેજના વિદ્યાર્થીઓએ આટલું સરસ ગીત બનાવ્યું નથી. તેમણે સમગ્ર “ટીમ તાપી”ને મતદાન જાગૃતિના લોકગીતો બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે લોકશાહીના અવસરમાં ભાગીદાર થવા બદલ આપણે સૌએ ગૌરવ લેવો જોઈએ. આપણે સૌ ટીમવર્કની ભાવનાથી એકબીજાને મદદરૂપ બની ચૂંટણી પ્રક્રિયા સફળતા પૂર્વક પાર પાડીએ. તેમણે તાપી જિલ્લાના ગામે ગામ આ ગીતો ધૂમ મચાવશે અને લોકોને વધુમા વધુ મતદાન માટે જાગૃત કરવામાં આવશે એમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અત્રે નોંધનિય છે કે, ગીતોના માધ્યમથી સ્થાનિક ગ્રામ્યકક્ષાએ આદિવાસી કલાકારોમાં રહેલી કલાશક્તિઓ બહાર આવશે. સાથે સાથે ગ્રામજનો ઉત્સાહભેર મતદાન કરવા જાગૃત થશે. ગીતોના ઓડિયો એડીટીંગમાં ધીરજભાઈ ગામીત, વિડિયો એડીટીંગ બિપિનભાઈ ગામીતે પોતાના કૌશલ્યનો નિખાર આપ્યો છે. વસાવા ગીતમાં પ્રિતમભાઈ વસાવા,ચૌધરી ગીતોમાં દમયંતિબેન ચૌધરી,વાઘનેરા નૃત્ય ગૃપના બહેનો, ગામીત ગીત અમલગુંડી ગામના બહેનો,રિદ્ધિ ધીરજભાઈ ગામીત,હિન્દી ગીત બુહારીના પ્રજ્ઞાબેન પટેલ,ઝીલ ભંડારી,ચીમકુવા પ્રા.શાળાના આચાર્ય પ્રદિપભાઈ ચૌધરી,સોનગઢ કન્યા શાળાના સંગીતાબેન ચૌધરી,એલીશાબેન ગામીત, કપુરા પ્રા.શા.ના પારુલબેન ચક્રવર્તી, પ્રિતાબેન ગામીત, ઉકાઈ સિંચાઈ વિભાગના બિપીનભાઈ ચૌધરી,મમતાબેન ચૌધરી,અનિલભાઈ ચૌધરી,પાઉલ ગામીત,સમુવેલ ગામીત, આનંદીબેન વસાવા, કી બોર્ડ પ્લેયર સ્ટીવન ગામીત,યાકુબ ગામીત,માં દેવમોગરા વિનયન કોલેજ ઉચ્છલના પ્રિન્સિપાલ કલ્યાણીબેન,પ્રોફેસરો સહિત વિદ્યાર્થીઓની ટીમ કાબીલેદાદ રજૂઆત કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. આ સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત અને તેઓની ટીમ તથા પ્રાથમિક શિક્ષણ વિભાગના અરવિંદ ગામીત અને જિલ્લા માહિતી કચેરી તાપીના સહાયક માહિતી નિયામકશ્રી નિનેશ ભાભોર તથા તેઓને ટીમે પોતાનો અમુલ્ય સમય આપી આ અનોખા અભિગમને પાર પાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તાપીના તમામ કલાકારોએ સૌથી વધુ મતદાન થાય તે માટે અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ વિડિયો ગીતો Collector & DM, Tapi ના યુટ્યુબ અને સોશિયલ મીડયા પેજ ઉપર પ્રસારિત કરવામાં આવ્યા છે. આ વિડિયો તાપી જિલ્લા સહિત વિવિધ જિલ્લાઓમાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ લોકગીતો સ્થાનિક બોલી ગામીત, વસાવા, ચૌધરી ભાષા અને હિંદીના હોઇ જાહેર જનતા દ્વારા તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવતા અવનવા પ્રયાસોની ખુબ સરાહના કરવામાં આવી રહી છે. આ તાલીમના અંતે મહાનુભાવો સહિત સૌએ મતદાન જાગૃતિના શપથ લીધા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦