બ્રિટન અને ફ્રાંસનાં પ્રવાસ દરમિયાન અનુરોધ : યુવા પેઢીમાં વિકારોનાં વિસર્જન અને સંસ્કારોનાં સર્જનને પ્રાધાન્ય આપો- ડો. મતાઉદ્દીન ચિશ્તી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : યુવાન ચિંતક, વિદ્વાન સામાજ સુધારક, સર્વધર્મ આદરવાદી અને સૂફીવાદની પ્રેમ જ્યોતિ ભારતથી લઈને દેશ-વિદેશમાં પ્રગટાવનાર ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબનાં બ્રિટન અને ફ્રાંસ પ્રવાસ દરમિયાન જીવન પ્રેરણાદાયક અને અસરકારક બનાવવા અનુરોધ કરવામાં આવ્યો. ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબ ૧૨૨૦ વર્ષો કરતાં જૂની સૂફી પરંપરા અને પરિવાર સાથે જોડાયેલ છે અને તેથી જ તો તેઓનાં જીવનમાંથી આટલી યુવાનવયે જ સાદગી, સમર્પણ, ત્યાગ, સદભાવના, સેવા, માનવતા, શાંતિ, સંવાદિતા, પ્રેમ અને જ્ઞાનની પ્રસરતી સુવાસ પ્રેરણા આપી જાય છે.
બ્રિટન પ્રવાસ દરમિયાન ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેઓનાં અસંખ્ય અનુયાયીઓને મળ્યાં પરંતુ સાથે-સાથે બ્રિટનની મુખ્ય ધારા સાથે જોડાયેલ આગેવાનો, વિચારકો, સામાજિક, શૈક્ષણિક અને મલ્ટીફેઇથ સંસ્થાઓની બ્રિટન પ્રવાસ દરમિયાન મુલાકાત લઇ વિશ્વભાઈચારો, કોમી એકતા, અહિંસા, સમાનતા, સામાજિક તથા શૈક્ષણિક સશક્તિકરણનાં મૂલ્યોની વાત કરી સંવાદ કર્યો, જેનાથી ઘણાં અંગ્રેજ ચિંતકો, મુખ્યધારાનાં આગેવાનો, શિક્ષણવિદો પણ પ્રભાવિત થયા હતાં.
પોતાનાં બ્રિટન પ્રવાસ દરમિયાન તેઓ ઓલિવ સ્કૂલ, ઇડન સ્કૂલ, કમ્યુનિટી સેંટરો, અલ હિકમા સેન્ટર, સહિત, વોહરા વોઈસ યુકે વગેરે સંસ્થાઓની મુલાકાત લઇ આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક, શૈક્ષણિક, સશક્તિકરણની ચર્ચા વિચારણાઓ અને આયોજનો તરફ ધ્યાન દોર્યું. બ્રિટનમાં આપણી યુવા પેઢીને આપણી સંસ્કૃતિ, વારસો, સંસ્કાર, આપણા મૂલ્યો સાથે કેવી રીતે જોડવા અને યુવાનોને આપણા સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કઈ રીતે પ્રોત્સાહન આપી આપણી આવનારી પેઢીમાં જવાબદાર આગેવાનો લીડરશીપ ઊભી કરી શકાય તેનાં ઉપર પણ લંડન, લેસ્ટર, બોલ્ટન, બ્લેકબર્ન, બાટલી, ડ્યુઝબરી જેવાં શહેરોમાં હકારાત્મક અને નક્કર વાટાઘાટો ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબે કરી હતી.
એચ. એચ. એમ. સી. એજ્યુકેશનલ કેમ્પસ, પાલેજ પાસે આવેલ સંસ્થા કે, જ્યાં ઉચ્ચકોટિની શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે, તેને બ્રિટનની શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડી સમગ્ર માનવ સમાજને વધુને વધુ શૈક્ષણિક ફાયદો થાય તથા આવનાર સમયમાં બાળકો અને શિક્ષકો પરસ્પર વૈશ્વિક અનુભવો વહેંચી શકે તેનાં ઉપર પણ ચોક્કસ દિશામાં વિચાર વિમર્શ કરી ભૂમિકા તૈયાર કરવામાં આવી છે.
બ્રિટનમાં વસતા ભારતીય ખાસ કરીને ગુજરાતી સમાજ પાસે ભારતનાં અને બ્રિટનનાં ખૂબ જ ઊંચા ઉત્તમ અને સારા મૂલ્યોનો વારસો છે. આપણે બધાએ સાથે મળીને વિશ્વભરમાં આદર, શાંતિ, પ્રેમ સંવાદિતા અને આધ્યાત્મિકતાનાં મૂલ્યોને અમલમાં મૂકી એક આદર્શ નાગરિક બની આ મૂલ્યોનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. બ્રિટન એ ખૂબ જ આદર્શવાદી અને નીતિ નિયમોવાળો દેશ છે, જેમાં રહી આપણે તમામ તકોનો સદઉપયોગ કરી બ્રિટન અને ભારતનાં પ્રગતિનાં તમામ પ્રયત્નો કરવા જોઈએ. સંપ, સહકાર, પ્રેમ, સંવાદિતા, સશક્તિકરણથી આપણે બધા જ પ્રગતિ સાથે-સાથે આગળ વધી શકીશું. સજાગ વ્યક્તિ, સક્રિય સમાજ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિકતાની યોગ્ય સમજ સૌનું કલ્યાણ કરી શકે છે. આમ ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબે યુ.કે. ખાતે વી.વી. યુકેને આપેલ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું, વી.વી.યુકેનાં હોદ્દેદારોએ સુંદર આયોજન કર્યું હતું. સુ સ્મિથ, જેનેટ ગેન્ટ, ઇકબાલ ભાઇ, ડો.અદમ ટંકારવી, અબ્દુલભાઇ, ઇમ્તિયાઝ પટેલ તેમજ વિવિધ સમાજ અને ક્ષેત્રનાં અગ્રણીઓ, મહાનુભવો, સ્ત્રીઓ, પુરુષો તથા બાળકો પણ રસ લઇ સહભાગી થયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓનાં દાદા હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબે ૧૯૭૦નાં દાયકાથી યુ.કે. ખાતે આ નેક કાર્ય શરૂ કર્યું હતુ. ત્યારબાદ તેઆનાં પિતાએ આગળ ધપાવ્યું અને તેઓ પણ મોટામિયાં માંગરોલની ગાદી અને પોતાનાં પૂર્વજોની પગદંડી અનુસરી સેવાકાર્ય આગળ ધપાવી રહ્યા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *