તાપી જિલ્લામાં ટાઉન હોલ વ્યારા ખાતે ઝોનલ/ઓફિસરશ્રીઓની તાલીમ-બેઠક યોજાઈ
(માહિતી બ્યુરો વ્યારા -તાપી). તા.06 ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ના કાર્યક્રમની વિધિવત જાહેરાત કરવામાં આવેલ છે. જે અન્વયે આજરોજ તાપી જિલ્લાના શ્યામાપ્રસાદ ટાઉન હોલ ખાતે કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી આનંદ કુમાર (IRS) દ્વારા ચૂંટણી સબંધિત ઝોનલ/નોડલ ઓફિસરોને માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સૌ ઝોનલ ઓફિસરોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થાય તેની જવાબદારી આપણા સૌની છે. તેમણે પ્રથમ વખત ચૂંટણી પ્રકિયા સાથે જોડાયેલા તમામ ઝોનલ ઓફિસરોને કોઇ પણ ગભરાટ વગર કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામને પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે અને આત્મવિશ્વાસ સાથે કામગીરી પૂર્ણ કરવા અને તમામ પ્રશાસન અને ચૂંટણી તંત્ર આપની સાથે છે એમ પણ જણાવ્યું હતું. વધુમાં ભુતકાળમાં જે મુજબ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઇ છે તે મુજબ જ આ વર્ષે પણ થશે એવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી આનંદ કુમાર (IRS)એ તમામ ઝોનલોને ચૂંટણી પ્રક્રિયામાં ધ્યાન રાખવાની બાબતો અંગે જાણકારી આપી હતી. તેમણે ચૂંટણી જેવી સંવેદનશીલ પ્રકારની કામગીરીમાં રાજકીય પક્ષો તથા ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ અંગે ચોકસાઈ દાખવવાની હિમાયત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ સૌને અવનવા બનાવો જણાવી બનાવો દરમિયાન રાખવાની થતી સતર્કતા અંગે માહિતગાર કર્યા હતા. વધુમાં સૌને કોઇ પણ મૂંઝવણ હોય તો જિલ્લા તંત્ર આપની સાથે છે એમ ખાત્રી આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે કેવીકેના ડો.ડી.સી પંડયા દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ચૂંટણી પુર્વે, ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ ધ્યાને લેવાની બાબતો, સ્વીપની કામગીરી, આદર્શ આચાર સંહિતા વિશે, ચૂંટણી પુર્વ સંધ્યાએ જરૂરી સ્ત્રોત તથા સામગ્રીઓ, મતદાન દિવસની જવાબદારી, ઇવીએમ મશીન, વીવી પેટ મશીનનો ડેમો અને જરૂરી બાબતો વિસ્તૃત સમજાવવામાં આવી હતી.
આ તાલીમ બેઠકમાં નિવસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી,નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી એમ જાડેજા,એક્સપેન્ડીચર મોનિટરીંગ સેલના બંને વિધાનસભા ૧૭૧ વ્યારા(અ.જ.જા.) અને ૧૭૨-નિઝર (અ.જ.જા.) મત વિસ્તારના નિમાયેલ નોડલ ઓફિસરશ્રીઓ તથા ચુંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમોના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
00000000000000