કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે રૂા.૫.૯૦ કરોડના ત્રિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન કરાયું
સેન્ટર ઓફ એક્સલન્સ,ઉકાઈ ખાતે રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ,નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના વરદ્ હસ્તે રાષ્ટ્રિય કૃષિ વિકાસ યોજના હેઠળ “એકવેરિયમ કોમ્પ્લેક્ષ” તથા “ફીશ પ્રોસેસીંગ હોલ” અને “વર્કશોપ ફોર સેન્ટર ઓફ એક્સલન્સ”નું ભૂમિપૂંજન તથા ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
………………
ઉકાઈની પાતરા ફીશ જગ વિખ્યાત છે.: મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૩- તાપી જિલ્લામાં આવેલ કામધેનું યુનિવર્સિટી સંચાલિત સેન્ટર ઓફ એક્સલેન્સ,ઉકાઈ ખાતે રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ,નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના વરદ્ હસ્તે સાંસદશ્રી પરભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા, સંશોધન નિયામક ડી.બી.પાટીલની ઉપસ્થિતિમાં રૂા.૫.૯૦ કરોડના ત્રિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન કરાયું હતું. રાષ્ટ્રિય કૃષિ વિકાસ યોજના હેઠળ તાપી જિલ્લામાં સૌપ્રથમ “એકવેરિયમ કોમ્પ્લેક્ષ” તથા “ફીશ પ્રોસેસીંગ હોલ” અને “વર્કશોપ ફોર સેન્ટર ઓફ એક્સલન્સ”નું મહાનુભાવોના હસ્તે ભૂમિપૂંજન તથા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ તાપી જિલ્લાના નાગરિકોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, મરીન અને ઈનલેન્ડ એટલે કે દરિયાઈ અને જમીન ઉપર આવેલા જળાશયોમાં મત્સ્યોદ્યોગ કરીને આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત કરવાની દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. જે તે સમયે ડેમનું નિર્માણ થતા વિસ્થાપિત લોકો માટે રોજગારીનો પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી ચિંતા કરી છે. બજેટમાં મત્સ્ય પાલન માટે વિવિધ યોજનાઓ માટે રૂા.૨૦ હજાર કરોડની ફાળવણી કરી છે. જેમાં વિસ્તાર મુજબ જુદી જુદી યોજનાઓ અમલમાં છે. ઉકાઈની પાતરા ફીશ જગ વિખ્યાત છે. અમેરિકા સુધી તેનું વેચાણ થાય છે. ત્યારે ફીશરીઝ વિભાગ અને તજજ્ઞોની મદદથી વધુ આવક મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આદિવાસી વિસ્તારમાં પહેલા ઈ-ઓકશન થતુ હતું જેનાથી સ્થાનિકોને લાભ થતો ન હતો. જે ધ્યાને આવતા હવે ઉકાઈ જળાશયના આજુબાજુ વિસ્તારની ૫ જેટલી મંડળીઓને મત્સ્યોદ્યોગનું કામ આપવામાં આવ્યું અને સ્થાનિક માછીમારી કરતા લોકોને તેનો સીધો લાભ મળી રહેશે. પહેલા રૂા.૪૫૫ કરોડનું બજેટ હતું જે હવે રૂા.૮૭૯ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સાંસદશ્રી પરભુભાઈ વસાવાએ સૌને નવરાત્રિની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાનશ્રીએ આર્થિક વિકાસ માટે અનેક રસ્તાઓ ખોલ્યા છે. જેમાં રાજ્ય સરકારનો ખૂબ સહયોગ મળ્યો છે. ગુજરાતમાં મત્સ્યપાલનની વિશાળ તકો રહેલી છે.આજે નવા પ્રકલ્પોના ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. જેનાથી આદિવાસીઓની આર્થિક ઉન્નતિ થાય, બેરોજગાર લાભાર્થીઓ આત્મનિર્ભર બની શકશે. આપણાં આદિવાસી યુવાનો કૂનેહ ધરાવે છે. સાથે SHG ગૃપોના સહયોગથી આ વિસ્તારની કાયાપલટ થશે. આમ ચોક્કસ સિસ્ટમ બનાવીને આગળ વધવા સાંસદશ્રી વસાવાએ અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ કહ્યું હતું કે, કેન્દ્રમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ખૂબજ સુંદર કામગીરી થઈ રહી છે. આપણો આદિવાસી ક્યાંય પાછળ રહી ન જાય તેની તકેદારી રાખવામાં આવે છે. સરકારની યોજનાઓનો વધુને વધુ લાભ લેવા પ્રમુખે આહવાન કર્યું હતું.
કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.નરેશ કેલાવાલાએ રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮-૧૯ માં સેન્ટર ઓફ એક્સલન્સની મંજૂરી મળી હતી. મત્સ્યોદ્યોગ વિભાગે જમીન ફાળવી અને રૂા.૪.૩૩ કરોડના ખર્ચે અહીં વિકાસ કાર્યનો પ્રારંભ થયો. સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને સ્થાનિક ૫ મંડળીઓને ઈજારો આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ રૂા.૨ કરોડ ફાળવવામાં આવે છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્રની સ્થાપના કરાશે.
સંશોધન નિયામકશ્રી ડી.બી.પાટીલે સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. આભારવિધી ડો.સ્મીત લેન્ડેએ કરી હતી. ભૂમિપૂંજનના આ પ્રસંગે ડીન ડો.જયેશ પટેલ, લાયઝન ઓફિસર શ્રી ડી.આર.પટેલ, સહાયક નિયામક ફીશરીઝ શ્રી અશોકભાઈ પટેલ, ડો.જયરામભાઈ ગામીત, શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રીમતિ સરિતાબેન વસાવા સહિત ઉકાઈ,સેલુડ, સાગબારા, બોરદા, ખેરવાડા મંડળીઓના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦