તાપી જિલ્લાના આદિવાસી સમાજનું ગૌરવ: પાટી ગામની યોગિની ગામીતે એમ.એ. માં બે ગોલ્ડ મેડલ મેળવ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): “કદમ અસ્થિર હો એને મંઝિલ નથી મળતી, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો” કહેવતને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તામાં આવેલ પાટી ગામની યોગીની છોટુભાઈ ગામીતે સાર્થક કરી બતાવી છે. પછાત વિસ્તાર અને ગરીબ ખેડુત પરિવારની આ દિકરી આજની નારી ધારે તો કંઈ પણ કરી શકે છે તે પુરવાર કરીને અન્ય બહેનો માટે પ્રેરણારૂપ બની છે.
તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના પાટી ગામમાં જન્મેલી યોગીની ગામીતે પોતાના ગામની પાટી ફળિયા શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધુ ધો. ૮ થી ૧૦ વાંસદાની શેઠ સી.પી.દેસાઈ હાઈસ્કુલ, સરા. ધો.૧૧/૧૨. સદગુરૂ હાઈસ્કુલ ભીનાર, માંડવીની શ્રી બી.બી.અવિચળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બી.એ તથા બી.એડ. મહેસાણાના કડીની સુરજબા કોલેજમાં પુરૂ કરી સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર ખાતે અનુસ્નાતક ડીગ્રી માટે પ્રવેશ મેળવ્યો હતો. જેમાં એમ.એ. ગુજરાતી વિભાગમાં શાનદાર દેખાવ કરી બે ગોલ્ડ મેડલ મેળવીને તાપી જિલ્લાનું ,ગામનું અને માતા-પિતાનું નામ રોશન કર્યુ છે.
તાજેતરમાં યોજાયેલ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ૬૨માં પદવીદાન સમારોહમાં યોગીની છોટુભાઈ ગામીતને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજ્યશિક્ષણમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ગોલ્ડ મેડલ અને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. યોગિની ગામીતની આ જ્વલંત સિધ્ધી આદિવાસી સમાજની અન્ય બહેનો માટે જરૂર પ્રેરણા પુરી પાડશે. આદિવાસી ખેડુત પરિવારની આ દિકરીએ ઘરકામ,ખેતીકામ અને પશુપાલનના કામમાં માતા-પિતાને મદદરૂપ થવાની સાથે ધઢ આત્મવિશ્વાસ અને અથાગ મહેનતથી ગોલ્ડ મેડલ મેળવા સુધીની સફર કરી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.
આ સિધ્ધી અંગે વાત કરતા જણાવે છે કે, ભવિષ્યમાં એક સારા પ્રોફેસર બની સમાજની દિકરીઓને આગળ લાવવા પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવાની દઢ ઈચ્છા ધરાવે છે. અથાગ મહેનત અને ઈશ્વરમાં અપાર શ્રધ્ધા ધરાવતા પોતાની સફળતાનો જશ માત-પિતા, ભાઈ બહેનો અને ગુરૂજનોને આપે છે. કપરી પરિસ્થિતીમાં પણ અડગ રહી ધૈર્ય ન ગુમાવી સફળતાના શિખરે બિરાજમાન થનાર યોગિની ગામીત સાચે જ આદિવાસી સમાજ માટે પ્રેરણાસ્ત્રોત સમી છે.