તાપી જિલ્લા જાહેર જનતા જોગ : સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત આજથી 20 સપ્ટેમ્બર સુધી તાપી જિલ્લામાં અંદાજીત ૬૮૨૭૩ – ૦ થી ૫ વર્ષનાં બાળકોને અપાશે પોલિયોના ડોઝ
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.17: તાપી જિલ્લામાં પંચાયત આરોગ્ય શાખા દ્વારા આજે તા.૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ થી 20 સપ્ટેમ્બર-2022 સુધી ત્રિ દિવસીય સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૬૮૨૭૩ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે.
આમ તો સમગ્ર વિશ્વમાંથી પોલિયો નાબુદ થયો છે. પરંતુ આપણા ભારત દેશના પડોશી દેશોમાં હજુ પણ પોલિયોના કેસ જોવા મળે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના કૂલ-૧૭ જિલ્લાઓ અને ૪ કોર્પોરેશન વિસ્તારમાં સબ નેશનલ પલ્સ પોલિયો રાઉન્ડ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. જે પૈકી તાપી જિલ્લામાં પણ તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૨થી શરૂ થનાર સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૬૮,૨૭૩ બાળકોને પોલિયોના રસીનો બે ટીપાં પીવડાવવા કૂલ-૫૪૭ બુથ, ૩૬ ટ્રાન્ઝીટ ટીમ, ૧૩ મેળા બજાર ટીમ, ૧૬ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં, તાલીમબધ્ધ ૨૩૧૮ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો આંગણવાડી વર્કર મારફત પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવશે. ત્રિદિવસીય આ પોલીયો રાઉન્ડ દરમ્યાન જાહેર સ્થળો જેવા કે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હાટ બજારો, ઈંટના ભઠ્ઠાઓ, શેરડી કટીંગ પડાવીયાઓ તથા અન્ય ટ્રાન્ઝીટ સાઈટ ખાતે ટ્રાન્ઝીટ ટીમ દ્વારા પોલિયોની રસી પીવડાવવામાં આવશે.
તાપી જિલ્લાના તમામ કુટુંબ, શેરી, ફળિયા તથા આસપાસના તમામ વિસ્તારોના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી અપાવવા તમામ પ્રજાજનોને તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
00000000000000