ઓલપાડ તાલુકાની મંદરોઇ તથા મીરજાપોર પ્રાથમિક શાળામાં હિન્દી દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભાષાએ કોઈપણ રાષ્ટ્રનાં લોકોને જોડતું સૌથી સક્ષમ અને અસરકારક માધ્યમ છે. સાંપ્રત સમયમાં અંગ્રેજી ભાષાનું ખૂબ જ મહત્વ છે તેમ છતાં આપણે આપણી માતૃભાષા કે રાષ્ટ્રભાષા ભૂલતા નથી. હિન્દી ભાષા ભારત દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભાષા છે. ભારતની બંધારણ સભાએ ૧૪ મી સપ્ટેમ્બર ૧૯૪૯ નાં રોજ તેને અધિકૃત ભાષા તરીકે માન્યતા આપી અને ત્યારથી દર વર્ષે આ દિવસ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે.
હિન્દી ભાષાનાં પ્રચાર પ્રસાર દ્વારા જાગૃતિ કેળવવાનો મૂળભૂત હેતુ આ દિવસની ઉજવણીનો છે. જેના અનુસંધાને ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજમાં સમાવિષ્ટ મંદરોઇ તથા મીરજાપોર પ્રાથમિક શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેનાં ભાગરૂપે મંદરોઇ તથા મીરજાપોર પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષકો અનુક્રમે નગીનભાઈ પટેલ તથા અંજનાબેન પટેલે આ દિન વિશેષની જાણી-અજાણી માહિતી પ્રદાન કરી હતી.
સદર કાર્યક્રમની ઉજવણીનાં ભાગરૂપે આ શાળાઓમાં વક્તૃત્વ, નિબંધ જેવી સ્પર્ધાઓ ઉપરાંત પરસ્પર ગોષ્ઠિનો કાર્યક્રમ યોજવામાં હતો.
મંદરોઇ અને મીરજાપોરનાં ઉપશિક્ષિકા અનુક્રમે શ્રીમતી યસુમતી પટેલ તથા શ્રીમતી સોનલ બ્રહ્મભટ્ટે બાળકો સમક્ષ હિન્દી કાવ્ય ગાન તથા હિન્દી આદર્શ વાચન રજૂ કરી બાળકો સાથે હિન્દીમાં વાર્તાલાપ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યત્વે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી આ ભાષા વિશ્વમાં ચીની ભાષા પછી સૌથી વધારે બોલાતી ભાષા છે. દેશ-વિદેશનાં થઈને હિન્દી બોલે છે વાંચે છે અથવા લખે છે. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.