જુુઓ વિડીયો – સુરતમાં પૂરપાટ જતી કારે સ્કૂલવાનને ઉડાવી, વિદ્યાર્થીઓમાં બૂમાબૂમ
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરતના અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે સ્કૂલવાન અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં શાળાના વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. સ્કૂલવાનમાં સ્કૂલ જતા સમયે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને અન્ય બાળકોને પણ નાનીમોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે, જેમાંથી દેખાઈ રહ્યું છે કે પૂરપાટ આવતી કારે સ્કૂલવાનને ટક્કર માર્યા બાદ 10 ફૂટ ઢસડતા એ પલટી મારી ગઈ હતી.
પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયત સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલવાનમાં સવારે શાળાએ પહોંચે એ પહેલાં અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે અકસ્માત નડ્યો હતો. સ્કૂલવાન ચાઇના ગેટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અન્ય એક કાર દ્વારા એને ધડાકાભેર ટક્કર મારતાંની સાથે જ સ્કૂલવાન પલટી ગઈ હતી.
સ્કૂલવાનમાં ચાલક વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતો હોવાના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે. કારચાલક પૂરપાટ ઝડપે ગાડી ચલાવીને આવતો હોવાનું પણ જણાઈ આવે છે. સ્કૂલવાનને ટક્કર મારવામાં કારચાલકની ગંભીર બેદરકારી સામે દેખાઈ રહી છે.