વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ’વિશ્વાસ થી વિકાસ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

તાપી જિલ્લા કક્ષાએ રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે રૂા. ૩૮.૨૧ કરોડના કુલ ૩૩ કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું
……………….
“ભારત દેશને વિશ્વગુરૂ બનાવવા આપણે સૌએ એક બનીને કામ કરવાનું છે”- મંત્રીશ્રી મુકેશ પટેલ
……………….
માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા.13 સમગ્ર રાજ્યમાં ’વિશ્વાસ થી વિકાસ યાત્રા’ ચાલી રહી છે તે અંતર્ગત તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાપી જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢ્વાણીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાની ઉપસ્થિતીમાં તાપીના વ્યારા સ્થિત દક્ષિણાપથ વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે તાપી જિલ્લા કક્ષાએ રૂા. ૩૮.૨૧ કરોડના કુલ ૩૩ વિવિધ કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામા આવ્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતુ કે, આપણાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ”ના મંત્રને ચરિતાર્થ કરવાનો ભગિરથ પ્રયાસ હાથ ધર્યો છે. દેશના તમામ લોકોને સાથે રાખી “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના નિર્માણ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. લોકોની પાયાની જરૂરિયાતો અને સમસ્યાઓ હલ કરીને જન જન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને દેશ સમૃધ્ધ થાય તેવી ઉમદા ભાવના સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ભારત દેશને વિશ્વગુરૂ બનાવવા આપણે સૌએ એક બનીને કામ કરવાનું છે. આપણો ભારત દેશ વૈશ્વિક ઓળખ ઉભી કરી નવી ઉંચાઈ હાંસલ કરી રહ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષમાં અમારી સરકારે ઉડીને આંખે વળગે એવા કાર્યો કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓ,મહિલાઓ,બાળકો સહિત છેવાડાના માનવીઓની ચિંતા કરી છે. શિક્ષિતો માટે રોજગાર, ખેડૂતો માટે સિંચાઈ, વિજળી, જંગલ જમીન, શૈક્ષણિક ઉત્થાન, વિજ્ઞાન પ્રવાહની કોલેજો, જેવા અનેક વિકાસલક્ષી કાર્યો કરી આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી છે. આજે “વિશ્વાસથી વિકાસ યાત્રા”ના કાર્યક્રમના બીજા દિવસે તાપી જિલ્લા કક્ષાએ રૂા. ૩૮.૨૧ કરોડના કુલ ૩૩ કામોનું ઇ-ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આજથી 20 વર્ષ પહેલા આપણી કેવી પરિસ્થિતી હતી એની કલ્પના કરવી પણ મુશકેલ છે. તે સમયે વિજળી, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ વગેરે જરૂરીયાતોની સુવિધાઓ ઘણી કફોડી હતી. પરંતુ રાજ્ય સરકારે છેલ્લા બે દાયકામાં વિકાસના અઢળક કાર્યો કર્યા છે. જેનાથી જાહેરજનતાનું જીવનધોરણ ઉપર આવ્યું છે. આજે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસના રોલ મોડલ તરીકે પ્રખ્યાત છે.
ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની વણ થંભી વિકાસ યાત્રાનો હું પોતે સાક્ષી રહ્યો છું. તેમણે અનેકવિધ સરકારી ક્લ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી સૌને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડાયા હતા. રાજ્યના અનેક વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડીયાએ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કર્યું હતું જ્યારે આયોજન અધિકારી એસ.એસ.લેઉવાએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ન.પા.પ્રમુખ સેજલ રાણા, પ્દ્મશ્રી રમીલાબેન ગામીત, સંગઠન પ્રમુખ ડૉ.જયરામ ગામીત, નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, પ્રાંત અધિકારી આર.સી.પટેલ,આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી દિપ્તી રાઠોડ,બાંધકામ સમિતી ચેરમેન નિતિન ગામીત, મહિલા મોરચાના અધ્યક્ષશ્રી સુનિતાબેન ગામીત, કા.પા.ઇ મનીષ પટેલ, વિનિશા ગામીત,ઉચ્ચ અધિકારીઓ/પધાધિકારીઓ/ સબંધિત કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.
000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other